ચર્ચ V/s હનુમાન મંદિર : ધર્મપરિવર્તન કરીને ખ્રિસ્તી બનેલા 200 હિન્દુઓની થઈ ‘ઘર વાપસી’

આદિવાસીઓને આકર્ષી અને તેમાં આદિવાસીઓનું ધર્માંતરણ કરવામાં આવતું હોવાના આક્ષેપો સાથે ખ્રિસ્તી મિશનરીઓના ધાર્મિક સંમેલનો વિવાદમાં આવે છે

ચર્ચ V/s હનુમાન મંદિર : ધર્મપરિવર્તન કરીને ખ્રિસ્તી બનેલા 200 હિન્દુઓની થઈ ‘ઘર વાપસી’

જયેશ પટેલ/વલસાડ: નાતાલ પર્વની શરૂઆતમાં વલસાડ જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર એવા કપરાડા અને ધરમપુર તાલુકામાં ખ્રિસ્તી મિશનરીઓ મોટા ધાર્મિક સંમેલનો યોજાયા છે. ખ્રિસ્તીઓના આ સંમેલનમાં ચમકદમકથી આદિવાસીઓને આકર્ષી અને તેમાં આદિવાસીઓનું ધર્માંતરણ કરવામાં આવતું હોવાના આક્ષેપો સાથે ખ્રિસ્તી મિશનરીઓના ધાર્મિક સંમેલનો વિવાદમાં આવે છે. ત્યારે હવે હિન્દુ સંગઠનો પણ નાતાલ પર્વ દરમિયાન હિન્દુ ધર્મ જાગરણ સંમેલનો યોજી અને ધર્મ પરિવર્તન કરેલા હિન્દુ આદિવાસીઓને સમજાવી ઘર વાપસી કરાવવાનું અભિયાન શરૂ કર્યું છે. કપરાડાના અંતરિયાળ આસલોના ગામમાં યોજાયેલા હિન્દુ ધર્મ જાગરણ સંમેલનમાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરેલ 200 થી વધુ આદિવાસી પરિવારોને ફરી પાછા હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરાવી હતી. આમ  ખ્રિસ્તીઓના દરેક ગામમાં ચર્ચના જવાબમાં હિન્દુ સંગઠનોએ દરેક ગામમાં હનુમાનજીનું મંદિર બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે. 

વલસાડ જિલ્લાના છેવાડે આવેલ પહાડી અંતરિયાળ વિસ્તાર એવા કપરાડા અને ધરમપુર તાલુકો સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે. જે રાજ્ય અને દેશમાં ચાલતી વિકાસની યાત્રામાં પછાત રહી ગયેલા વિસ્તારો પૈકીનો એક ગણવામાં આવે છે. આ પછાત અને અંતરીયાળ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ધર્મ પરિવર્તન અને વટાળ પ્રવૃત્તિ મોટાપાયે ચાલતી હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. છેલ્લા 15 વર્ષથી મિશનરીઓ દ્વારા આ વિસ્તારોમાં ગરીબ આદિવાસીઓને નવા નવા પ્રલોભનો આપી આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મમાં ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું હોવાના હિન્દુ સંગઠનો આક્ષેપ કરી રહ્યા છે. આ વર્ષે પણ નાતાલ પર આ વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા અનેક ધાર્મિક સંમેલનો અને કાર્યક્રમો  યોજાઈ રહ્યા છે. જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી ચૂકેલ આદિવાસી પરિવારો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે નાતાલ પર્વ દરમિયાન ખ્રિસ્તી મિશનરીઓના આવા સંમેલનોને લઇ હિન્દુ સંગઠનો પણ આગળ આવ્યા છે અને નાતાલનાં પર્વ દરમ્યાન કપરાડા અને ધરમપુર તાલુકામાં હિંદુ ધર્મ જાગરણ સંમેલનો યોજાઈ રહ્યા છે.

એક અંદાજ મુજબ છેલ્લા 15 વર્ષથી આ વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ચાલી રહેલા વટાળ પ્રવૃત્તિને લીધે કપરાડા તાલુકામાં જ અત્યાર સુધીમાં અંદાજે 40 હજારથી વધુ લોકો ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી ચૂક્યા છે. જેથી હવે હિન્દુ સંગઠનો પણ જાગ્યા છે. કપરાડા તાલુકાના 6 હજાર લોકોની વસ્તી ધરાવતા આસલોનાં આ ગામમાં છેલ્લા 15 વર્ષમાં ત્રણથી વધુ ચર્ચ બની ચૂક્યા છે અને 600થી વધુ આદિવાસી પરિવારો ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી ચૂક્યા છે.  

આમ કપરાડા અને ધરમપુર તાલુકામાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ચાલી રહેલા આ વટાળ પ્રવૃત્તિના જવાબમાં હવે હિંદુ સંગઠનોએ પણ બાયો ચઢીવી છે  અને નાતાલના પર્વે દરમિયાન આ વિસ્તારમાં હિંદુ ધર્મ જાગરણ સંમેલનો યોજાયા છે. આવા જ એક પ્રયાસના ભાગ રૂપે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના છેવાડે આવેલ આસ્લોના ગામમાં સ્વામિનરાયણ જ્ઞાનપીઠ નામની સંસ્થા દ્વારા હિન્દુ ધર્મ જાગરણ સંમેલન યોજાયું હતું. જેમાં રાજ્યભરમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રણી સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં ઉપસ્થિત સાધુ-સંતોએ આદિવાસીઓને ધર્મની સમજ આપી હતી અને કોઈના પણ કોઈ પણ જાતના પ્રલોભનોથી ન ભોળવાઈ અને પોતાના ધર્મ પ્રત્યે શ્રદ્ધા ટકાવી રાખવા આહ્વાન કર્યું હતું. સ્વામિનારાયણ સંસ્થાના આ પ્રાયસમાં હવે અમેરિકાથી પણ મદદ મળી રહી છે. અમેરિકન એનઆરઆઈ પણ હિન્દૂ સંગઠનોને આર્થિક મદદ કરી આદિવાસીઓના વિકાસમાં પ્રયાસ કરી રહ્યાં છે. 

આ સંમેલનમાં પણ આસાલોના અને આસપાસના ગામોના ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી ચૂકેલા 200થી વધુ પરિવારોને કંઠી પહેરાવી ફરી પાછા હિન્દુ ધર્મમાં આવકારવામાં આવ્યા હતા. આમ આવા ધર્મ જાગરણ સંમેલનોથી હવે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી ચૂકેલા આદિવાસી પરિવારોને અને ફરી પાછા હિન્દુ ધર્મમાં લાવવા ઘર વાપસી અભિયાન શરૂ કર્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news