મુંદ્રામાં લૉકડાઉનમાં જુગાર રમતા 19 લોકો ઝડપાયા, 14 લાખનો મુદ્દામાલ કબજે

લૉકડાઉન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના કાયદાનો ભંગ કરીને એક વાડીમાં 19 લોકો જુગાર રમવા ભેગા થયા હતા. પોલીસને જાણકારી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા. 

Updated By: May 16, 2020, 07:44 AM IST
મુંદ્રામાં લૉકડાઉનમાં જુગાર રમતા 19 લોકો ઝડપાયા, 14 લાખનો મુદ્દામાલ કબજે

રાજેન્દ્ર ઠાકર/ કચ્છઃ લૉકડાઉન વચ્ચે કચ્છના મુંદ્રામાં આવેલા ટપ્પરમાં એક જુગાર ક્લબ પર એલસીબીએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન 14 લાખના મુદ્દામાલ સાથે 19 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાલ કોરોના વાયરસને કારણે લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ટપ્પર ગામમાં લોકો જુગાર રમવા ભેગા થયા હતા. ઘટનાની જાણ થયા બાદ એલસીબી દ્વારા ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે આ ઘટનામાં સંચાલકની પણ ધરપકડ કરી છે. 

શું છે સમગ્ર મામલો
પ્રાપ્ત વિગત અનુસાર ભુજના જાંબુડી ગામનો રાજદિપ ભગવતભાઈ જાડેજા (રહે.ઓધવવંદના, ભુજ) નામનો શખ્સ ટપ્પરમાં આવેલી તેની માલિકીની વાડીએ બહારથી લોકોને બોલાવી જુગાર ધામ ચલાવતો હતો. આ ઘટનાની જાણ કચ્છ એલસીબીને થઈ હતી. ત્યારબાદ ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે દરોડો પાડી સ્થળપરથી 19 આરોપીઓ સાથે 1 લાખ 34 હજાર 500 રૂપિયાની રોકડ, 68500ની કિંમતના 15 મોબાઈલ ફોન, 12 લાખની કિંમતની ચાર કાર અને 10 હજારની એક બાઈક મળી કુલ 14 લાખ 13 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.  

આરોપીઓ સામે ગુનો નોંધાયો
જુગાર ધામમાં ઝડપાયેલા તમામ લોકો સામે જાહેરનામાનો ભંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ સહિતની અનેક કલમો નોંધી પોલીસે ગુનો નોંધ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર