એકના ડબલની લાલચમાં રાજકોટમાં રોકાણકારોના 50 કરોડ ધોવાયા, 1 લાખ રૂપિયે મળતું હતું આટલું વ્યાજ
મુખ્ય સુત્રધાર પ્રદિપ ડવેરા છે જે વર્ષ 2017માં વલસાડ થી રાજકોટ રહેવા માટે આવ્યો હતો અને પોતાની રીતે શેર બજારનું ટ્રેડિંગ શરૂ કર્યું હતું. રોકાણકારોનો સંપર્ક કરી સારૂ રીટર્ન આપવાની લાલચ આપતો હતો.
ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ (Rajkot) માં રોકાણકારોનું 50 કરોડનું ફુલેકું ફેરવી નાખનાર ટ્રેડિંગ કંપનીનાં ત્રણ સંચાલકોની પોલીસે (Police) ધરપકડ કરી છે. શેર બજારમાં રોકાણ કરીને રોકાણકારોને બમણા રૂપીયા આપવાની લાલચ આપી અનેક લોકોનાં રૂપીયા ઓળવી ગયા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે તમામ આરોપીની વધુ તપાસ શરૂ કરી છે.
રાજકોટ (Rajkot) માં ફરી એક વખત ક્રેડીટ કો-ઓપરેટીવ લિમિટેડ સોસાયટી અને ટ્રેડિંગ કંપનીનાં સંચાલકોએ રોકાણકારોમાં કરોડો રૂપીયાનું ફુલેકુ ફેરવી જવાની ઘટના સામે આવી છે. રાજકોટનાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશન (Police Station) માં જામનગર રોડ પર આવેલા પરસાણાનગરમાં રહેતા અને સફાઇકામ કરતા રાજેશ વાઘેલાએ ફરીયાદ નોંધાવી હતી. જેમાં આશિષ ક્રેડિટ કો-ઓપરેટીવ લિમિટેડ સોસાયટી, સમય ટ્રેડિંગ અને સાંઇ સમય ટ્રેડિંગનાં સંચાલક પ્રદિપ ખેડાભાઇ ડાવેરા, દિવ્યેશ ઓશોકભાઇ કાલાવડીયા અને હિતેશ મનસુખભાઇ લુક્કાએ અંદાજીત 150 રોકાણકારોનાં કરોડો રૂપીયાનું ફુલેકુ ફેરવી નાખ્યું હોવાની ફરીયાદ નોંધાવી હતી.
જેની પોલીસે (Police) તપાસ કરતા આરોપીઓએ રૂપીયા ડબલ કરી આપવાની લાલચ આપીને રોકાણકારો પાસે લાખો રૂપીયા રોકાવ્યા હતા અને શેરબજારમાં રોકાણ કર્યું હતું. પોલીસ તપાસમાં અંદાજીત 50 કરોડ રૂપીયાનું ફુલેકું ફરવ્યું હોવાનું ખુલતા ત્રણેય આરોપીઓ સામે પોલીસે આઇપીસી 406, 409, 420, 120(બી) તથા ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્સ્ટ્રેટ ઓફ ડિપોઝીટ એક્ટની કલમ 3 મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
Video: માસ્કની અંદર છુપાવ્યું અધધ રૂપિયાનું સોનું, કારીગરી જોઇ તમે પણ કરશો સલામ
કેવી રીતે ફેરવ્યું ફુલેકું
રાજકોટ પોલીસનાં કહેવા મુજબ, મુખ્ય સુત્રધાર પ્રદિપ ડવેરા છે જે વર્ષ 2017માં વલસાડ થી રાજકોટ રહેવા માટે આવ્યો હતો અને પોતાની રીતે શેર બજારનું ટ્રેડિંગ શરૂ કર્યું હતું. રોકાણકારોનો સંપર્ક કરી સારૂ રીટર્ન આપવાની લાલચ આપતો હતો. રોકાણકારો વધવા લાગતા એજન્ટ બનાવીને એજન્ટો મારફતે રોકાણકારોનાં રૂપીયા રોકાવવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ 150 ફુડ રોડ પર રૈયા ટેલિકોમ એક્સચેન્જ પાસે આકૃતિ બિજ હબમાં ઓફિસ શરૂ કરીને સમય ટ્રેડિંગ નામની ઓફિસ શરૂ કરી હતી.
જૂલાઇ 2019માં શિતલપાર્ક નજીક આવેલ ધ સ્પાયર બિલ્ડીંગનાં પ્રથમ માળે આશિષ ક્રેડિટ કો-ઓપરેટીવ મલ્ટી સ્ટેટ સોસાયટી શરૂ કરી હતી. જેમાં રોકાણકારોને સમય ટ્રેડિંગ, સાંઇ સમય ટ્રેડિંગ અને આશિષ ક્રિડિટ કો-ઓપરેટીવ સોસાયટીમાં રોકાણ કરાવતા હતા. જેમાં રોકાણકારોને એજન્ટ બનાવીને અન્ય લોકોને એજન્ટ મારફતે રૂપીયાનું રોકાણ કરાવતા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી પ્રદિપ ડવેરા ચેરમેન હતો, જ્યારે આરોપી હિતેશ લુક્કા વાઇસ ચેરમેન અને સેક્રેટરી તરીકે દિવ્યેશ કાલાવડીયા હતો. જોકે રોકાણકારોનાં કરોડો રૂપીયાનું ફુલેકું ફેરવી જનાર આ ત્રણેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને કરોડો રૂપીયાનું ક્યાં રોકાણ કર્યું છે અને શા માટે રોકાણકારોને રૂપીયા પરત કરવામાં આવ્યા નથી અથવા તો ખોટ શેમાં ગઇ છે સહિતની દીશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
કેવી રીતે મળતું રોકાણકારોને વ્યાજ
પોલીસનાં જણાવ્યા મુજબ, સમય ટ્રેડિંગમાં રોકાણકારો 1 લાખ થી લઇને 50 લાખ સુધીનું રોકાણ કરતા હતા. જેમાં 1 લાખનાં રોકાણ પર દર મહિને 10 હજારનું વ્યાજ ચુકવવામાં આવતું હતું આવી રીતે 11 મહિના સુધી 10 હજાર દર મહિને ચુકવવામાં આવતા હતા અને મૂળ રકમ પરત ન આપીને રોકાણ કરાવવામાં આવતું હતું,. રૂપીયાની લાલચે રોકાણકારો પોતાનાં સગા સબંધીઓને પણ રોકાણ કરાવતા હતાઅને એજન્ટ બનાવીને વધુમાં વધુ લોકો રોકાણ કરે તેવા પ્રયાસો કરતા હતા. લોકો પર્સનલ લોન લઇને અથવા તો નિવૃતિની મરણમુડીને પણ આ ટ્રેડિંગ કંપની અને ક્રેડિટ સોસાયટીમાં રોકાણ કરતા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube