)
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ વિવાદમાં આવ્યા છે. સાશક પક્ષના નેતા લીલુબેન જાદવના ડ્રાઇવરોને તાત્કાલિક અસર થી છૂટા કરી દેવા આદેશ છૂટ્યો અને વિવાદ શરૂ થયો...ડ્રાઇવરોને છુટા કરી દેવામાં આવતા સાશક પક્ષના નેતા લીલુબેન જાદવે ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ઓફિસરને પૂછતા મેયર ચેમ્બરમાંથી આદેશ આવ્યો હોવાનું કહ્યું હતું. જોકે મેયરને રજુઆત કરતા મેં આવો કોઈ આદેશ આપ્યો નથી તેવું કહી વાત ઉડાવી દીધી હતી.
જોકે વિવાદ વધુ વકરતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને રાજકોટ શહેર ભાજપના પ્રમુખને લીલુબેન જાદવે રજુઆત કરતા 'દો કોડીના ડ્રાઇવર માટે આટલી માથાકૂટ ન હોઈ' કહી વાત ઉડાવી દેવામાં આવી હતી. જોકે ડ્રાઇવરને તો છુટા કરવાનું તો માત્ર બહાનું હતું તેની પાછળ જૂથવાદ જવાબદાર હતો...સ્વ. વિજય રૂપાણીના પરિવાર દ્વારા સોમનાથ મંદિર ખાતે ધજા ચડાવી હતી જેમાં મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને દંડક ને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું જ્યારે શાસક પક્ષના નેતા લીલુબેન જાદવને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેથી લીલુબેન જાદવ મહિલા મોરચાના કાર્યકરોને લઈને સરકારી કારમાં સોમનાથ ગયા હતા જે બીજા જૂથને ધ્યાને આવતા મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને કહી ડ્રાઇવરને છુટા કરવા આદેશ કર્યો હતો.
જોકે આ મામલે લીલુબેન જાળવે અનેક વખત રજુઆત કરી જેની રજુઆત ધ્યાન પર લેવામાં ન આવી. અંતે જે લીલુબેન જાદવે કહ્યું, ચોક્કસ લોકો જ મને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મારા બે ડ્રાઇવરોને કિન્નખોરી રાખી છુટા કરી દેવામાં આવ્યા છે. મારી છબી ખરડાવવાનો પ્રયાસ અમારા જ નેતાઓ કરી રહ્યા છે. સમય આવ્યે હું ઘણા ખુલાસાઓ કરીશ. સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને 12 બહેનો દ્વારા 15 પેજનો પણ પત્ર લખવામાં આવ્યો છે.
જોકે આ મામલે રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાએ કહ્યું હતું કે, લીલુબેન જાદવ મારી પાસે રજૂઆત કરવા પણ આવ્યા નથી. ડ્રાઇવરની ફાળવણી ફાયર વિભાગ કરે છે. મહિલા મેયર તરીકે મારી પાસે તેને રજૂઆત કરવી જોઈએ. મારા વિરુદ્ધ પણ ભૂતકાળમાં ષડયંત્ર કરવામાં આવ્યું હતું અને સમાચાર પણ લખવામાં આવ્યું હતા. હું મંજૂરી લઈને ગઈ હતી છતાં મારા વિરુદ્ધ કાવતરું કર્યું હતું. લીલુબેન જાદવની જે પણ સંવેદના હોઈ તે મને અને પાર્ટીને જાણ કરવી જોઈએ. મેયર મીડિયા પર ગીન્નાયા અને કહ્યું, પ્રશ્ન પૂછી તમે મને પણ પાડી દેવા માંગતા લાગો છો.
જ્યારે રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ ડો. માધવ દવેએ આરોપો નકાર્યા હતા. લીલુબેન જાદવનો પ્રશ્ન અમારા દ્વારા અગાઉ જ ઉકેલી દીધો હતો. મ્યુ.કમિશ્નર વિભાગમાંથી ડ્રાઇવરોની બદલી નક્કી થતી હોય છે. લીલુબેન જાદવ સવારે મારી સાથે હતા જ ત્યારે પણ કોઈ વાત કરી નથી. કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખ્યો તે અંગે મને જાણ પણ કરી નથી. મેં તેને ફોન કર્યો, પણ ફોન રિસીવ કર્યો નથી. શહેર અધ્યક્ષ તરીકે મને જાણ કરી પત્ર લખ્યો હોત તો સારું રહેત. પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી દ્વારા સોમનાથ મંદિરે ધજા ચઢાવતા વિવાદ વકર્યો હતો. માધવ દવેએ કહ્યું, સ્વ. વિજય રૂપાણી અમારા સન્માનિય હતા અને રહેવાના છે.તેના કાર્યક્રમમાં જવું અને તેથી કોઈ આવું કરે તે વાતમાં તથ્ય નથી..
