અમદાવાદમાં 15 વર્ષ પહેલા થયેલા ડબલ મર્ડરના આરોપી ઝડપ્યા, પોલીસે વેશપલટો કરી પાર પાડ્યું ઓપરેશન
અમદાવાદમાં વર્ષ 2009માં એક ડબલ મર્ડરની ઘટના બની હતી. આ હત્યાકાંડના બે આરોપી 15 વર્ષ બાદ ઝડપાયા છે. પોલીસે રાજસ્થાન અને મધ્યપ્રદેશથી આ આરોપીની ધરપકડ કરી છે.
Trending Photos
ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદના એરપોર્ટની બહાર ચણા જોર ગરમ વેચવા માટેની જગ્યા બાબતે થયેલા ઝઘડામાં 2 યુવકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 15 વર્ષ પહેલા બનેલી ઘટનામાં ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી અંતે ઝડપાયો છે. અમદાવાદ પોલીસને એક માહિતી મળી અને વેશપલટો કરીને ગુનેગાર સુધી પહોંચી દબોચી લેવામાં આવ્યા છે. કોણ છે આ આરોપીઓ અને શું હતો સમગ્ર મામલો.. જોઈએ આ અહેવાલમાં...
અમદાવાદ શહેર પોલીસની ઝોન 2 LCB ની સકંજા આવેલા બે આરોપીઓના નામ મુન્નાસિંગ કુશવાહ અને સીતારામ કુશવાહ છે. આ બંને આરોપીઓએ આજથી 15 વર્ષ પહેલા ડબલ મર્ડરની ઘટનાને અંજામ આપ્યો હતો. અને હત્યા કરવા પાછળ કોઈ જૂની અદાવત કે પૈસાની બાબત નહીં પરંતુ ચણા જોર ગરમ વેચવા માટેની જગ્યાનો ઝઘડો હતો. અમદાવાદના એરપોર્ટ બહાર રામ અવતાર પ્રજાપતિ તેના ચાર સાળાઓ સાથે ચણા જોર ગરમ વેચવાનું કામ કરતો હતો, સાંજથી લઈને મોડી રાત સુધી તેઓ ચણા જોર ગરમ વેચવા બેસતા હતા અને તે જ જગ્યા પર મુન્નાસિંગ કુશવાહ અને તેની સાથેના અન્ય વ્યક્તિઓ ચણા જોર ગરમ વેચતા હતા. જોકે ધંધો કરવા માટેની જગ્યાને લઈને તેઓની વચ્ચે તકરાર ચાલતી હતી. જેની અદાવત રાખીને 21 નવેમ્બર 2009ના રોજ રાતના સમયે એરપોર્ટ પરથી ઑટો રિક્ષામાં ઘરે પરત જઈ રહ્યા હતા. જ્યાં પ્રબોધ રાવળ બ્રિજ પાસે પહોચતા ઑટો રિક્ષામાં આવેલા 14 જેટલા શખ્સોએ રામ અવતાર પ્રજાપતિ અને તેના સાળા પર અંધાધુધ ફાયરિંગ કર્યું હતું. જે હુમલામાં ફરિયાદીના સાળા શ્રીકાંત પ્રજાપતિ અને મુકેશ પ્રજાપતિનું મોત થયું હતું.
આ ડબલ મર્ડર કેસમાં પોલીસે 6 આરોપીઓની અગાઉ ધરપકડ કરી હતી જોકે ફાયરિંગ કરીને હત્યા કરી ફરાર થયેલા મુખ્ય બે આરોપીઓ પકડવાના બાકી હોય ઝોન 2 એલસીબીની ટીમે તેઓની શોધખોળ શરૂ કરી હતી. એલસીબીના PSI કે. ડી પટેલને માહિતી મળી હતી કે આ ગુનામાં સામેલ બંને આરોપીઓ રાજસ્થાન અને મધ્યપ્રદેશ ખાતે સંતાયા છે. જેથી રાજસ્થાનના ધોલપુર તેમજ મધ્યપ્રદેશના મુરેના ગામમાં એલસીબીની ટીમ પહોંચી હતી. આ બંને ગામ ખૂબ જ નાના હોય અને આરોપીને પોલીસ પકડવા આવી છે તેવી માહિતી પહોંચી જાય તેવી શક્યતાના આધારે એલસીબીના પોલીસ કર્મીઓ દ્વારા સ્થાનિક પહેરવેશ ધારણ કરી વેશ પલટો કરીને ફ્રુટની લારીના ફેરિયા, દૂધવાળો, તેમજ ખેડૂત બની ટ્રેક્ટર ચલાવવા જેવું કામ કરીએ બે દિવસની મહેનતે મુન્નાસિંગ કુશવાહને પકડી પાડ્યો હતો, જેને પૂછપરછ કરતા તેની સાથેનો અન્ય આરોપી સીતારામ કુશવાહ મધ્યપ્રદેશના મૂરેના ખાતે હોવાનું જણાવતા તેને પણ પોલીસે પકડી પાડ્યો હતો.
આ ડબલ મર્ડર કેસમાં અગાઉ સંતોષ કુશવાહ, સુરજ કુશવાહ, બબલુ કુશવાહ, ગોકુળ કુશવાહ, સુંદર કુશવાહ અને ભૂરાસિંહ કુશવાહની ધરપકડ કરાઈ હતી. તેમજ બે આરોપીઓ મૃત્યુ પામ્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. ઝડપાયેલા બંને આરોપીઓએ 15 વર્ષ પહેલા ગુનો આચર્યો હોય અને ઝોન 2 LCB પાસે બંને આરોપીઓના હાલના ફોટો પણ ન હોય હ્યુમન સૉર્સના આધારે બંનેને પકડવામાં સફળતા મેળવી છે. તેવામાં આ બંને આરોપીઓ ગુનો આચરવા માટે હથિયાર ક્યાંથી લાવ્યા હતા અને આ ગુનામાં સામેલ અન્ય ફરાર આરોપીઓ ક્યાં છે તે બાબતને લઈને તપાસ કરવા માટે આરોપીઓના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓની તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે