)
પતિ અને પત્ની વચ્ચે ઝઘડા સામાન્ય વાત છે પરંતુ હવેના સમયમાં આ નાના નાના ઝઘડા ક્યારે મોટું સ્વરૂપ ધારણ કરી લે છે તે જાણી શકાતું નથી. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો જ્યાં ઘર કંકાસમાં પતિએ આડેધડ ફાયરિંગ કરી નાખ્યું.
મળતી માહિતી મુજબ અમદાવાદના વિજય ચાર રસ્તા નજીક આવેલી સુભાષ સોસાયટીમાં પત્ની પતિ રાહુલ સાથે ઝઘડા બાદ સુભાષ સોસાયટી સ્થિત પિતાના ઘરે આવી હતી. ત્યારબાદ આજે રવિવારે બપોરના સમયમાં પતિ તેની પત્નીને મળવા માટે આવ્યો. ત્યારે કોઈ અગમ્ય કારણસર પતિ પત્ની વચ્ચે દલીલો ઉગ્ર ઝઘડામાં પરિણમી અને પતિએ ઘરની બહાર નીકળીને પોતાની પાસે રહેલી બાર બોરની બંદૂક અને રિવોલ્વરથી આડેધડ 5થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું.
ગોળી ધણધણવાનો અવાજ આવતા જ લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા અને બનાવની જાણ થતા જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ફાયરિંગ કરનાર વ્યક્તિ રાહુલ સોની હોવાનું કહેવાય છે જેની પોલીસે અટકાયત કરી અને પોલીસ સ્ટેશન લઈ જવાયો. હાલ તેની પૂછપરછ ચાલુ છે. ફાયરિંગમાં જો કે કોઈને ઈજા થઈ હોવાનું સામે આવ્યું નથી. પોલીસે લાઈસન્સવાળી બાર બોરની શોટ ગન અને વિદેશી રિવોલ્વર પણ કબજે કરી. ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્થળ પર પહોંચી અને ફાયરિંગ કરનારા રાહુલ સોનીને પકડ્યો હતો. ત્યારબાદ પોલીસે વધુ તપાસ માટે FSL ટીમને બોલાવી હતી.
(ઈનપુટ-અર્પણ કાયદાવાલા)