સાણંદમાં ખુલ્લેઆમ મારામારી કરનાર પાંચેય આરોપીની ધરપકડ

અમદાવાદ સાણંદમાં બે દિવસ પહેલા વ્યાજખોરો દ્વારા ખુલ્લેઆમ મારામારી કરવામાં આવી હતી. ત્યારે આ ઘટનામાં સંડોવાયેલા 5 આરોપીની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. થોડા દિવસ પહેલા તમામ ઘટનાના CCTV બહાર આવ્યા હતા. જેના આધારે પોલીસે તપાસ દરમિયાન 5 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Updated By: Mar 25, 2018, 04:01 PM IST
સાણંદમાં ખુલ્લેઆમ મારામારી કરનાર પાંચેય આરોપીની ધરપકડ

મૌલિક ધામેચા: અમદાવાદ સાણંદમાં બે દિવસ પહેલા વ્યાજખોરો દ્વારા ખુલ્લેઆમ મારામારી કરવામાં આવી હતી. ત્યારે આ ઘટનામાં સંડોવાયેલા 5 આરોપીની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. થોડા દિવસ પહેલા તમામ ઘટનાના CCTV બહાર આવ્યા હતા. જેના આધારે પોલીસે તપાસ દરમિયાન 5 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

22 માર્ચના રોજ સાણંદની મુખ્યબજારમાં વ્યાજ મામલે એક પરિવારને માર મારતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. ઘટનાની વિગતે વાત કરીએ તો એક પરિવારે વ્યાજે લીધેલા નાણાં ચૂકવી દીધા હોવાછતાં કેટલાક વ્યાજખોરોએ નાણાં બાકી નીકળતા હોવાનું કહીને લાકડી અને પાઇપો વડે પરિવારના સભ્યોને દુકાનમાંથી બહાર ખેંચી લાવી ઢોર માર માર મારવામાં આવ્યો હતો.

આ મામલે પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો હતો. પોલીસ ચોપડે ભૂપતસિંહને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો. વ્યાજખોરોએ પરિવારની મહિલાની હાજરીમાં જ અન્ય સભ્યોને લાકડીઓ અને પાઇપો વડે ફટકાર્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવતાં સાણંદ પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે આરોપી વ્યાજખોરો વિરૂધ્ધ તપાસ શરૂ કરી હતી.

નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી લૂંટ-ફાટ,મારામારી અને હત્યાના બનાવો દિવસને દિવસે વધી રહ્યા છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરોના ત્રાસ અને બેફામ અત્યાચારની ઘટનાઓ દિન પ્રતિદિન વધતી જાય છે પરંતુ શહેર પોલીસ દ્વારા આવા બેફામ અને છાકટા બનેલા વ્યાજખોરો વિરૂધ્ધમાં કોઇ અસરકારક કે આકરી કાયદાકીય કાર્યવાહી કરવામાં નહી આવતાં તેઓ જાણે બેકાબૂ બન્યા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે 23 માર્ચના રોજ સાણંદમાં યોજાયેલા શહીદ વીરાંજલિ કાર્યક્રમમાં માર મારવાનો આરોપી મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે સ્ટેજ પર જોવા મળ્યો હતો. મોસ્ટ વોન્ટેડ ભૂપતસિંહે મુખ્યમંત્રીનું તલવાર આપીને સ્વાગત કર્યું હતું.