વિકસિત ગુજરાતમાં આવી સ્થિતિ, ટીબીના દર્દી શોધવા તંત્ર લઈ રહ્યું છે ભુવાની મદદ, ઈનામ પણ આપે છે

રાજ્ય સરકાર એક તરફ અંધશ્રદ્ધા નાબુદ કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે. લોકો ભુવાઓની વાતમાં ન આવે અને આજના સમય પ્રમાણે જીવે તે માટે સતત જાગૃતતા ફેલાવવામાં આવી રહી છે, આ વચ્ચે છોટાઉદેપુરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. 
 

 વિકસિત ગુજરાતમાં આવી સ્થિતિ, ટીબીના દર્દી શોધવા તંત્ર લઈ રહ્યું છે ભુવાની મદદ, ઈનામ પણ આપે છે

હકીમ ઘડીયાળી, છોટાઉદેપુરઃ ભુવાઓ લોકોમાં અને સમાજમાં અંધશ્રદ્ધા ફેલાવવાનું જ કામ કરતા હોય છે. ત્યારે છોટાઉદેપુરનું આરોગ્ય વિભાગ હવે ભુવાના ભરોસે જ કામ કરી રહ્યું છે. જીહા, છોટાઉદેપુરનું આરોગ્ય વિભાગ ટીબીના દર્દીઓને શોધવા માટે ભુવાઓની મદદ લઈ રહ્યું છે. એક તરફ સરકાર અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે અનેક કાર્યક્રમો કરે છે, ત્યાં બીજી તરફ છોટાઉદેપુરનું આરોગ્ય વિભાગને ટીબીના દર્દીઓને શોધવા માટે ભુવાઓની મદદ લેવી પડી રહી છે. 

છોટાઉદેપુર જિલ્લો અંતરિયાળ જિલ્લો છે, લોકો ભુવાઓ પર વધારે શ્રદ્ધા રાખતા હોય છે અને તેમની પાસે જ દોરા-ધાગા કરાવતા હોય છે. હજુ બે દિવસ પહેલાં જ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ દરોડા પાડીને સટુંન ગામના ભૂવાના ધતિંગને ઉઘાડા પાડ્યા છે. ત્યાં બીજી તરફ છોટાઉદેપુરનું આરોગ્ય વિભાગ ટીબીના દર્દી શોધવા માટે ધતિંગ કરતા ભુવાઓને ઈનામરૂપે ઈન્સેન્ટીવ પણ આપે છે. 

છોટાઉદેપુર તાલુકાના આરોગ્ય વિભાગે 4 તાલુકાના 741 ભુવાની યાદી બનાવી છે અને તેમને ટીબીના દર્દી શોધવા માટે કામે લગાવ્યા છે. આદિવાસી વિસ્તાર હોવાથી લોકો ભુવા પર વધુ ભરોસો રાખતા હોય છે. એક રીતે છોટાઉદેપુરના આરોગ્ય વિભાગનો આશય સારો છે. પરંતુ એક તરફ સરકાર દ્વારા અંધશ્રદ્ધા પર લોકો વિશ્વાસ ન રાખે, ભુવા પાસે જવાની જગ્યાએ લોકો સારવાર માટે ડોકટર પાસે જાય તેવા પ્રયાસો કરતા હોય છે. 

ત્યારે જો આવી રીતે ભુવાઓના સહારે જ દર્દીઓ શોધવા પડે તેવી સ્થિતિ છોટાઉદેપુરના આરોગ્ય વિભાગની હોય તો લોકોમાંથી અંધશ્રદ્ધા કેવી રીતે દૂર થશે, તે પણ એક મોટો સવાલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news