)
Vadodara News: નોકરીની શોધમાં વિદેશ ગયેલા વડોદરાના એક યુવાનનો છેલ્લા છ મહિનાથી કોઈ પત્તો નથી, જેના કારણે તેના પરિવારજનો અત્યંત ચિંતામાં છે. આ ઘટનાએ વિદેશમાં જઈને કામ કરવાની ઈચ્છા ધરાવતા યુવાનો માટે લાલબત્તી ધરી છે.
શહેરના સંત કબીર રોડ પર રહેતા તુષાર રાણપરા જે પરિવારનો એકનો એક દીકરો છે, તે 2024માં દુબઈમાં નોકરી કરવા ગયો હતો. ત્યાંથી તે હોંગકોંગ ગયો, પરંતુ ત્યારથી તેનો તેના પરિવાર સાથેનો સંપર્ક તૂટી ગયો છે. તુષારના માતા-પિતા, નાગર રાણપરા અને નીતા રાણપરા, દીકરાની સલામતી માટે ચિંતિત છે અને ભારે આક્રંદ કરી રહ્યા છે.
એજન્ટો સામે ફરિયાદ
તુષારના પિતાએ આ મામલે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે વડોદરાના એજન્ટ વેદ અને કુશાંગ તેમજ દુબઈના એજન્ટ અભિષેક સિંગ વિરુદ્ધ અરજી આપી છે. પરિવારનો આરોપ છે કે આ એજન્ટોએ તુષારને વિદેશમાં નોકરીના નામે ફસાવ્યો છે.
માતાની હૃદયસ્પર્શી અપીલ
તુષારની માતા નીતા રાણપરાનું દર્દ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. રડતાં રડતાં તેમણે સરકારને હાથ જોડીને વિનંતી કરી છે કે, "મારા દીકરાને પરત લાવી આપો. તે મુશ્કેલીમાં છે અને તેને ફસાવવામાં આવ્યો છે."
આ ઘટના એ યુવાનો માટે એક ચેતવણી છે જેઓ ઝડપી પૈસા કમાવવાની લાલચમાં કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર વિદેશ જવાનું સાહસ કરે છે. વિદેશમાં નોકરી માટે જતા પહેલાં એજન્ટોની વિશ્વસનીયતા ચકાસવી અને તમામ દસ્તાવેજોની યોગ્ય તપાસ કરવી અત્યંત જરૂરી છે. તુષાર રાણપરાના પરિવારની આ વ્યથાએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે કે વિદેશમાં જતા પહેલાં યુવાનોએ કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ.