અમદાવાદમાં ઓપરેશન ક્લીન ચંડોળા-2 શરૂ, ડિમોલિશન કામગીરી અંતર્ગત 8500 કાચા પાકા દબાણો કરાયા દૂર
Ahmedabad News: ભૂમાફિયાની ચૂંગાલમાં ફસાયેલા અમદાવાદના ચંડોળા તળાવને મુક્ત કરવા માટે થોડા દિવસ પહેલાં ઓપરેશન ક્લીન ચંડોળા હાથ ધરાયું હતું. લલ્લા બિહારી સહિતના ઘણા લોકોના ગેરકાયદે બાંધકામોને તોડી પડાયા હતા. હવે બાકીના વિસ્તારને સાફ કરવા માટે ફરી ઓપરેશન ક્લીન ચંડોળા 2 શરૂ થયું છે. ત્યારે દાદાના બુલડોઝર સામે ચંડોળાના દબાણો કેવી રીતે ધ્વસ્ત થયા. ચાલો જાણીએ.
Trending Photos
Ahmedabad News: અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ઓપરેશન ક્લીન ચંડોળા 2 ડિમોલિશનની કામગીરી આજે વહેલી સવારે 6:30 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. ચંડોળા તળાવના મેગા ડિમોલિશનના પહેલા તબક્કામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા બડા તળાવની આસપાસનાં દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. હવે અમદાવાદ આજની કામગીરી અંતર્ગત ચંડોળામાં 8500 કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા છે.
ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલેશન ફેઝ-1માં 1.5 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આ ઉપરાંત ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 200 બાંગ્લાદેશી નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે કુલ 2,001 લોકો આ વિસ્તારમાંથી દૂર કરવામાં આવ્યા છે.
ઓપરેશન ક્લીન ચંડોળા 2.0
ત્યારે ઓપરેશન ક્લીન ચંડોળા 2.0માં 8500 કાચા-પાકા મકાન તોડી પાડી દૂર કરવામાં આવ્યા. આ દબાણો દૂર કરવા માટે 25થી વધુ JCB અને 15થી વધુ હીટાચી મશીનની મદદ લેવાઈ છે. ડિમોલિશન બાદ ચંડોળામાં 2.50 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે. ડિમોલેશન માટે 25 SRP કંપનીઓ ખડેપગે રહી હતી. તો સાથે 3,000 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તો આખા વિસ્તાર પર ડ્રોનથી નજર રખાઈ હતી. આ ઉપરાંત AMCના એસ્ટેટ વિભાગની 50 ટીમ પણ કામગીરીમાં જોડાઈ છે. તો અસરગ્રસ્તોને ખસેડવા માટે AMTSની બસોને પણ તૈનાત રખાઈ હતી.
લલ્લા બિહારી જેવા ભૂમાફિયાઓએ ચંડોળા પર પોતાનો કબજો કરીને પોતાનું સામ્રાજ્ય ઉભુ કર્યું હતું. પરંતુ રાજ પર દાદાનું બુલડોઝર એવું તો ફર્યૂં છે કે આ ભૂમાફિયાઓના સામ્રાજ્યનો અંત આવી ગયો છે. હવે થોડા જ દિવસમાં ચંડોળા તળાવ સંપૂર્ણ રીતે ખુલ્લુ થઈ જશે. ત્યારે ચંડોળા તળાવ પર ફરી કબજો ન થઈ જાય તે માટે AMC આખા તળાળ ફરતે ફેન્સિંગ કરીને તેને સુરક્ષિત કરશે, સાથે જ 7 તબક્કામાં ચંડોળા તળાવને કાંકરિયાની જેમ ડેવપલ કરવાનો પણ AMCનો પ્લાન છે.
વર્ષોથી ભૂમાફિયાની ચૂંગાલમાં ફસાયેલું ચંડોળા તળાવ ઓપરેશન ક્લીન ચંડોળાથી ખુલ્લુ થઈ જશે. ત્યારે જો AMCના પ્લાન પ્રમાણે ચંડોળાનો વિકાસ થશે તો અમદાવાદના લોકોને કાંકરિયા બાદ હરવા ફરવા માટે વધુ એક નઝરાણું મળી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે