)
Junagadh News અશોક બારોટ/જુનાગઢ : જુનાગઢમાં એક ચોંકાવનારો છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદના એક ઠગ દંપતીએ પોતાને ધારાસભ્યના પીએ તરીકે ઓળખાવી જુનાગઢના એક તબીબ દંપતી પાસેથી સરકારી નોકરી અને કોન્ટ્રાક્ટના નામે લાખો રૂપિયા પડાવ્યા છે. આ છેતરપિંડીમાં તબીબ દંપતીએ કુલ 49.34 લાખ રૂપિયા ગુમાવ્યા હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે
શું છે સમગ્ર મામલો?
આ બનાવની વિગતો મુજબ, જુનાગઢના જોષીપરા વિસ્તારમાં જય સરદાર ટ્રસ્ટ દાંતની હોસ્પિટલ ચલાવતા ડો. રાજેશભાઈ ભાખર અને તેમની પત્ની શિલ્પાબેન નો પરિચય અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા રવિ ઉર્ફે રોહિત હરિભાઈ ચોવટીયા અને તેની પત્ની પ્રજ્ઞાબેન સાથે થયો હતો. રવિએ ડો. ભાખર અને તેમની પત્નીનો વિશ્વાસ જીતવા માટે પોતે એક ધારાસભ્યનો પીએ (પર્સનલ આસિસ્ટન્ટ) હોવાનું જણાવ્યું હતું.
આ ઓળખનો લાભ ઉઠાવી, રવિએ ડો. રાજેશભાઈને દિલ્હી હાઈવે કોરિડોર પર ઝાડ ઉછેરવા માટેનો સરકારી કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચ આપી હતી. આ સાથે જ, તેની પત્ની શિલ્પાબેનને ગાંધીનગર સચિવાલયમાં ક્લાર્કની નોકરી અપાવવાનું વચન પણ આપ્યું હતું. આ મોહક લાલચમાં તબીબ દંપતી ફસાઈ ગયું હતું
9 મહિનામાં 50 લાખથી વધુ ઉઘરાવ્યા
છેતરપિંડીનો આ સિલસિલો 2 ઓક્ટોબર, 2023 થી 30 જૂન, 2024 સુધી, એટલે કે લગભગ નવ મહિના સુધી ચાલ્યો. આ સમયગાળા દરમિયાન, આરોપી દંપતીએ તબીબ દંપતી પાસેથી ઓનલાઈન ટ્રાન્સફર, રોકડ અને આંગડિયા મારફતે તબક્કાવાર કુલ રૂ. 50.08 લાખ મેળવી લીધા હતા.
ઠગ દંપતીએ તબીબ દંપતીનો સંપૂર્ણ વિશ્વાસ જીતવા માટે એક વધુ તરકીબ અપનાવી હતી. તેમણે શિલ્પાબેનને નોકરી લાગી ગઈ છે તેમ કહી ત્રણ મહિના સુધી પગાર પેટે રૂ. 73,500 પણ આપ્યા હતા. આનાથી તબીબ દંપતીને પાકું થઈ ગયું કે તેમનું કામ થઈ જશે.
લાંબો સમય વીતી ગયા બાદ પણ નોકરી કે કોન્ટ્રાક્ટ ન મળતાં તબીબ દંપતીને શંકા ગઈ. આખરે તેમને સમજાયું કે તેઓ મોટી ઠગાઈનો ભોગ બન્યા છે. આથી, શિલ્પાબેન રાજેશભાઈ ભાખરે જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી દંપતી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓએ કુલ રૂ. 49.34 લાખની ઠગાઈ આચરી છે.
પોલીસે ગુનો નોંધીને પી.આઈ ગોહિલના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે આરોપી દંપતીએ નોકરી અને કોન્ટ્રાક્ટના નામે ભોળા લોકોને ફસાવવાનો એક સુયોજિત પ્લાન તૈયાર કર્યો હતો. પોલીસે હવે આરોપીઓની પૂછ પરછ હાથે ધરી આ પતિ પત્નીએ અગાઉ પણ આવી કોઈ છેતરપિંડી કરી છે કે નહીં તે અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.