)
Gujarat Politics : માત્ર 15 વર્ષની ઉંમરે રાજનીતિમાં પગ મૂકનાર આ યુવા નેતાએ પોતાની મહેનત અને દ્રઢ સંકલ્પથી સાબિત કર્યું છે કે ઉંમર નહીં, પણ બુલંદ ઈરાદો મહત્વનો છે. આજે ગુજરાતમાં સૌથી ટોચના નેતામાં જેમની ગણતરી થાય છે એવા ગુજરાતના ડેપ્યૂટી સીએમ હર્ષ સંઘવીની વિપક્ષો ધોરણ 8 પાસ કહીને ઠેકડી પણ ઉડાવે છે. પણ યાદ રાખો, આ યુવા નેતા ગુજરાતનું ભવિષ્ય છે. આ એક એવી વ્યક્તિ છે જેના કામનો સિક્કો વાગે છે! વિપક્ષની ગમે તેવી આંધીને આ 8 પાસ નેતાએ વાળી દીધી છે. LLB કરનારા કેટલાક નેતાઓ એ ભૂલી જાય છે કે, તેઓ કાયદામાં નિષ્ણાત હશે, પણ ગુજરાતના ધોરણ 8 પાસ નાયબ મુખ્યમંત્રીએ રાજકારણમાં PhD કરી છે. ખાખીના પટ્ટા ઉતરે કે ના ઉતરે, વિપક્ષ ખેડૂતોના મુદ્દાથી ઉતરવામાં તેમની રાજકીય ચતુરાઈ કામ કરી ગઈ.
ગુજરાતમાં કમોસમી વરસાદને પગલે 43 લાખ હેક્ટરમાં પાક નુક્સાની મામલે ભૂપેન્દ્ર પટેલ સરકાર થોડા દિવસો પહેલાં ભરાઈ ગઈ હતી. સરકાર માટે ખેડૂતો અને પાક નુક્સાનીનો મુદ્દો દુખતી નસ સમાન હતો. સરકારે 10 હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યા છતાં પણ ખેડૂતો ટસના મસ ન થયા. ખેડૂતોની દેવામાફી અને પાક નુક્સાની મામલે સરકાર એવી ભરાઈ હતી કે દિવસ ઉગતાંની સાથે જ સરકાર સામે પસ્તાળ પડતી હતી અને સરકાર આ મેનેજ કરી શકતી નહોતી. ગુજરાતે દિલ્હી સુધીનો ઠપકો સાંભળવો પડ્યો હતો. ગુજરાતમાં 55 લાખ ખેડૂતો છે. જો ખેડૂતોનો મામલો સરકારના હાથમાંથી જતો રહે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને આગામી 2027ની ચૂંટણીમાં આપ અને કોંગ્રેસ આ મામલાને ઉછાળવામાં જરાયે કચાશ ન રાખે. દિલ્હીથી આવેલા કેજરીવાલે ગુજરાતમાં આ મુદ્દે સભાઓ કરી. સરકારને ખેડૂતોના મામલે આડે હાથે લીધા. ખેડૂતોનો મામલો જોઈને કોંગ્રેસે પણ જન સંઘર્ષ યાત્રાની ઘોષણા કરી દીધી. હવે સરકારની ખેડૂતોના મામલે આપ અને કોંગ્રેસમાં સૂડી વચ્ચે સોપારી જેવી હાલત બની ગઈ હતી. 10 હજાર કરોડના પેકેજ છતાં ખેડૂતો માનવા તૈયાર ન હતા. કોંગ્રેસની જન સંઘર્ષ યાત્રા શરૂ થાય એ સમયે જ હર્ષ સંઘવીએ એવો દાવ ખેલ્યો કે વિપક્ષ ખેડૂતોનો મુદ્રા પરથી ઉતરી ગઈ છે.
ખેડૂતોનું પેકેજ vs સંઘવીની 'ટૂલકીટ'
વિપક્ષને મહત્વના મુદ્દાઓ પરથી ઉતારવામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સરકાર સફળ રહી. જિગ્નેશ મેવાણીનું નિવેદન આવ્યા બાદ બીજા દિવસે નાયબ મુખ્યમંત્રીએ નામ લીધા વગર પટ્ટા ઉતારવાની વાત ઉપર ખૂલીને રિએક્શન આપ્યું. બસ પછી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ખેડૂતોના મુદ્દા ઉપરથી ભટકી અને દારૂના પાટા પર ચઢી ગઈ. કોંગ્રેસ અને આપ બંને પક્ષો હર્ષ સંઘવી અને દારૂનું જ રટણ કરવા લાગ્યા. સરકાર અને ભાજપ બંને પણ એવું ઈચ્છતી હતી કે, વિપક્ષ ખેડૂતોના મુદ્દા પરથી ઉતરી અન્ય મુદ્દા પર ડાયવર્ટ થાય. તેના જ કારણે રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે નામ લીધા વગર પટ્ટા ઉતારવાની ઘટનાને આગળ વધારવામાં આવી. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ નામ લીધા વગર દારૂ અને પટ્ટા ઉતારવાની ઘટના પર નિવેદન આપી કોંગ્રેસ અને આપ પાર્ટીને દારૂના મુદ્દા પર ખેંચ્યું. ભાજપની આ ટુલકીટના જનક હતા હર્ષ સંઘવી, જેમને ટુલકીટ તૈયાર કરી અને પાર્ટી, સરકાર અને પોલીસ તંત્રએ એનો અમલ કર્યો અને ખેડૂતોનો મુદ્દો અભરાઈએ ચઢ્યો. જિગ્નેશ મેવાણી સામે પોલીસ પરિવારોનો વિરોધ જોઈ કોંગ્રેસ અને જિગ્નેશ મેવાણીએ પિત્તો ગુમાવ્યો. પોતાના સમર્થનમાં ઠેર ઠેર રેલીઓ અને જિલ્લા સ્તર સુધી આવેદનપત્રો આપી દીધા. આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને આપના પ્રદેશ ઈસુદાન ગઢવી પણ દારૂ અને હર્ષ સંઘવીને ટાર્ગેટ કરવા ઉતરી પડ્યા.
