75 નગરપાલિકાઓની ચૂંટણીની તારીખોનું એલાન, 17 ફેબ્રુઆરીએ મતદાન, 19મીએ પરિણામ

રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર વરેશ સિન્હા અને સચિવ મહેશ જોષીએ પત્રકાર પરિષદ બોલાવીને ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે

Updated By: Jan 23, 2018, 09:46 PM IST
 75 નગરપાલિકાઓની ચૂંટણીની તારીખોનું એલાન, 17 ફેબ્રુઆરીએ મતદાન, 19મીએ પરિણામ
રાજ્ય ચૂંટણીપંચની પત્રકાર પરિષદ

 

ગાંધીનગરઃ રાજ્ય ચૂંટણીપંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોનું એલાન કરી દીધું છે. રાજ્યની 75 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી અને અન્ય સ્થાનિક સ્વરાજ્યમાં ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણીમાં 17 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 19 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર કરવામાં આવશે. આ માટે આદર્શ આચારસંહિતા આજથી જ લાગું થઈ ગઈ છે. 

રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર વરેશ સિન્હા અને સચિવ મહેશ જોષીએ પત્રકાર પરિષદ બોલાવીને ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. પંચે જણાવ્યું કે, તમામ મતદાન મથકો પર ઈવીએમનો ઉપયોગ થશે. આ માટે નવી ડિઝાઈન પ્રમાણે ઈવીએમ તૈયાર કરવામાં આવ્યા છે.  ચૂંટણી પંચે આ ચૂંટણી માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. આ ચૂંટણીમાં  15615 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ પર રહેશે. 

કુલ 75 નગરપાલિકાની ચૂંટણી યોજાશે, આ તમામ નગરપાલિકામાં કુલ 529 વોર્ડ અને 2116 બેઠકો આવેલી છે. કુલ 1976381 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ માટે કુલ 2763 મતદાન બુથો બનાવવામાં આવ્યા છે. કુલ 75નપામાં અંદાજીત 530 સંવેદનશિલ અને આશરે 95 અતિસંવેદનશિલ મતદાન મથકો છે. 

રાજ્ય ચૂંટણી કમિશનરે પત્રકારોને જણાવ્યું કે, કુલ 80 ચૂંટણી અધિકારી, 80 મદદનીશ ચૂંટણી અધિકારીઓ અને 15616 પોલીસ અધિકારીઓ ચૂંટણીમાં તહેનાત રહેશે. 

 

ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ 

ચૂંટણી જાહેર થયાની તારીખ -  23 જાન્યુઆરી 
ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ - 29મી જાન્યુઆરી
ચૂંટણી અધિકારીએ નોટિસ પ્રસિદ્ધ કરવાની તારીખ - 29મી જાન્યુઆરી 
ઉમેદવારી પત્ર સ્વીકારવાની છેલ્લી તારીખ - 3 ફેબ્રુઆરી
ઉમેદવારીપત્રોની ચકાસણીની તારીખ - 5 ફેબ્રુઆરી
ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ - 6 ફેબ્રુઆરી
મતદાનની તારીખ અને સમય - 17 ફેબ્રુઆરી 
મતગણતરીની તારીખ - 19 ફેબ્રુઆરી