)
ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક હત્યાનો બનાવ બન્યો છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક બિલ્ડરે સોપારી આપીને બીજા બિલ્ડરને ઉતારી દીધો મોતને ઘાટ. હત્યા બાદ હત્યારાઓ લાશને ગાડીમાં મુકીને ફરાર થઈ ગયા હતા...પરંતુ અમદાવાદ પોલીસે બનાસકાંઠા પોલીસની મદદ લઈ ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો અને ત્રણ આરોપીઓને દબોચી લીધા...
માત્ર 50 હજાર રૂપિયામાં એક બિલ્ડરની હત્યા કરવામાં આવી અને તે હત્યા પણ બીજો કોઈએ નહીં પરતુ બિલ્ડર મનસુખ લાખાણી ઉર્ફે જેકીએ કરાવડાવી. પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમત રૂદાણીની હત્યા કરાયેલી હાલતમાં લાશ કારની ડેકીમાંથી મળી આવી હતી. જેને લઈ અમદાવાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી...જે દરમિયાન પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
અમદાવાદના નિકોલમાં આવેલ સરદારધામના બેઝમેન્ટમાં આરોપીઓએ બિલ્ડરની હત્યા કરી હતી. જો કે હત્યા કર્યા બાદ આરોપીઓએ લાશને ગાડીની ડેકીમાં નાખી દીધી અને ત્યાર બાદ ગાડીને શહેરના અલગ અલગ વિસ્તારમાં ફેરવી હતી. પરંતુ છેલ્લે આરોપીઓએ મર્સડિઝ કારને વિરાટનગર ઓવરબ્રિજની નીચે મુકીને બાઈક પર નિકળી ગયા હતા.
બિલ્ડર મનસુખ લાખાણી ઉર્ફે જેકીનું કામ પુરુ પાડ્યા બાદ હત્યારાઓ રાજસ્થાન તરફ જવા રવાના થઈ ગયા હતા. વિરાટનગરમાં થયેલી હત્યાને લઈ રામોલ પીઆઈ, ઓઢવ પીઆઈ, નિકોલ પીઆઈ તેમજ ઝોન-5 LCB સ્કવોર્ડના 50 પોલીસકર્મીઓએ આખી રાત ઓપરેશન પાર પાડ્યું હતુ. તો આરોપીઓ બનાસકાંઠા થઈ રાજસ્થાન જતા હોવાથી બનાસકાંઠા પોલીસની મદદ લીધી હતી. જે દરમિયાન બનાસકાંઠા LCB પોલીસ અને અમીરગઢ પોલીસે શિરોહી નજીકથી ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા..
બિલ્ડરની હત્યાની ઘટનાને લઈ ઓઢવ પોલીસે બિલ્ડર મનસુખ લાખાણી ઉર્ફે જેકીની પૂછપરછ શરૂ કરી છે. તો હત્યા કરનારા આરોપી હિમાંશુ ઉર્ફે રાહુલ હરીશભાઈ રાઠોડ અને પપ્પુ હિરાજી મેઘવાલની પણ પૂછપરછ કરી છે.. ત્યારે આ હત્યા પાછળ જૂનો વિવાદ સામે આવ્યો છે. પરંતુ જો પોલીસ આરોપીઓના રિમાન્ડ મેળવીને કડક પૂછપરછ કરે તો હત્યા પાછળ અન્ય કારણ પણ બહાર આવી શકે તેમ લાગી રહ્યું છે.