જોકે આ મામલે સાશક પક્ષના નેતા લીલુબેન જાદવના ડ્રાઇવર મીડિયા સમક્ષ આવ્યા હતા. પૂર્વ ડ્રાઇવર ગજરાજસિંહ રાઠોડે નિવેદન આપતા કહ્યું હતું કે, અમે બે ડ્રાઇવર લીલુબેન જાદવની કારમાં નોકરી પર હતા. અચાનક જ અમને છુટા કરી દેવામાં આવ્યા હતા. મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના આદેશ થી છુટા કરવામાં આવ્યા હતા. રજૂઆત કરવા જતાં ફાયર ઓફિસરે પણ પદાધિકારીઓના કહેવાથી છુટા કર્યા હોવાની વાત કરી હતી. લીલુબેન જાદવે મેયરને ફોન કરી રજૂઆત કરી જ હતી. જોકે ત્યારે તેને આવ કોઈ આદેશ કર્યા નથી કહીને વાત ઉડાવી દીધી હતી. અમે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી છીએ. અમારો પગાર 12000 જ છે. છુટા કરી દેવામાં આવતા નોકરી ગોતિએ છીએ. મેયર, સ્ટેન્ડિંગ કમિટી અને પદાધિકારીઓને લઈને આગામી દિવસોમાં અનેક ખુલાસા કરીશ.
તો બીજી તરફ રાજકોટ મનપા વિરોધપક્ષ ના નેતા વશરામ સાગઠીયાએ કહ્યું હતું કે, શહેર ભાજપમાં અલગ અલગ જૂથવાદ ના કારણે મહિલાઓને રડવું પડે છે. આ પહેલા મહિલા મેયરને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા હવે લીલુબેન જાદવ સાથે અન્યાય થઈ રહ્યો છે. જૂથવાદ નો ભોગ મહિલાઓને અન્યાય થઈ રહ્યો છે. મેયર સહિત નેતાઓ દબાયેલા છે કાંઈ ખુલીને બોલી શકતા નથી. મહિલાઓને મર્યાદા અને સન્માન જડવાતું નથી,વશરામ સાગઠિયા..
રાજકોટ શહેર ભાજપના આંતરિક જૂથવાદનો કારણે મહિલા કોર્પોરેટરો હોઈ કે પછી મહિલા પદાધિકારી હોઈ. તમામ લોકો રાજકીય કિન્નાખોરીનો ભોગ બની રહ્યા છે. સાશક પક્ષના નેતા લીલુબેન જાદવ પદાધિકારી હોવા છતાં તેનું અપમાન કરવામાં આવે છે. જાહેર ખાતમુહૂર્તનો કાર્યક્રમ હોઈ તો તેને સ્થાન ન આપવામાં આવે, મેયર ચેમ્બરમાં બોલાવી ધમકાવવામાં આવે, દંડક મનીષ રાડીયા અને લીલુબેન જાદવ મેયર ચેમ્બરમાં તું-તુંકારે આવી જાય અને હવે તો ગાંધીનગર બેઠકમાં ગયા બાદ બીજા દિવસે અંબાજી દર્શને કેમ ગયા કહીને વિવાદ કરવો. લીલુબેન જાદવ સાશક પક્ષના નેતા મહિલા હોવા છતાં તેનું અપમાન કરવામાં આવ્યું.
એક તરફ મહિલાઓની અપમાન કરનારા સામે વિરોધ કરવા ભાજપના જ કાર્યકરો રસ્તા પર ઉતરી આવે છે જ્યારે પક્ષમાં રહેલા મહિલા પદાધિકારીઓનું તેના જ સાથી પદાધિકારીઓ ચીર હરણ કરતા હોવાના આરોપ લાગી રહ્યા છે. ભાજપને સિસ્ત વાળી પાર્ટી કહેવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા સમય થી રાજકોટ શહેર ભાજપમાં વડીલોનું અપમાન, મહિલાનું અપમાન કોમન બની ગયું છે. ત્યારે પ્રદેશ ભાજપ કઈ રીતે પગલાં ભરે છે તે જોવું રહ્યું.