અમદાવાદઃ  એકતરફ સરકાર દ્વારા બેટી બચાવો અને બેટી પઢાવોની વાતો કરવામાં આવે છે. ત્યારે સ્કૂલ સંચાલકોની મનસ્વી વલણનો ભોગ વિદ્યાર્થીઓને વાલીઓ બની રહ્યાં છે. એકતરફ શહેરના નારણપુરા વિસ્તારની મિરામ્બિકા સ્કૂલ દ્વારા 22 જેટલા વિદ્યાર્થિનીઓને એલ.સી. પકડાવી દેતા વિવાદ સર્જાયો છે. તો બીજીતરફ સ્કૂલ સંચાલકો જવાબ આપવાનું ટાળી રહ્યાં છે.  જિલ્લા શિક્ષણાધિકારી આ મામલે મો સંતાડી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા ઘણા સમયથી વાલીઓ અને અલગ અલગ શાળાના સંચાલકો વચ્ચે ફી મામલે તો વિવાદ જગ જાહેર છે. ત્યારે હવે વધુ એક વિવાદ નારણપુરાની મિરામ્બીકા સ્કૂલમાં સામે આવ્યો છે. ધોરણ 8ના વિદ્યાર્થિનીઓ પરિણામ લેવા જ્યારે શાળા પર આવી ત્યારે મિરામ્બિકા સ્કૂલના સંચાલકોએ એકા એક 22 જેટલા વિદ્યાર્થિનીઓને એલ.સી. પકડાવી દીધા હોવાનું સામે આવ્યું છે. જે મામલે વાલીઓનો આક્ષેપ છે કે તેમનું બાળક અભ્યાસમાં નબળું હોવાનું કારણ ધરી સ્કૂલમાંથી એલ.સી. પકડાવી દેવાયા છે અને અન્ય શાળામાં એડમીશન લેવાની ફરજ પાડવામાં આવી રહી છે. 


મિરામ્બિકા સ્કૂલની આ પ્રકારની દાદાગીરીને પગલે વાલીઓ ડીઈઓ કચેરી પહોંચ્યા અને ડીઈઓ દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓને સાંભળવાની જગ્યાએ મીડીયા કર્મીઓને જોઈને જિલ્લા શિક્ષણાધીકારી ઓફિસથી જાણે મો છુપાવીને પલાયન થઈ ગયા. બીજીતરફ વાલી મંડળ દ્વારા હવે આ મામલે જો વિદ્યાર્થીઓને પરત નહિ લેવામાં આવે તો આંદોલન કરવાની અને મુખ્યમંત્રી સુધી રજુઆત કરવાની ચીમકી આપવામાં આવી છે. 


વિદ્યાર્થિનીઓનું અભ્યાસમાં નબળું હોવાનો મિરામ્બિકા સ્કૂલ સંચાલકોનો તર્ક ગળે ઉતરતો નથી. ત્યારે એક વાત ચોક્કસ છે કે  હાલ તો મીરામ્બિકા સ્કૂલના સંચાલકોની આડોડાઈને પગલે 22 જેટલા વિદ્યાર્થીઓના ભાવિ પર પ્રશ્નાર્થ મુકાઈ ગયો છે.