)
મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરમાં આવેલી તળાવ દરવાજા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ એકબીજા પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી છે.
શું બની ઘટના?
શાળા છૂટ્યા બાદ આ ઘટના બની હતી, જેમાં 8મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ તેના જ સહપાઠીને ચપ્પુના ઘા માર્યા હતા. સદનસીબે, અમદાવાદ જેવી મોટી દુર્ઘટના થતાં રહી ગઈ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.પ્રાથમિક માહિતી અનુસાર બાલાસિનોરમાં તળાવ દરવાજા બહાર આવેલી પ્રાથમિક શાળામાં સાંજના સુમારે જ્યારે સ્કૂલ છૂટી ત્યારે બનાવ સામે આવ્યો હતો. ધોરણ-8માં એક જ ક્લાસમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓને કોઈક કારણોસર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી ઉગ્ન બની ગઈ હતી અને સ્કૂલના ગેટ પાસે બીજા વિદ્યાર્થીએ બેગમાંથી છરી કાઢીને મોહમ્મદ મદની મખદુમઅલી સૈયદ (રહે.ખતીબવાડા, બાલાસિનોર) ઉપર હૂમલો કરી દીધો હતો. પેટ અને ડાબા ખભાના ભાગે છરીથી હૂમલો કરવામાં આવતાં વિદ્યાર્થી ઢળી પડ્યો હતો.
ઈજાગ્રસ્ત બાળકના વાલીએ શું કહ્યું?
ઈજાગ્રસ્ત બાળકના પિતાએ જણાવ્યું કે, “શાળામાં બાળકો વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો. આ ઝઘડામાં બીજા બાળકે મારા બાળકને છરી મારી.” તેમણે વધુમાં જણાવ્યું કે, “મારા બાળકને ડાબા ખભાથી નીચે સુધી પાંચ જેટલા ઘા મારવામાં આવ્યા છે. બંને બાળકો વચ્ચે શું કારણ હતું તે જાણી શકાયું નથી, પરંતુ અંદરોઅંદરના ઝઘડાને કારણે આ મારામારી થઈ હતી.”
આ ઘટનાને નજરે નિહાળનારા અન્ય વિદ્યાર્થીઓમાં દોડધામ મચી જવા પામી હતી અને શાળા બહાર હોબાળો મચી જવા પામ્યો હતો. બનાવને લઈ અફરાતફરી મચી ગઈ હતી અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની ગંભીરતાને લઈ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી. બનાવને લઈ બાલાસિનોર નગરમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી.
પોલીસ ફરિયાદ અને આગળની કાર્યવાહી
ઈજાગ્રસ્ત બાળકના પિતાએ આ ઘટના અંગે બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે તેમને શાળાના શિક્ષકે ફોન કર્યો ત્યારે તેમને કહેવામાં આવ્યું કે બાળકને કંઈક વાગ્યું છે. શાળાએ પહોંચ્યા બાદ જ તેમને આ સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. હાલ બાળક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
હુમલાખોર વિદ્યાર્થીએ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને ડાબા હાથ ઉપર એક અને પેટના ભાગે છરીના બે ઘા માર્યા હતા. ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયેલા આરોપી વિદ્યાર્થીને પકડી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ આ શાળામાં વિવાદ સામે આવી ચૂક્યા છે ત્યારે ફરીથી હુમલાની ઘટનાને લઈ શાળા વિવાદમાં આવી છે.