ગુજરાતના ટચૂકડા જેવા તાલુકામાં 24 કલાકમાં કોરોનાથી 9 ના મોત

Updated By: Apr 30, 2021, 10:05 AM IST
ગુજરાતના ટચૂકડા જેવા તાલુકામાં 24 કલાકમાં કોરોનાથી 9 ના મોત
  • ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. ત્યારે હવે કહી શકાય કે, ગુજરાતના ગામડાઓમાં કોરોના સંક્રમણ વધતા મૃત્યુદર વધ્યો
  • અરવલ્લી જિલ્લામાં રેમડેસિવિર ઈન્જેક્શનની ભારે અછત વર્તાઈ રહી છે. પરંતુ હવે ફેબીફ્લૂ નામની દવાની પણ અછત સર્જાઈ છે

સમીર બલોચ/અરવલ્લી :કોરોના ગુજરાતના તાલુકાઓથી લઈને નાના નાના ગામડાઓમાં ઘૂસીને કહેર વરસાવી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારનો પરિસ્થિતિ વધુ વિકટ બની છે. નાના નાના તાલુકાઓમાં હવે કોરોનાના કેસની સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. ત્યારે અરવલ્લીના ભિલોડા તાલુકામાં 24 કલાકમાં 9 લોકોના કોરોનાથી મોત થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. ત્યારે હવે કહી શકાય કે, ગુજરાતના ગામડાઓમાં કોરોના સંક્રમણ વધતા મૃત્યુદર વધ્યો છે. 

અરવલ્લી જિલ્લામાં રેમડેસિવિર ઈન્જેક્શનની ભારે અછત વર્તાઈ રહી છે. પરંતુ હવે ફેબીફ્લૂ નામની દવાની પણ અછત સર્જાઈ છે. અરવલ્લીના મેડિકલ સ્ટોર્સમાં ફેબીફ્લૂ દવાનો જથ્થો ખૂટયો છે. ત્રણ દિવસથી માર્કેટમાં ફેબીફ્લૂ દવાની અછત સર્જાઈ છે. તો બીજી તરફ, મેડિકલ સ્ટોરમાં ફેબીફ્લૂ માટે લોકોની માંગ વધી રહી છે. હોમ આઇસોલેટ દર્દીઓ ફેબીફ્લૂની ખરીદી કરી રહ્યા છે. જેથી જરૂરિયાતમંદ દર્દી સુધી તે પહોંચી નથી રહી.

આ પણ વાંચો : ગાંધીનગરમાં બનનારી 1200 બેડની કોવિડ હોસ્પિટલનું સ્થળ બદલાયું    

અરવલ્લી જિલ્લામાં ઓક્સિજનની અછત દૂર કરવા બે ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરાશે તેવી તાજેતરમાં જ જાહેરાત કરાઈ હતી. મોડાસા અને ભિલોડા ખાતે પ્લાન્ટ મંજૂર કરવા મહોર લાગી છે. પ્રભારી મંત્રી, કલેક્ટર અને આયોજન અધિકારીની બેઠકમાં ત્વરિત નિર્ણય લેવાયો હતો અને જિલ્લામાં ઓક્સિજનને અછત નિવારવા તંત્રની કવાયત હાથ ધરાઈ છે. 

આ પણ વાંચો :ઓક્સિજન માસ્ક મોઢે ડૂમો દઈને વોર્ડબોયે મહિલા દર્દી સાથે આચર્યું દુષ્કર્મ, માનવતા શર્મસાર કરતી ઘટના

આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં કોરોના ટેસ્ટિંગ કીટ પણ ખૂટી પડી હોવાનું સામે આવ્યું હતું. મોડાસા, ભિલોડા સહિતના કેન્દ્રો પર સ્થિતિ કફોડી બની હતી. કોરોના ટેસ્ટિંગ કરાવવા ગયેલ લોકોની લાચારી સામે આવી હતી. ભિલોડાના RT-PCR અને રેપિડ ટેસ્ટ કીટનો જથ્થો પૂરો થઈ ગયો હતો. તેથી પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્ર પર ટેસ્ટ કરાવવા લોકોનો જમાવડો થયો હતો. દરરોજ હજાર ઉપરાંત લોકોનો અહીં કોરોના ટેસ્ટ થાય છે. 

આ પણ વાંચો : રેમડેસિવિરની કાળાબજારી કરતા બે તબીબોને કોર્ટે એવી સજા આપી કે આખી જિંદગી યાદ રાખશે