વિપક્ષનું ડાયવર્ઝન: ખેડૂતો વિસરાયા, દારૂ-જુગાર અગ્રેસર
સૌથી મોટી વાત એ છે કે જિગ્નેશ મેવાણીએ આ મામલાને આત્મસન્માન પર લીધો અને સોશિયલ મીડિયા પર તૂટી પડ્યા અને એ સાથે એમની ફેન-ફોલોઈંગ પણ જોડાતાં સરકારે બનાવેલી ટુલકીટમાં કોંગ્રેસ ફસાઈ ગઈ. કોંગ્રેસની જન સંઘર્ષ યાત્રામાં હવે દારૂ, જુગાર અને ડ્રગ્સે ખેડૂતોને સાઈડલાઈન કરી દીધા અને ગુજરાતની જનતાના પ્રાણ પ્રશ્નો ભૂલાઈ ગયા.
કોંગ્રેસની જન સંઘર્ષ યાત્રા મેવાણીએ કેપ્ચર કરી
સ્થિતિ એવી છે કે હવે કોંગ્રેસના મોટા નેતાઓને પણ એમ લાગી રહ્યું છે કે આપણે તો મેવાણીને મોટો બનાવી રહ્યાં છે. જન સંઘર્ષ યાત્રા હવે મેવાણીએ કેપ્ચર કરી લીધી છે. કોંગ્રેસે જન સંઘર્ષ યાત્રા જે માટે કાઢી હતી એ મુદ્રાઓ વિસરાઈ ગયા અને દારૂ-જુગારના મામલો અગ્રેસર થઈ ગયો.. ગુજરાતમાં નાનું છોકરું પણ જાણે છે કે રાજ્યમાં દારૂબંધી માત્ર નામની છે અને અહીં માંગો એટલો દારૂ મળે છે અને દારૂ પકડાય પણ છે. કોંગ્રેસને લાગ્યું કે, આપણે ગુજરાતીઓની દુખતી નસ પકડી લીધી છે અને રાજ્યભરના નેતાઓ નિવેદન કરવા લાગ્યા. હર્ષ સંઘવી અને ભાજપના નેતાઓ કોંગ્રેસને ભટકાવવા માગતા હતા અને એમાં સફળ થઈ ગયા.
શૈક્ષણિક ટોણાં વિરુદ્ધ રાજકીય બુદ્ધિ
કોંગ્રેસે દારૂ -જુગારનો મુદ્રો કેશ કરી લીધો અને આપણે રહી ગયા એવું વિચારીને આમ આદમી પાર્ટી પણ કૂદી પડી. ઈસુદાન ગઢવીથી લઈને ગોપાલ સહિતના નેતાઓ આ મામલે હર્ષ સંઘવી અને સરકારને ટાર્ગેટ કરવામાં ખેડૂતોને વિસરી ગયા. સરકારે રમેલી સેફ ગેમમાં આપ પણ ફસાઈ. આમ, સાબિત તો એ જ થયું કે પુસ્તકિયાના જ્ઞાન કરતા અનુભવ મોટો સાબિત થયો. ગોપાલ ઈટાલિયા અને જિજ્ઞેશ મેવાણીએ ભલે LLB કરીને કાયદાના નિષ્ણાત બની ગયા હોય પણ એ ના ભૂલે કે હર્ષ સંઘવીએ રાજકારણમાં પીએચડી કરી છે. હર્ષ સંઘવીએ નાની ઉંમરથી જ રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી છે અને ગુજરાત સરકારમાં મહત્વના પદ પર પહોંચ્યા છે. તેઓ માત્ર મંત્રી નથી, પણ લોકોના સેવક છે. સુરતની મજુરા બેઠકના ધારાસભ્ય તરીકે જનતાની વચ્ચે રહીને તેમના પ્રશ્નોનું નિરાકરણ તેમની પ્રથમ પ્રાથમિકતા રહી છે. BJP યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષથી લઈને ગુજરાતના સૌથી યુવા ગૃહમંત્રી (હાલ નાયબ મુખ્યમંત્રી) સુધીની સફર તેમની અસાધારણ ક્ષમતા દર્શાવે છે. તેઓ માને છે કે જૂની રીતો નહીં, પણ ટેક્નોલોજી અને આધુનિક વિચારધારાથી જ સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે.