બુલડોઝરની ગર્જના વચ્ચે AMCનો માનવતાવાદી ચહેરો, ચંડોળા-ઈસનપુર બાદ વટવામાં મેગા ડિમોલિશન
Mega Demolition: અમદાવાદના ચંડોળા અને ઈસનપુર બાદ હવે AMCએ વારો વટવા વિસ્તારનો કાઢ્યો છે. વટવા વિસ્તારમાં કોર્પોરેશને યુદ્ધના ધોરણે મેગા ડિમોલિશન હાથ ધર્યું છે. 400થી વધુ ગેરકાયદે કાચા-પાકા મકાનો જમીનદોસ્ત કરી દેવાયા. શાંતિપૂર્ણ માહોલમાં આ અધધ દબાણો હટાવવામાં આવ્યા. તો AMCનો માનવતાવાદી ચહેરાના પણ દર્શન થયા.
Trending Photos
)
Mega Demolition: વટવા વિસ્તારમાં આજે વહેલી સવારથી જ બુલડોઝરની ગર્જના સંભળાઈ. AMCના 12 હિટાચી અને 4 JCB મશીનો સાથે મેગા ડિમોલિશન શરૂ કરાયું. એક પછી એક ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા. કુલ 400થી વધુ કાચા અને પાકા મકાનો જમીનદોસ્ત કરવામાં આવ્યા.
શાંતિપૂર્ણ ડિમોલિશન
કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 500થી વધુ પોલીસ કર્મીઓ અને 300 જેટલો AMC સ્ટાફ તૈનાત રહ્યો. વિસ્તારમાં ભારે બંદોબસ્ત વચ્ચે કામગીરી કરવામાં આવી છે. વર્ષોથી ગેરકાયદે જગ્યાએ રહેતા લોકોને પહેલેથી જ અંદાજ હતો, કારણ કે છેલ્લા ત્રણ મહિનાથી AMC દ્વારા વારંવાર નોટિસો અપાઈ હતી. કાર્યવાહી શરૂ થતાં લોકો પોતાનો ઘરનો સામાન સગેવગે કરતા નજરે પડ્યા. તો બીજી તરફ કેટલાક લોકોએ વેદના વ્યક્ત કરી. લોકોનું કહેવું છે કે, અમારા ઘર તો તોડ્યા, પણ રહેવા માટે ઘર ક્યાં?
AMCનો માનવતાવાદી ચહેરો
અમદાવાદ કોર્પોરેશનના આ મેગા ડિમોલિશન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું. પરંતુ આ દબાણ યાદગાર પણ રહ્યું. કારણ કે AMCના માનવતાવાદી ચહેરાના પણ દર્શન થયા. દબાણને કારણે ઘર વિહોણા થયેલા લોકોને આશરો પણ આપવામાં આવ્યો. સાથે જ જેણે દબાણ કર્યું હતું તેનો સામાજિક પ્રસંગ પણ સાચવ્યો.
AMCએ માનવતા પણ દાખવી, ઘરવિહોણા બનેલા લોકો માટે આશ્રયગૃહની વ્યવસ્થા કરવામાં આવી. 80 જેટલા લોકોને AMTS બસ મારફતે નારોલ સ્થિત આશ્રયગૃહમાં ખસેડવામાં આવ્યા છે. આ આશ્રયગૃહમાં 400 લોકો રહેવાની ક્ષમતા છે.
વાનરવટ તળાવ વિસ્તારમાં કામગીરી દરમિયાન AMCએ સંવેદનશીલતા પણ બતાવી. એક ભરવાડ પરિવારમાં સામાજિક પ્રસંગ હોવાથી ત્યાં તાત્કાલિક દબાણ હટાવવામાં આવ્યું નહોતું. પરિવારે પ્રસંગ પૂર્ણ થયા બાદ સ્વૈચ્છાએ દબાણ દૂર કરવાની તૈયારી બતાવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે













