)
Botad News : બોટાદ સાયબર ક્રાઈમ પોલીસે સાળંગપુર હનુમાનજી મંદિરની ફેક વેબસાઈટ બનાવનાર આરોપીને ઉત્તરપ્રદેશથી ઝડપી લીધો છે. ઉત્તરપ્રદેશના અમરજીત કુમાર મોતીલાલની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે.
આરોપીએ 46 જેટલી ફેક વેબસાઈટ બનાવી હતી
આરોપી સાળંગપુર મંદિરની ઘર્મ શાળાના નામે ફેક વેબસાઈટ બનાવી રૂમ બુકીંગ બાબતે હરિભક્તો સાથે છેતરપીંડી કરતો હતો. હરિભક્તોએ સાળંગપુર હનુમાનજી મંદિર ટ્રસ્ટમાં ફરિયાદ કરતા મંદિર ટ્રસ્ટે સાયબર ક્રાઈમમા ફરિયાદ નોંધાવી હતી. સાઈબર ક્રાઈમ પોલીસે આરોપીને ઝડપીને તપાસ કરતા આરોપીએ 46 જેટલી ફેક વેબસાઈટ બનાવી હોવાનું તપાસમાં સામે આવ્યું.
આરોપીએ Hostinger ડોમેઇન સર્વરનો ઉપયોગ કરીને ૧૬ ફેક વેબસાઇટ તથા Godaddy ડોમેઇન સર્વરનો ઉપયોગ કરી ૨૬ વેબસાઇટો બનાવેલ હોવાનું તપાસમાં સામે આવ્યું. સાઈબર ક્રાઈમ પોલીસે આરોપીની વધુ તપાસ માટે રિમાન્ડની માંગણી કરવા કોર્ટમાં રજૂ કરાયો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ વિશ્વપ્રસિદ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર સાથે સંબંધિત નકલી વેબસાઈટ બનાવીને ભક્તો પાસેથી રૂમ બુકિંગના બહાને પૈસા ઉઘરાવનાર સાયબર ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા આરોપીને ઉત્તરપ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીનું નામ આરોપી અમરજીત કુમાર છે. તે 28 વર્ષની ઉંમર ધરાવે છે. તેમજ ડીજીટલ માર્કેટીંગનો વ્યવસાય કરે છે. તે ઓનલાઈન પ્લેટફોર્મ પર સારંગપુર ટ્રસ્ટ ધર્મશાળાના નામે ફેક વેબસાઈટ બનાવી સોશિયલ મીડિયાના માધ્યમથી હરિભક્તોને બુકિંગ માટે લલચાવતો હતો.
છેતરાયેલા ભક્તોએ ટ્રસ્ટને ફરિયાદ કરી હતી
ભક્તો દ્વારા પસંદ કરાયેલ રૂમ માટે પેમેન્ટ કર્યા બાદ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા મળતી ન હતી, જેથી હરિભક્તોએ મંદિર ટ્રસ્ટમાં ફરિયાદ કરી હતી. જેથી મંદિર ટ્રસ્ટે બોટાદ સાયબર ક્રાઈમ પોલીસને ફરિયાદ કરી હતી. સાયબર ક્રાઈમ પોલીસેઆરોપી સામે કલમ ૩૩૬(૨)(૩)(૪), ૩૩૮, ૩૧૮(૪), ૩૧૬(૨), તથા આઇ.ટી. એક્ટ. કલમ ૬૬(સી), (ડી) મુજબનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી
સાયબર ક્રાઈમ પોલીસે આરોપીની ઓળખ કરીને ફ્રોડના ગુનામાં સંડોવાયેલ આરોપી અમરજીત કુમારને ઉત્તરપ્રદેશ રાજ્ય ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. સાયબર ક્રાઈમ પોલીસે આરોપીની તપાસ કરતા આરોપી Hostinger ડોમેઇન સર્વરનો ઉપયોગ કરીને -૧૬ ફેક વેબસાઇટ તથા Godaddy ડોમેઇન સર્વરનો ઉપયોગ કરી ૨૬ વેબસાઇટો બનાવેલ કુલ ૪૨ ફેક વેબસાઈટ બનાવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સાઈબર ક્રાઈમ પોલીસે આરોપીની વધુ તપાસ માટે રીમાન્ડ ની માંગણી કરવા કોર્ટમાં રજૂ કરાયો છે તેવું બોટાદના એસપી કે.એફ. બળોલીયાએ જણાવ્યું.