હોટલમાં પ્રેમિકાની હત્યા કરી આપઘાત કરવા પહોંચ્યો હતો પ્રેમી, બ્રિજ પરથી કૂદે તે પહેલા પોલીસે ઝડપી લીધો
અમદાવાદ એરપોર્ટ નજીક એક હોટલમાં રવિવારે એક યુવતીની હત્યા કરવામાં આવી હતી. યુવતીની હત્યા કરી યુવક ફરાર થઈ ગયો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં આરોપી પ્રેમીની ધરપકડ કરી છે.
Trending Photos
ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ નજીક એક હોટલમાં પ્રેમિકાની હત્યા કેસમાં પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી છે. આરોપીએ એરપોર્ટ નજીક હોટલમાં પૈસાની લેતીદેતી બાબતે ઝઘડો થતાં પ્રેમિકાનું ગળું દબાવી હત્યા કરી હતી. પ્રેમિકાની હત્યા કરી આત્મહત્યા કરવાની ફિરાકમાં હતો ત્યારે આરોપીને પોલીસે ઝડપી લીધો છે.
હોટલમાં મળ્યો યુવતીનો મૃતદેહ
અમદાવાદ એરપોર્ટ નજીક આવેલી તંદુર હોટલમાં રવિવારે રાત્રે એક મહિલાની હત્યા કરવામાં આવી હતી. આ બોટલના રૂમ નંબર 108માં એક યુવક અને યુવતી રોકાયા હતા. આ યુવક જમવાનું લેવા જવાનું કહીને હોટલમાંથી નીકળી ગયો અને કલાકો સુધી પરત ન આવતા મેનેજરે રૂમમાં તપાસ કરી તો યુવતી મૃત હાલતમાં મળી આવી હતી.
ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
હોટલ મેનેજરે આ ઘટનાની જાણ એરપોર્ટ પોલીસને કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે રવિવારે બપોરે 12 વાગ્યાની આસપાસ નસરીન બાનુ ફિરોઝ અખ્તર અને ચિંતન વાઘેલાએ હોટલનો આ રૂમ લીધો હતો. ત્યારબાદ બપોરે 2.30 કલાક આસપાસ આરોપી ચિંતન વાઘેલા જમવાનું લઈ આવું તેમ કહી નીકળી ગયો હતો. લાંબા સમય સુધી તે પરત ન આવતા મેનેજરે રૂમમાં તપાસ કરી હતી. પોલીસે હત્યારા ચિંતન વાઘેલાની ધરપકડ આણંદના ચિખોદરા ચોકડી નજીકથી કરી હતી.
પોલીસ પૂછપરછમાં જણાવી હકીકત
અમદાવાદ ક્રાઇમ બ્રાંચ સમક્ષ આરોપી ચિંતન વાઘેલાએ કબૂલાત કરી હતી કે આજથી 2 વર્ષ પહેલા સરદાર નગર નજીક આવેલ ખાનગી કોમ્પલેક્ષમાં નસરીન બાનુ ફિરોઝ અખ્તર ટેલિકોલિંગની કંપનીમાં નોકરી હતી. ત્યારે ચિંતન વાઘેલા પણ નજીકના કોમ્પ્લેક્સમાં શેરબજારનું કામ કરતો હતો. બંને વચ્ચે પરિચય થયો હતો અને પ્રેમ થયો હતો. ત્યાર બાદ બંને એક સાથે રહેવા લાગ્યા હતા. ચિંતનવાઘેલાએ આ બે વર્ષના પ્રેમ સંબંધમાં અંદાજે 17 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હતો.
છ માસ પહેલા ચિંતન વાઘેલા બેરોજગાર થઈ ગયો હોવાથી પ્રેમિકા નસરીન બાનુ ફિરોઝ અખ્તર પાસેથી 50 હજાર રૂપિયા ઉછીના લીધા હતા. જે પૈસા નસરીન બાનુ ફિરોઝ અખ્તરે પોતાની માતાના દાગીના વેચીને પ્રેમી ચિંતન વાઘેલાને ઉછીના આપ્યા હતા. ત્યારે નસરીન બાનુ ફિરોઝ અખ્તરના પરિવાર તરફથી પૈસાની માંગણી થતી હતી. જેથી પ્રેમિકા નસરીન બાનુ ફિરોઝ અખ્તર પ્રેમી ચિંતન વાઘેલા પાસે વરંવાર પૈસાની માંગણી કરી રહી હતી. ત્યારે બંને એ રવિવારના દિવસે એરપોર્ટ નજીકની તંદુર હોટેલમાં મળવા નું નક્કી કર્યું હતું. બંને વચ્ચે 50 હાજર ની રકમને લઇને ઝગડો થયો હતો અને જેમાં મૃતક પ્રેમિકા નસરીન બાનુ ફિરોઝ અખ્તરે ચિંતન વાઘેલને માતા અને બહેનને લઇ અપશબદો આપતા ચિંતન વાઘેલાએ પ્રેમિકા નસરીન બાનુ ફિરોઝ અખ્તરનું ગાળું દબાવીને હત્યા કરી નાખી ને ફરાર થઇ ગયો હતો.
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે નસરીન બાનુ ફિરોઝ અખ્તર મૂળ ગોરખપુરની છે અને એકલી અમદાવાદમાં રહેતી હતી. આરોપી પ્રેમી ચિંતન વાઘેલા હીરાવાડી નજીક પોતાના પરિવાર સાથે રહેતો હતો અને હત્યા કર્યા બાદ રીક્ષામાં બેસી કાલુપુર ગયો ત્યાંથી હાથીજણ અને ત્યાંથી આણંદના ચિખોદરા પહોંચ્યો હતો. આરોપી ચિંતન વાઘેલા આત્મહત્યા કરવા માટેથી બ્રિજ પરથી પડતું મુકવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે જ અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો હતો. ત્યારે એક પ્રેમ સંબંધમાં પૈસાના કારણે કરુણ અંજામ આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે