તમે પગ કપાવો તો મફત સારવાર, અડધી સારવાર લઈ ઘરે જવું હોય તો 35 હજાર ભરો! ખાનગી બાદ હવે સરકારીમાં લોલમલોલ

કાર્તિક પટેલના ખ્યાતિ કતલખાનાની ઘટના પછીયે લોલંલોલ. SVPનો અજીબ ખેલ : પગ કપાવો તો જ ઈલાજ મફત, નહિ તો ૩પ હજાર ભરવાના અન્ય તબીબનો અભિપ્રાય લીધો તો ખબર પડી કે પગ કપાવાની જરૂર નથી.

તમે પગ કપાવો તો મફત સારવાર, અડધી સારવાર લઈ ઘરે જવું હોય તો 35 હજાર ભરો! ખાનગી બાદ હવે સરકારીમાં લોલમલોલ

ઝી બ્યુરો/અમદાવાદ: રાજ્યમાં ચકચારી મચાવનારા ખ્યાતિ હૉસ્પિટલ કાંડની શાહી સુકાઈ નથી ત્યાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હસ્તકની એસવીપી હોસ્પિટલનો એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક દર્દીને કહેવામાં આવ્યું હતું કે પગ કપાવશો તો જ સારવાર મફતમાં થશે અને જો પગ નહિ કપાવો તો 35 હજાર રૂપિયાનું બિલ ભરવું પડશે. આ શબ્દો સાંભળીને દર્દી સમસમી ગયો હતો. આ સાથે જ સરકારની મા યોજનાના નામે ખાનગી હોસ્પિટલોની માફક સરકારી અને અર્ધ સરકારી હોસ્પિટલોમાં લોલંલોલ ચાલતું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

શું તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે: હોસ્પિટ સ્ટાફ
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હસ્તકની એસવીપી હોસ્પિટલનો એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. કચ્છના એક દર્દી સારવાર માટે SVP હોસ્પિટલમાં દાખલ થયા હતા. આ દર્દી જ્યારે હોસ્પિટલમાં એડમિટ થયા ત્યારે પૂછવામાં આવ્યું હતું કે, શું તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે? જેના જવાબમાં દર્દીએ આયુષ્યમાન કાર્ડ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ સ્ટાફમાંથી કહેવાયું હતું કે સારવાર માટે તમારે એકેય રૂપિયો ભરવાની જરૂર નથી. પરંતુ સારવાર વખતે પગ કાપવો પડશે. 

પગ કાપવાની કોઈ જ જરૂર નથી, સ્ટેન્ટ લગાડી દો: ડોક્ટર
આ જ કિસ્સામાં બીજા કોઈ ડોક્ટરને આ વિશે પુછવામાં આવ્યું હતું. જેમાં જે તે ડોક્ટરે જણાવ્યું હતું કે પગ કાપવાની કોઈ જ જરૂર નથી, સ્ટેન્ટ લગાડી દો. આ શબ્દો સાંભળ્યા બાદ દર્દી અને તેના પરિવારજનો ચોંકી ગયા હતા અને હોસ્પિટલમાંથી રજા આપવા વિનંતી કરી હતી, અને પરિવારજનોએ સ્પષ્ટ કહ્યું હતું કે અમારે પગ કપાવવો નથી. જોકે હોસ્પિટલે રજા આપવાની ધરાર ના પાડી દીધી હતી અને 35 હજાર રૂપિયા બિલ ભરવા જણાવ્યું હતું. 

તમે પગ કપાવો તો મફત સારવાર અને અડધી સારવાર લઈ ઘરે જવું હોય તો 35 હજાર ભરો!
દર્દીએ થોડી માથાકૂટ બાદ જણાવ્યું હતું કે આયુષ્યમાન કાર્ડમાં મફત સારવાર મળશે તેવું કહેવાયું છે પછી નાણાં શેના ભરવાના? ત્યારે હોસ્પિટલ તંત્રે એવો વિચિત્ર જવાબ આપ્યો હતો કે એ જાણીને તમને નવાઈ લાગશે. જી હા... તંત્રએ કહ્યું તમે પગ કપાવો તો મફત સારવાર અને અડધી સારવાર લઈ ઘરે જવું હોય તો 35 હજાર ભરો. આમ SVP હોસ્પિટલનો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. ઉચ્ચસ્તરે આ સંદર્ભે ફરિયાદ કરાઈ છે. 

આરોગ્ય તંત્ર અને હોસ્પિટલો વચ્ચે મિલીભગત તો નથીને?
ઉલ્લેખનીય છે કે, ખ્યાતિકાંડ બાદ રાજ્યનું આરોગ્ય તંત્ર મોટી મોટી ડંફાશો મારતું હતું. પરંતુ આ ઘટના બાદ તમામ નિવેદનો ક્યાં ગયા. . તંત્રે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટને કામે લગાડવાની મોટી વાતો કરી હતી, પરંતુ આયુષ્યમાન ઉર્ફે મા યોજનામાં છેલ્લે છેલ્લે કેટલીક હોસ્પિટલો સામે કાર્યવાહી કરી તેમાં કોણે શું ગેરરીતિ આચરી હતી તે વિશે પણ કોઈ જ ફોડ પાડડ્યો નથી. હાલ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે આરોગ્ય તંત્ર અને હોસ્પિટલો વચ્ચે મિલીભગત તો નથીને?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news