ભુવાએ તાંત્રિક વિધિનો ઢોંગ કરીને અસલી દાગીના બદલી નાંખ્યા, છેતરાયેલા પરિવારે કરી પોલીસ ફરિયાદ
Ahmedabad Crime News : માનતા પુરી ન થાય ત્યાં સુધી ડબ્બો ન ખોલતા.. 13.62 લાખના દાગીના સેરવી છેતરપિંડી કરનાર અમદાવાદના ભુવાને માંડલ પોલીસે દબોચ્યો
Trending Photos
Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : એક તરફ ભારત વિજ્ઞાન ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે, ત્યારે જ અમદાવાદનો પરિવાર દુઃખ દૂર કરવા માટેથી ભુવાની તાંત્રિક વિધિની વાતમાં આવીને છેતરપીંડીનો ભોગ બન્યો. માંડલ પોલીસે ભુવાની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરી ત્રણ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
અમદાવાદ જિલ્લા પોલીસની માંડલ પોલીસ ચંદ્રકાંત પંચાલ નામના ભુવાને ઝડપી પાડ્યો છે. જે અમદાવાદના ગોતા વિસ્તારમાં રહે છે અને સમાજમાં ભુવા તરીકેની ઓળખ ધરાવે છે. ચંદ્રકાંત પંચાલ ભુવાજી તાંત્રિક વિધિ કરીને પરિવારિક ઝગડા, નોકરી ન મળવી, ઘર કંકાસ અને તબિયત સારા કરવા સહિતના દુઃખ દૂર કરવાના દાવો કરે છે. તાંત્રિક વિધિ કરી આપીને પણ આજે ખુદ આ ઠગ ભુવાજી દુઃખમાં આવી ગયા છે અને જેલના સળિયા પાછળ ધકેલાયો છે.
બન્યું એમ હતું કે, અમદાવાદની એક મહિલાના પતિનું માનસિક સ્વાસ્થ્ય બગડ્યું હતું, ત્યારે મહિલા આ ભુવાજી ચંદ્રકાંત પંચાલ સંપર્કમાં આવી હતી. ફરિયાદી મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, ‘તમારા પતિનું માનસિક સ્વાસ્થ્ય સારું કરવા માટેથી એક તાંત્રિક વિધિ કરવી પડશે. જેમાં તમારે તમારા સોનાના ઘરેણા તાંત્રિક વિધિમાં જામીન પર મૂકવા પડશે’ તેમ કહી એક તાંત્રિક વિધિ કરવાની શરૂઆત કરી હતી. જેમાં એક કપડાંમાં સોનાના ઘરેણા બાંધીને રખાવ્યા હતા. બાદમાં પરિવારને ઘર નજીકના મંદિરમાં સાથે દર્શન કરવા માટે મોકલ્યા હતા.
ભુવાએ કપડામાં રાખેલા ઘરેણા બદલી નાંખ્યા
આ દરમિયાન ભુવાજીએ કપડાંમાં બાંધેલા ઘરેણા બદલી નાંખ્યા હતા. જ્યારે પરિવાર પાછો આવ્યો ત્યારે ભુવાએ કહ્યું હતું કે મેં તમારી તાંત્રિક વિધિ કરી નાંખી છે હવે દુઃખ દૂર થઈ જશે અને આ ઘરેણા તાંત્રિક વિધિ કરીને બાંધ્યા છે, જેને 21 દિવસે ખોલવાના છે. પરિવારે 21 દિવસે ઘરેણાની બાંધેલી પોટલી ખોલી તો તેમાં ઘરેણા મળ્યા ન હતા. પતિની તબિયતમાં સુધાર પણ ન આવતા છેતરપિંડીનો ભોગ બન્યાનો એહસાસ થતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે માંડલ પોલીસે ઠગ ભુવા ચંદ્રકાંત પંચાલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ત્યારે માંડલ પોલીસની પ્રાથમિક તપાસમાં માંડલ, સોલા અને ઘાટલોડીયાના અલગ અલગ ત્રણ પરિવાર સાથે આ પ્રકારે પરિવારના દુઃખ દૂર કરવાનું કહી તાંત્રિક વિધિ કરીને ઠગ્યા હતા. જેમાં માંડલના પરિવાર સાથે 8 લાખના ઘરેણાની છેતરપિંડી કરી છે. સોલા અને ઘાટલોડીયામાં 15 લાખના ઘરેણાની છેતરપિંડી આચરી હતી.
આ ઘરેણા બાબતે ભુવાની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, આરોપી ભુવાએ તમામ સોના ઘરેણા સોની અથવા મુથુટ ફાઇનાન્સમાં ગીરવે મૂકીને રોકડા પૈસા મેળવી લીધા છે. ત્યારે આ ત્રણ પરિવાર સહિત અન્ય કેટલા પરિવાર સાથે આ પ્રકારે તાંત્રિક વિધિ કરવાના નામે છેતરપિંડી કરી છે તેને લઈને તપાસ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે