)
Surendranagar Accident : સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકા નજીક ઝમર ગામના પાટિયા પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે કાર સામસામે અથડાતાં 8 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે બે જેટલા લોકોને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર-લખતર હાઇવે પર બે કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 8 લોકોના મૃત્યુ થયા છે. મૃત્યુ પામનારાઓમાં 6 મહિલાઓ, 1 પુરુષ અને 1 બાળકનો સમાવેશ થાય છે.
આ ઘટનાની મળતી માહિતી મુજબ, આ અકસ્માત Swift Dzire અને Tata Harrier કાર વચ્ચે થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનાને કારણે ઘટનાસ્થળે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. હાલ પોલીસ દ્વારા અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ દુર્ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે મૃતદેહો સળગી ગયેલી હાલતમાં મળી આવ્યા હતા. તેથી, પોસ્ટમોર્ટમ માટે મૃતદેહોને સુરેન્દ્રનગર હોસ્પિટલથી રાજકોટ ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે. એક જ દુર્ઘટનામાં આટલા બધા લોકોના મૃત્યુથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. આ ઘટના ખરેખર હૃદયદ્રાવક છે.