)
Anand News : 60 કલાકથી વધુ સમય થઈ ગયો છે, પણ આણંદના આંકલાવના નવાલખ ગામે માનવબલિનો ભોગ બનેલી બાળકીનો હજી સુધી કોઈ અત્તોપત્તો નથી. બે દિવસથી સ્થાનિક નદીમાં શોધખોળ ચાલી રહી છે, છતાં બાળકીની કોઈ ખબર મળી નથી. બીજી તરફ, અજય પઢીયાર પોલીસને અલગ અલગ નિવેદન આપી રહ્યો છે. દર કલાકે પોલીસને ખોટું લોકેશન આપી ગુમરાહ કરી રહ્યો છે.
નવાખલની બાળકી ગુમ થવાની ઘટનાને 60 કલાકનો સમય વીતવા છતાં બાળકીનો કોઈ પત્તો નથી. તો આ તરફ, શકમંદ અજય પઢિયાર પોલીસને ગુમરાહ કરી રહ્યો છે. પહેલા તેણે તાંત્રિક વિધિની કબૂલાત કરી હતી. હવે દુષ્કર્મના ઈરાદે લઈ ગયો હોવાની કબૂલાત કરી છે. બાળકી તાબે નહીં થતા ગળું દબાવી મારી નાંખી નદીમાં ફેંકી દીધી હોવાની કબુલાત કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, શકમંદ અજય પઢીયાર પોલીસને અલગ અલગ નિવેદન આપી રહ્યો છે. ઘટનાના 60 કલાક દરમિયાન શકમંદ અજય પઢિયારે 10 વખત નિવેદન બદલ્યા છે. તે દર કલાકે પોલીસને ખોટું લોકેશન આપી ગુમરાહ કરી રહ્યો છે.
હાલ પોલીસ દુષ્કર્મ અને તાંત્રિક વિધિ બન્ને એંગલ પર તપાસ કરી રહી છે. તો બીજી તરફ ગુમ બાળકીના પરિવારની હિંમત ખૂટી રહી છે. પોતાની લાડકવાઈ 60 કલાકથી ગુમ હોય પરિવાર ચિંતિત બન્યો છે. પોલીસ દ્વારા તમામ પ્રયાસો છતાં શકમંદ અજય પઢીયાર મગનું નામ મરી નથી પાડતો. આજે શકમંદ અજય પઢિયારની કાયદેસર ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
વ્હાલસોયી દીકરી ન મળવાથી ગઈકાલે આંકલાવ પોલીસ મથકે પરિવારજનો અને ગ્રામજનોનો હોબાળો મચાવ્યો હતો. આંકલાવ પોલીસ હાય હાયના સુત્રોચ્ચાર કર્યા હતા. ત્રણ દિવસથી પોલીસ કોઇ યોગ્ય જવાબ ન આપતી હોવાનો આક્ષેપ પણ પરિવારજનોએ કર્યો છે. મોટી સંખ્યામાં એકત્રિત ગ્રામજનોએ પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો. બાળકીના પરિવારજનો પોલીસ મથકે ચિંતાતુર હાલતમાં બે દિવસથી જોવા મળ્યા છે.

આરોપી યુવકને સાથે રાખી નદીમાં તપાસ હાથ ધરાઈ છે. એલસીબી, બોરસદ ગ્રામ્ય અને આંકલાવ પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે. SDRFની ટીમ સાથે પોલીસે તપાસ હાથ ધરી છે. આરોપીને બોટમાં બેસાડી કંઈ જગ્યાએ બાળકીને ફેંકી તેની તપાસ કરાઈ રહી છે. જોકે, 60 કલાક બાદ પણ બાળકીનો કોઈ પત્તો લાગ્યો નથી.

ડીવાયએસપી પાર્થ ચોવટીયાએ માહિતી આપતા જણાવ્યું કે, SDRF, સ્થાનિક તરવૈયાઓ બાળકીની નદીમાં શોધખોળ કરી રહ્યાં છે. ડ્રોન કેમેરા, ડૉગ સ્કવોર્ડની મદદથી બાળકીની શોધખોળ ચાલી રહી છે. ગુનાની ગંભીરતાને ધ્યાના રાખીને LCB, SOG, બોરસદ ટાઉન, રૂરલ, ભાદરણ પોલીસની ટીમો તપાસમાં જોતરાઈ છે. પરંતું નદીમાં વહેણ વધુ હોઈ કામગીરીમાં અડચણ આવી રહી છે. તપાસમાં હજુ સુધી તાંત્રિક વિધિ કે દુષ્કર્મની વિગતો મળી નથી. આરોપીની પૂછપરછ ચાલુ છે.

ક્ષત્રિય સેના સમાજ દ્વારા અંધશ્રધ્ધાનો વિરોધ પ્રદર્શન
આંકલાવ પોલીસ મથક ખાતે શ્રત્રિય સેના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસ મથકની બહાર દાણા જોઈ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરાયું હતું. બાળકીના પરિવારજનો અને ક્ષત્રિય સેનાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આરોપીને ફાંસીને માંચડે લટકાવવાની માંગ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા વહેલી તકે બાળકીની શોધખોળ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.