બ્લાસ્ટ કેસના દબંગ અધિકારી અભય ચુડાસમાએ ચુકાદા પર કહ્યું, આ ઐતિહાસિક ચુકાદો છે
Ahmedabad blast judgement : અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટના કેસમાં હાલના પોલીસ કમિશ્નર આશિષ ભાટિયા અને તે વખતના ક્રાઈમ બ્રાન્ચના DCP અભય ચુડાસમા સહિતની ટીમના દબંગ અધિકારીઓએ કાબિલેદાદ કામગીરી કરી હતી
ઝી મીડિયા/બ્યૂરો :2008 અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટે 38 આરોપીઓને ફાંસીની સજા અને 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. ત્યારે સમગ્ર દેશવાસીઓએ કોર્ટના આ ચુકાદાને આવકાર્યો છે. લોકોએ કહ્યું કે, ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી સજા ફટકારવામાં આવી તે આવકાર્ય છે. 14 વર્ષ બાદ ચુકાદો આવ્યો પણ કાયદો અને વ્યવસ્થા પર લોકોનો વિશ્વાસ જળવાઈ રહે તેવો આ ચુકાદો છે. ત્યારે અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટના કેસને હાલના પોલીસ કમિશ્નર આશિષ ભાટિયા અને તે વખતના ક્રાઈમ બ્રાન્ચના DCP અભય ચુડાસમા સહિતની ટીમના દબંગ અધિકારીઓએ કાબિલેદાદ કામગીરી કરી હતી. માત્ર 19 દિવસમાં જ દેશના મોટા બોમ્બ બ્લાસ્ટના ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો અને 30 આરોપીઓને ઝડપી લીધા હતા. ત્યારે અભય ચુડાસમાએ આ ચુકાદા પર ખુશી વ્યક્ત કરી છે.
આ પણ વાંચો : ઈતિહાસનો સૌથી મોટો ચુકાદો, અમદાવાદ બ્લાસ્ટના 38 દોષિતોને ફાંસીની સજા, 11ને આજીવન કેદ
અધિકારીઓની જુબાની દિવસો દિવસ ચાલી હતી
હાલ ગાંધીનગર રેન્જ આઈજી તરીકે ફરજ બજાવતા અભય ચુડાસમાએ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ ઐતિહાસિક ચુકાદો છે. ક્રાઈમ બ્રાન્ચે જે તપાસ કરી, હજારો પેજના ડોક્યુમેન્ટસ તૈયાર કર્યા છે. તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે બેઠક યોજીને અમને માર્ગદર્શન આપ્યું હતું. બંનેએ અમને કહ્યુ હતું કે આ બ્લાસ્ટનો ભેદ ઉકેલશો તો દેશ માટે મોટું કામ થશે. અમે ઝીણામાં ઝીણી વિગતો એકઠી કરી હતી. અનેક રાજ્યોમાં ટીમ મોકલી અને પુરાવા ભેગા કર્યા. આ કેસના સાક્ષીઓએ પણ બનાવની ગંભીરતા પ્રમાણે જુબાની આપી છે. તપાસ અધિકારીઓની જુબાની પણ દિવસો દિવસ ચાલી હતી.
આ પણ વાંચો : અમદાવાદ બ્લાસ્ટમાં આખરે મળ્યો ન્યાય, જાણો કોને ફાંસી, કોને આજીવન કેદની સજા ફટકારાઈ?
કોઈ કડી વગર કેસ ઉકેલવો એ મોટી ચેલેન્જ
તેમણે કહ્યુ કે, 14 વર્ષ સુનાવણી ચાલી એ પાછળ પણ એક ટીમ સતત લાગેલી રહી હતી. ફક્ત 10 જ આરોપીઓ મુક્ત થયા છે, બાકીના નિર્દોષ આરોપીઓ પણ બીજા રાજ્યોના કેસમાં જેલમાં ટ્રાન્સફર થયા છે. કોઈ કડી વગર આ કેસને ઉકેલવો સૌથી મોટી ચેલેન્જ હતી. આરોપીઓ શિક્ષિત અને ટેક્નોલોજીના જાણકાર આરોપીઓ હતા. તેમના સુરક્ષિત વિસ્તારમાં છુપાયેલા હતા. ઈન્ડિયન મુજાહિદ્દીને આ બ્લાસ્ટની જવાબદારી સ્વીકારી હતી. તેમના સંખ્યાબદ્ધ આરોપીઓને ફાંસીની સજા થઈ છે. સીમી સાથે જોડાયેલા આરોપીઓને પણ સજા થઈ છે. બાટલા હાઉસ એન્કાઉન્ટર સાથે જોડાયેલા આરોપીઓના તાર પણ આ કેસના આરોપીઓ સાથે જોડાયેલા હતા.