)
ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદ શહેરમાં સ્પોર્ટ્સ બાઇક સહિતની હાઈ-એન્ડ મોટરસાયકલની સુવ્યવસ્થિત ચોરીમાં સંડોવાયેલ ગેંગની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરમાંથી ખાસ કરીને સ્પોર્ટ્સ બાઇક તથા હાઈ-એન્ડ મોટરસાયકલની સુવ્યવસ્થિત ચોરી કરતી એક સંગઠિત ગુનેગાર ટોળકીનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં ખુલ્યું છે કે આ આંતરરાજ્ય ગેંગ આર્થિક લાભ સાથે સાથે માનસિક આનંદ અને રોમાંચ માટે પણ ચોરીના ગુના આચરતા હતા.
કોણ કોણ આરોપીઓ છે ?
આશિષ ઉર્ફે આશુ પુત્ર લક્ષ્મણલાલજી અંગારી (મીણા)
ખેમરાજ ઉર્ફે ખેમુ પુત્ર વિશ્વરંભાઇ અંગારી (મીણા)
અમિત રાજેન્દ્ર ખારડી
અનિલ ઉર્ફે ભટર કાંતિલાલ આહરી
પોપટ હરીશભાઇ તજુભાઇ ખોખરીયા
મહેશ રમેશ અંગારી
શાલિગ્રામ શંકરભાઇ ખારડી
પ્રકાશ અમરાભાઇ આહરી
આરોપીઓ દિવસે શું કામ કરતા હતા ?
દિવસ દરમિયાન આરોપીઓ સામાન્ય મજૂર તરીકે કામ કરતા – ઈંટ-પત્થરનું કામ, મકાન બનાવવાનું કામ વગેરે. આ રોજગાર તેમને જીવન નિર્વાહ સાથે સાથે લોકો અને પોલીસની નજરમાંથી બચવા માટે થી કરતા હતા અને રાત્રે ચોરી કરતા હતા.
કેવી બાઇક ચોરી કરતા હતા ?
ફક્ત મોંઘી સ્પોર્ટ્સ બાઇક અને હાઈ-એન્ડ મોટરસાયકલ રહેણાંક સોસાયટી અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ટાર્ગેટ કરીને ચોરી કરીને મિનિટોમાં રફુચક્કર થઈ જતા હતા.
કઈ રીતે ચોરીના ગુનાને અંજામ આપતા હતા?
નક્કી કરેલ સ્થળે રાત્રે ભેગા થવું. તાળાં તોડવા માટેના સાધનો, વાયર કટરનો ઉપયોગ કરીને હોટ વાયરિંગ પદ્ધતિથી બાઇક શરૂ કરી લેતા હતા. ત્યારબાદ બાઇક લઈ નાસી જતાં હતા.
શું કામ સ્પોટ્સ બાઇકની ચોરી કરતા હતા ?
ધરપકડ કરાયેલ તમામ આરોપીઓ ની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે સ્પોર્ટ્સ બાઇક ચોરી માત્ર આર્થિક લાભ માટે નહીં પરંતુ ચોરીના આનંદ અને રોમાંચ મેળવવા માટે કરી રહ્યા હતા. સાહસ આરોપીઓ સ્પોર્ટ્સ બાઇક ચલાવવાના જબરદસ્ત શોખ હોવાથી પણ ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે.
ચોરાયેલ બાઇકનો નિકાલ કઈ રીતે કરતા હતા ?
ચોરાયેલી મોટરસાયકલ રાજસ્થાનના તેમના મૂળ ગામમાં લઇ જવામાં આવતી. ત્યાં વૈભવ શંતિલાલ નિમરાવની મદદથી બાઇકોને ખોલી નાખવી, સ્પેર પાર્ટ્સ બદલી નાખવા, તેમજ ચેસિસ અને એન્જિન નંબર ફેરફાર કરવામાં આવતા. આ રીતે મોટરસાયકલની ઓળખ ખતમ કરી નવી ઓળખ ઉભી કરવામાં આવતી જેથી તેનો ફરી ઉપયોગ અથવા ગેરકાયદે વેચાણ કરી શકાય
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગની પ્રવૃત્તિ ફક્ત આર્થિક લાભ માટે નહીં, પરંતુ પ્રતિષ્ઠિત મોટરસાયકલની ચોરીમાંથી મળતા માનસિક આનંદથી ચોરી કરતા હતા. આર્થિક લાભ અને ફિલ્મી રીતે ચોરી નો રોમાંચ મેળવવા કરતા હતા.