)
Navsari News: ગુજરાતની શાળાઓ અને શાળા બહાર વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક ઝઘડાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. અમદાવાદમાં થોડા સમય પહેલા એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીના પેટમાં કટર મારવાનો બનાવ હજી શમ્યો નથી, ત્યાં હવે નવસારી શહેરમાં પણ એક આવી જ ઘટના બનતા રહી ગઈ છે. આ કિસ્સો વાલીઓ અને શાળા સંચાલકો માટે ગંભીર ચેતવણીરૂપ છે.
સ્કૂલ બહાર સામાન્ય મજાક-મસ્તીમાં હુમલો
નવસારી શહેરના ઇટાળવા રોડ પર આવેલી નામાંકિત એસ.જી.એમ. શિરોયા હાઈસ્કૂલની બહાર ધોરણ-10ના વિદ્યાર્થીઓ વચ્ચે એક ગંભીર ઘટના બની છે. ઘટનાની વાત કરીએ તો 26મી, બુધવારના રોજ સ્કૂલ છૂટ્યા બાદ ધો. 10માં અભ્યાસ કરતો એક સગીર વિદ્યાર્થી તેના મિત્રો સાથે સ્કૂલના ગેટ પાસે ઊભા રહી મજાક-મસ્તી કરી રહ્યો હતો. આ મજાક-મસ્તી દરમિયાન તેની સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીને કોઈ બાબત સહન ન થતા તે ઉશ્કેરાઈ ગયો હતો. ઉશ્કેરાયેલા વિદ્યાર્થીએ તરત જ તેના સ્કૂલ બેગમાંથી કાતર કાઢીને સગીર વિદ્યાર્થીના પેટ અને શરીરના ભાગે ઘા ઝીંકી દીધા હતા.
વિદ્યાર્થી સારવાર હેઠળ, પોલીસ સ્ટેશને મામલો
ધારદાર કાતર વાગતા સગીર વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, તેને પેટ અને શરીરના ભાગે ઈજા પહોંચી છે. સદભાગ્યે, હાલ તેની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ વિદ્યાર્થીના વાલીઓ દોડી આવ્યા હતા અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જોકે, આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી આ અંગે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી.
વાલીઓ અને સંચાલકો માટે લાલબત્તી
અમદાવાદ અને વડોદરામાં વિદ્યાર્થીઓ વચ્ચેના હિંસક ઝઘડા બાદ નવસારીમાં પણ આવી ઘટના બનવી એ અત્યંત ગંભીર બાબત છે. "સામાન્ય બાબતે મારા પુત્ર ઉપર સાથી વિદ્યાર્થી દ્વારા ગંભીર ઇજા પહોંચાડી શકે તેવી કાતરથી કરાયેલો હુમલો વાલીઓ માટે લાલબત્તી સમાન છે," એક વાલીએ આ ઘટના અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. છેલ્લા થોડા સમયથી સ્કૂલોમાં બાળકોમાં વધતી જતી હિંસક વૃત્તિ ચિંતાનો વિષય છે. જાગૃત વાલીઓ હવે તેમના બાળકોની સુરક્ષા અંગે ચિંતિત બન્યા છે.
આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે વાલીઓએ પોતાના બાળકો સાથે સંવાદ વધારવો અને તેમને ગુસ્સા પર નિયંત્રણ રાખવા તેમજ મજાક-મસ્તીની મર્યાદા સમજાવવી જરૂરી છે. સ્કૂલ મેનેજમેન્ટે શૈક્ષણિક સંકુલમાં શાંતિ જળવાય તે માટે સખત પગલાં ભરવા જોઈએ અને વિદ્યાર્થીઓની બેગમાં શસ્ત્રો જેવી વસ્તુઓ ન હોય તેની નિયમિત ચકાસણી કરવી જોઈએ. સરકારે આ મુદ્દે ગંભીર બનીને નક્કર પગલાં ભરવાની અને શાળાઓમાં બાળકોના માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાની તાતી જરૂર છે.