)
Uday Ranjan, Ahmedabad : 13 માર્ચના રોજ વસ્ત્રાલ વિસ્તારને ગુંડાઓએ બાનમાં લીધો હોવાની ઘટના સામે આવી હતી, આ ઘટના પાછળ સંગ્રામ સિકરવાર જવાબદાર હોવાનું જે-તે સમયે બહાર આવ્યું હતું. ત્યારે રામોલના અપહરણ-લૂંટ કેસમાં મુખ્ય સૂત્રધાર તરીકે સંગ્રામ રાકેશસિંઘ સિકરવારનું નામ સામે આવતાની સાથે જ તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપી દેવા પોલીસ કમિશનર જી.એસ. મલિકે હુકમ કર્યો હતો.
જુલાઈ મહિનાના અંતમાં વસ્ત્રાલ મામલામાં સંડોવાયેલા ગુનેગાર પંકજ ભાવસારની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. આ કેસ સાથે સંગ્રામ સિકરવાર જોડાયેલો હોવાથી અમદાવાદ પોલીસ કમિશનરે ગુરૂવારના રોજ અપહરણ-લૂંટ કેસ પણ ક્રાઈમ બ્રાંચને સોંપ્યો હતો. આથી તપાસ અધિકારી પી આઈ શક્તિસિંહ જે. જાડેજા અને તેમની ટીમે મોડી રાતે સંગ્રામ સહિતના આરોપીઓનો રામોલ પોલીસ પાસેથી કબજો મેળવ્યો હતો.
પોલીસ આરોપીઓને લઈને જઈ રહી ત્યારે બની ઘટના
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ગુંડાતત્વોએ હોળીના દિવસે મચાવેલા આતંકની ઘટના બાદ લુખ્ખા તત્વોના ખરાબ દિવસો શરૂ થઈ ગયા હતા. બબાલના મુખ્ય આરોપી પંકજ ભાવસારની ધરપકડ બાદ પણ ફરાર રીઢા ગુનેગાર સંગ્રામ સિકરવાર રામોલ પોલીસના હાથે જમીન દલાલના અપહરણ-લૂંટ કેસમાં ઝડપાતા ક્રાઈમ બ્રાંચે તેનો કબજો મેળવ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ ગઈકાલે રાત્રે 1 વાગ્યા આસપાસ લૂંટ અને અપહરણ કેસના આરોપીઓ લઇને રામોલ પોલીસ સ્ટેશનથી નીકળ્યા હતા ત્યારે 6 આરોપીઓને અલગ અલગ રાખવામાં આવ્યા હતા.
PIની રિવોલ્વર છીનવવાના પ્રયાસમાં આરોપીને જ વાગી ગોળી
આરોપી સંગ્રામ સિકરવારને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એસ જે જાડેજાના પોલીસ વાહનમાં રાખવામાં આવ્યો હતો. જેમાં એક પીઆઇ, એક પીસાઈ અને બે કોન્સ્ટેબલ પણ હતા. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ લઇને ક્રાઇમ બ્રાન્ચ લઇ જઈ રહ્યા હતા ત્યારે આરોપી સંગ્રામ સિકરવારે પીઆઈ એસ જે જાડેજાની કમરમાં લગાડેલી લોડેડ સર્વિસ પિસ્તોલ છીનવીને પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો.
આ દરમિયાન પોલીસ અને આરોપી સંગ્રામ સિકરવાર વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં સર્વિસ પિસ્તોલમાંથી બે રાઉન્ડ ફાયરિંગ થયું હતું. જેમાંથી એક રાઉન્ડ પોલીસ વાહનના નીચે વાગી હતી અને બીજી ગોળી સંગ્રામ સિકરવારના પગમાં વાગી હતી. ત્યાર બાદ ક્રાઇમ બ્રાંચની ટીમે તેને તાત્કાલિક સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.
ત્યારે આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક અલગથી પણ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જેમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સંગ્રામ સિકરવાર ફરાર થઇને યુપી જવાની ફિરાકમાં હતો પરંતુ સફળ ના થયો. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની તપાસ બાદ જ વધુ માહિતી સામે આવશે.