આ પાણી પીતા ચેતી જજો! ગુજરાતમાં ક્યાં મિનરલના નામે વેચાઈ રહ્યું છે 'મોતનું પાણી'?
રાજકોટ મહાનગરપાલિકાએ આવા ધંધાર્થીઓ સામે કડક પગલાં લેવાની ચીમકી આપી છે, પરંતુ જ્યાં સુધી કાર્યવાહી ન થાય, તમે સાવચેત રહો. બહારનું મિનરલ વોટર ખરીદતા પહેલાં તેની ગુણવત્તા ચકાસો, કારણ કે તમારું સ્વાસ્થ્ય તમારા હાથમાં છે.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: તમે રોજ મિનરલ પાણી તો પીતા જ હશો, પરંતુ મિનરલ પાણી જો તમે બહારથી મંગાવો છો તો જરા ચેતી જજો...કારણ કે મિનરલ પાણીના નામે તમને ગંદુ અને ખરાબ પાણી પીવડાવવામાં આવી રહ્યું છે. વાત રાજકોટની છે, જ્યાં કોર્પોરેશને અલગ અલગ મિનરલ પ્લાન્ટમાંથી જે નમૂના લીધા તે તમામ ફેઈલ ગયા છે. ઝી 24 કલાકની ટીમે આ તમામ પ્લાન્ટ પર રિયાલિટી ચેક કર્યું તો જે હકિકત સામે આવી તે તમારા હોશ ઉડાવી દેશે. જાણો મિનરલના નામે મારી નાંખે તેવા પાણીનો આ ખાસ અહેવાલ.
રાજકોટના નાગરિકો સાવધાન. જે મિનરલ વોટર તમે રોજ પી રહ્યા છો, તે ખરેખર તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક ઝેર બની શકે છે. રાજકોટ મહાનગરપાલિકાના તાજેતરના તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. શહેરના અનેક મિનરલ વોટર પ્લાન્ટના પાણીના નમૂના ફેઈલ થયા છે, અને આ પાણીમાં ટાઈફોઈડ, ઝાડા-ઉલટી જેવી બીમારીઓ ફેલાવનારા બેક્ટેરિયા મળી આવ્યા છે.
ઝી 24 કલાકની ટીમે રાજકોટના અલગ-અલગ વોટર પ્લાન્ટનું રિયાલિટી ચેક કર્યું અને જે દ્રશ્યો સામે આવ્યા તે ખરેખર ચોંકાવનારા છે. અહીં ગંદા કેરબામાં પાણી ભરવામાં આવે છે અને પ્લાન્ટની સ્વચ્છતા નામનું કંઈ જ નથી. રાજકોટ કોર્પોરેશનની તપાસમાં માનસી, મહાદેવ, લાભ, જય ચામુંડા, ગોકુલ, ભગવતી, શિવશક્તિ, એકવા ફ્રેશ, યુવી વોટર, કિશન સહિત 20થી વધુ પેઢીઓના પાણીના નમૂના ફેઈલ થયા છે..
કોના નમૂના ફેઈલ?
- માનસી, મહાદેવ, લાભ, જય ચામુંડા, ગોકુલ, ભગવતી
- શિવશક્તિ, એકવા ફ્રેશ, યુવી વોટર, કિશન
- 20થી વધુ પેઢીઓના પાણીના નમૂના ફેઈલ
આ પાણી દેખાવમાં ચોખ્ખું અને ઠંડું લાગે છે, પરંતુ તેમાં એવા બેક્ટેરિયા છે જે ગંભીર રોગો ફેલાવી શકે છે. રાજકોટમાં ટાઈફોઈડ અને ઝાડા-ઉલટીના કેસમાં વધારો થયો છે, અને તેનું મુખ્ય કારણ આ અશુદ્ધ પાણી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પરંતુ સવાલ એ છે કે, જો આ પાણી ઉદ્યોગો માટે છે, તો તે જગમાં ભરીને ઘરે-ઘરે કેમ વેચાઈ રહ્યું છે? ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં એ પણ ખુલાસો થયો કે, આ પાણી શીતલ ડ્રિંકિંગ વોટર જેવી પેઢીઓ દ્વારા ગંદા કેરબામાં ભરીને બજારમાં વેચાઈ રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે