)
Ahmdabad News: સુરત બાદ હવે અમદાવાદમાં પણ પૂરઝડપે વાહન હંકારતા વધુ એક યુવાનનો ભોગ લેવાયો છે. GMDC મેદાન નજીક અકસ્માતની આ કરુણ ઘટનામાં બેફામ ગતિએ જઈ રહેલા BMW બાઇકના ચાલકનું કાબૂ ગુમાવતા નીચે પટકાતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
અમદાવાદમાં શું બની સમગ્ર ઘટના?
અમદાવાદના GMDC મેદાન નજીક ગઈકાલે રાત્રે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મૃતક યુવાનની ઓળખ 25 વર્ષીય પાર્થ કલાલ તરીકે થઈ છે, જે GJ 01 VY 8888 નંબરનું BMW બાઇક ચલાવી રહ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, પાર્થ પૂરપાટ ઝડપે અને બેફામ રીતે બાઇક ચલાવી રહ્યો હતો, જે 'આત્મઘાતી રફ્તાર' સમાન હતી. અતિશય ઝડપના કારણે બાઇક પરનો કાબૂ ગુમાવતા તે જોરદાર રીતે નીચે પટકાયો હતો, જેના કારણે તેને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું.
પોલીસ તપાસ શરૂ
અકસ્માતની જાણ થતાં જ એ ડિવિઝન ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ટ્રાફિક પોલીસ હવે આ ઘટનાના CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકઠા કરીને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવાના પ્રયાસ કરી રહી છે.
યુવાનો માટે ચેતવણીરૂપ કિસ્સો
સુરત બાદ અમદાવાદમાં બનેલી આ ઘટના યુવાધનને એક મોટી ચેતવણી આપી રહી છે. ઝડપ અને સ્ટંટની મજા લેવાની ઘેલછા ઘણીવાર 'મોતની સજા' બની જાય છે. બેદરકારીભર્યું ડ્રાઈવિંગ અને ઓવર સ્પીડિંગ માત્ર પોતાનો જ નહીં, પરંતુ અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂકી શકે છે. વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અને નિર્ધારિત ગતિ મર્યાદામાં જ વાહન ચલાવવું અનિવાર્ય છે.