)
Rajkot News: રાજકોટ શહેરમાં ફરી એકવાર માનવતાને શરમજનક બનાવે તેવી ઘટના સામે આવી છે. જેમાં એક 22 વર્ષીય યુવતી પર તેના કૌટુંબિક જીજાજીએ દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. આ ઘટનામાં આરોપીએ દુષ્કર્મ આચર્યા બાદ યુવતીને બ્લેકમેલ કરી ધમકી આપી હતી કે જો તે આ વાત કોઈને કહેશે તો તે દવા પીને આત્મહત્યા કરી લેશે.
શું છે ઘટનાની વિગત?
શહેરની 22 વર્ષીય યુવતીએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં જેતપુરમાં રહેતા તેના કૌટુંબિક જીજાજી કેવલ જયંતિભાઈ સીતાપરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, બોરડી સમઢીયાળા ગામે એક પ્રસંગમાં આરોપી કેવલે યુવતી સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે યુવતીએ આ વાતની જાણ પરિવારને કરવાની ધમકી આપી, ત્યારે આરોપીએ લાગણીશીલ બ્લેકમેલનો સહારો લીધો. તેણે યુવતીને કહ્યું કે તેની પત્ની બીજા સાથે વાત કરે છે અને તે તેની સાથે છૂટાછેડા લઈને યુવતી સાથે લગ્ન કરશે. આવી લાલચ આપીને તેણે યુવતીના ઘરે અને પછી એક હોટેલમાં પણ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા.
બ્લેકમેલનો ખેલ
આરોપીએ દુષ્કર્મ દરમિયાન યુવતીના અશ્લીલ ફોટા પણ પાડી લીધા હતા. બાદમાં આ ફોટા વાઈરલ કરવાની અને દવા પીને આત્મહત્યા કરી લેવાની ધમકી આપીને યુવતીને બ્લેકમેલ કરતો રહ્યો. યુવતીએ આ બ્લેકમેલથી કંટાળીને આખરે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લીધો. પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપી કેવલ સીતાપરા સામે ગુનો નોંધી તેને ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં કૌટુંબિક સંબંધોની પવિત્રતા અને સ્ત્રીઓની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે.