)
Ahmdabad News: અમદાવાદમાં એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. શાહીબાગ વિસ્તારમાં એક ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 15 વર્ષીય સગીરા પર ચાર શખ્સોએ ગેંગરેપ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના લગભગ ચાર મહિના પહેલા બની હોવા છતાં, ડરના કારણે સગીરાએ કોઈને જાણ નહોતી કરી. અંતે, માતા-પિતાએ પૂછપરછ કરતાં સમગ્ર હકીકત સામે આવી અને પોલીસે ચાર હવસખોરોની ધરપકડ કરી છે.
શું બન્યો હતો સમગ્ર કેસ?
પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, ધોરણ-11માં ભણતી સગીરાને આરોપી અક્ષય ઉર્ફે સેંધા મહેરિયાએ ધમકાવી હતી કે 'તારો મોબાઈલ નંબર મારી પાસે છે, તે ક્યાંથી મળ્યો તે જાણવું હોય તો મારા ઘરે આવ.' આથી સગીરા તેની પાસે ગઈ હતી. ત્યાં અક્ષયે સગીરાને શરબતમાં કેફી પીણું પીવડાવીને અર્ધબેભાન કરી દીધી હતી. ત્યારબાદ સ્થળ પર હાજર તેના અન્ય ત્રણ મિત્રો પાર્થ ઉર્ફે ભોટિયો ધરમશી પરમાર, દશરથ ઠાકોર અને અવિનાશ પરમાર એમ ચારેય શખ્સોએ મળીને સગીરા પર ગેંગરેપ કર્યો હતો. ગેંગરેપ દરમિયાન સગીરાએ બૂમાબૂમ કરતાં અક્ષયે તેને લાફો પણ માર્યો હતો.
ધમકીના કારણે સગીરાએ 4 મહિના સુધી મૌન સેવ્યું
આ નરાધમોએ સગીરાને આ અંગે કોઈને પણ જાણ કરવા પર જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને તારી બહેન સાથે પણ આવું જ કૃત્ય કરવાની ધમકી આપી હતી. આ ધમકીના કારણે ભયભીત સગીરાએ લગભગ ચાર મહિના સુધી આ અંગે કોઈને કશું કહ્યું નહોતું. આ ઘટના બાદ તે સ્કૂલે જવાનું ટાળતી હતી અને ગુમસુમ રહેતી હતી, જેના કારણે માતા-પિતાને શંકા ગઈ અને તેમણે પૂછપરછ કરતાં સગીરાએ સમગ્ર હકીકત જણાવી. સગીરાની માતાએ ચારેય આરોપીઓ વિરુદ્ધ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી અને પોક્સો (POCSO) સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ ચારેય આરોપીઓની ધરપકડ કરી છે અને આ કેસની વધુ તપાસ એસટી, એસસી સેલને સોંપવામાં આવી છે.
ગેંગરેપના દિવસે સગીરાને દુખાવો થતાં હોસ્પિટલ લઈ જવાઈ હતી
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગેંગરેપની ઘટનાના દિવસે સગીરાને છાતીમાં દુખાવો થતાં તેને હોસ્પિટલ લઈ જવાઈ હતી. ત્યાં ડોક્ટરોએ ગેસની તકલીફ કહીને દવા આપી હતી. જોકે, બે દિવસ બાદ સગીરાને ગુપ્ત ભાગે દુખાવો થતાં તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી, જ્યાં સોનોગ્રાફી બાદ તેને યુરીન ઇન્ફેક્શન હોવાનું નિદાન થયું હતું.
એક આરોપી સાયકો કિલર સાથે બાઇક ચોરીમાં સંડોવાયેલો હોવાની શંકા
ચાર આરોપીઓ પૈકી મુખ્ય આરોપી અક્ષય મહેરિયા અગાઉ સાયકો કિલર વિપુલ પરમાર સાથે બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલો હોવાની માહિતી સામે આવી છે. તે આ કેસમાં જામીન પર છૂટ્યો હતો. જોકે, બાઇક ચોરીના ગુનામાં આ ગેંગરેપના અન્ય આરોપીઓની કોઈ સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.