દેશમાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ ઘણી જગ્યાએ અનુસૂચિત જાતિના લોકો સામે વિવિધ રીતે ભેદભાવ રાખવામાં આવે છે. પરંતુ જ્યારે આ ભેદભાવ દૂર કરવામાં આવશે ત્યારે સાચો વિકાસ થશે. તેવામાં બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં આ અસ્પૃશ્યતા નાબૂદ કરવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

અલ્કેશ રાવ, બનાસકાંઠાઃ દેશને સ્વતંત્રતા મળ્યાના 79 વર્ષ બાદ ખરી રીતે મળેલી આઝાદીની. બનાસકાંઠાના એક નાનકડા ગામના લોકોએ અસ્પૃશ્યતાની પ્રથાને દેશવટો આપવાનો નિર્ણય કર્યો છે. અનુસૂચિત જાતિના લોકોને ગામના જ હેર સલૂનમાં પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1947માં દેશને તો આઝાદી મળી ગઈ હતી કે પરંતુ જૂની પ્રથાઓ અને માન્યતાઓની બેડીઓ નહોતી ખુલી. જેને આલવાડા ગામે ખોલીને નવી રાહ ચીંધી છે. કઈ પ્રથાને આ ગામે આપ્યો છે દેશવટો અને કેવી છે ગામમાં આ નિર્ણયની અસર, જુઓ આ ખાસ અહેવાલમાં..
આઝાદી..આ શબ્દનો અર્થ અલગ અલગ લોકો માટે જુદો જુદો હોય છે. આપણો દેશ તો 1947માં અંગ્રેજોની કેદમાંથી તો આઝાદ થઈ ગયો, પરંતુ જૂની રૂઢીઓમાંથી સ્વતંત્ર ન થઈ શક્યો. આઝાદી મળ્યાના આટલા વર્ષો બાદ પણ અસ્પૃશ્યતા દેશમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. આવી જ સ્થિતિ બનાસકાંઠાના આલવાડા ગામની હતી. જ્યાં ગામના સલૂનમાં અનુસૂચિત જાતિના ભાઈઓને પ્રવેશ નહોતો. ગામના નાઈ ભાઈઓએ આ પ્રથા બદલવાનું નક્કી કર્યું અને હવે તમામ લોકો માટે સલૂનના દરવાજા ખોલામાં આવ્યા છે.
આલવાડાવાના નાઈ ભાઈઓના આ નિર્ણયથી અનુસૂચિત જાતિના લોકોને મોટી રાહત મળી છે. ગામમાં પ્રતિબંધ હોવાથી તેમને પોતાના વાળ કપાવવા માટે 25 કિલોમીટર દૂર જવું પડતું. ગામના સલૂનમાં તેમને પ્રવેશ ન મળતા તેઓ અપમાનજનક સ્થિતિમાં મુકાતા હતા. પરંતુ હવે આ સ્થિતિ બદલાઈ છે અને ગામના સૌ ભાઈઓને તમામ સલૂનમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
વર્ષો જૂની આ પ્રથાને તિલાંજલી આપવામાં ગામના યુવાનો નિમિત બન્યા. સાત ઓગસ્ટે જાગૃત યુવાનોએ નાઈ ભાઈઓ અને અનુસૂચિત જાતિના લોકો વચ્ચે સમજૂતી કરાવી અને એક કાતરથી જૂની રૂઢીઓને તોડી નાંખી છે. યુવાનોના આ પગલાંથી ગામમાં ભાઈચારો વધ્યો છે અને સાથે નાઈ ભાઈઓની આવક પણ વધી છે.
આજના સમયમાં લોકોને ભલે આ વાત નવાઈભરી લાગે, પરંતુ સલૂનમાં પ્રવેશ મળવાથી અનુસૂચિત ભાઈઓને તેમના માન-સન્માન પાછા મળ્યાની અનુભૂતિ થઈ રહી છે. 6500ની વસ્તિ ધરાવતું આ ગામ ખરા અર્થમાં હવે આઝાદ થયું છે અન્ય ગામોને પણ જૂની રૂઢીઓની બેડીમાંથી મુક્ત થવાનો સંદેશ આપી રહ્યું છે.