)
રવિ અગ્રવાલ/વડોદરા: મુખ્યમંત્રીની કડક સૂચના બાદ વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ શહેરમાં ઠેર-ઠેર જોવા મળતા ખાડાઓના મુદ્દે સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયા છે. આજે તેમણે કોર્પોરેશનમાં એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. જેમાં રોડ, પાણી અને ડ્રેનેજ વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો હાજર રહ્યા હતા. કમિશનરએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, શહેરીજનોને હાલાકી ભોગવવી પડે તે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં.
આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે એક મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી રોડ, પાણી અને ડ્રેનેજના કામમાં રિવ્યૂ કર્યા બાદ જ કોન્ટ્રાક્ટરોને નાણાં ચૂકવવામાં આવશે. સાથે જ જે કામમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી હશે અને હલકી કક્ષાની કામગીરી કરી હશે તો તેને દંડ ભરવા માટેની નોટિસ પણ આપવામાં આવશે. સાથે જ જવાબદાર અધિકારીને પણ નોટિસ આપવામાં આવશે.
10 એન્જિનિયરોને શો કોઝ નોટિસ
મ્યુનિસિપલ કમિશનરના નિર્ણયનો મુખ્ય હેતુ કામની ગુણવત્તા સુનિશ્ચિત કરવાનો અને ભવિષ્યમાં ખાડાઓની સમસ્યા અટકાવવાનો છે. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનરે કામમાં બેદરકારી દાખવવા બદલ 10 એન્જિનિયરોને શો કોઝ નોટિસ પણ આપી છે. કોન્ટ્રાક્ટર એસોસિયેશનના પ્રમુખે કહ્યું કે, અમને સમયસર બિલના નાણા નથી મળી રહ્યા જેથી મ્યુનિ કમિશનરને રજૂઆત કરી, જેમાં તેમને કામનું રિવ્યૂ કર્યા બાદ ચુકવણી કરવામાં આવશે તેવો જવાબ આપ્યો છે.
રોડ-રસ્તાને મુદ્દે મ્યુનિસિપલ કમિશનર લાલઘૂમ
વરસાદની મોસમ શરૂ થતાં જ વડોદરાના રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ ગયું છે, તો ડ્રેનેજ અને પાણીની લાઈનમાં યોગ્ય પુરાણ ન કરવામાં આવતા ઠેર-ઠેર ભૂવા પડી રહ્યા છે તેમજ કેટલાક સ્થળે રોડ પણ બેસી ગયા છે. જેને લઈને મ્યુનિસિપલ કમિશનર લાલઘૂમ થયા છે. ખાસ કરીને નટુભાઈ સર્કલથી આઈનોક્સ સુધીના રોડ પર ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
રોડ છે કે ખાડામાં રોડ
આ ઉપરાંત, કોમર્શિયલ બિલ્ડીંગના સંચાલકો દ્વારા બેઝમેન્ટમાં ભરેલા પાણીને રોડ પર છોડવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું છે, જેનાથી ખાડાઓની સમસ્યા વધુ વકરી રહી છે અને રસ્તાઓ બિસ્માર બની રહ્યા છે. શહેરીજનોમાં પણ આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાગરિકો કહી રહ્યા છે કે, "આ રોડ છે કે ખાડામાં રોડ તે સમજાતું નથી." કેટલાક લોકોએ તો વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે, "ખાડાના લીધે વાહનના જંપર રિપેર થશે પણ કમરના મણકાં કેવી રીતે રિપેર કરીશું?"
મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ખાતરી આપી છે કે, આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે અને શહેરીજનોને ગુણવત્તાયુક્ત રસ્તાઓ પૂરા પાડવામાં આવશે. મહત્વની વાત છે કે મ્યુનિસિપલ કમિશનરે કોન્ટ્રાક્ટરો સામે લાલ આંખ તો કરી છે પણ કોન્ટ્રાકરો સાથે સાંઠગાઠ ધરાવતા પાલિકાના ઇજનેરો સામે જ્યાં સુધી કોઈ કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી રોડ, પાણી અને ડ્રેનેજના કામમાં સુધારો નહીં થાય તે કડવી વાસ્તવિકતા છે.