)
Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : અમદાવાદના રામોલમાંથી જમીન દલાલના અપહરણ અને લૂંટ કેસમાં આરોપી ભાણિયા સહિત 6 આરોપીઓની રાજસ્થાનમાંથી રામોલ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના રામોલના વસ્ત્રાલમાંથી એક જમીન દલાલનું અપહરણ કરીને લૂંટના ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો. જે અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે રામોલ પોલીસે સમગ્ર મામલે ભાણેજ સહિત છ આરોપીની ધરપકડ કરી તમામ મુદ્દામાલ કબજે કર્યો છે. જો સમગ્ર બનાવની વાત કરવીએ તો, ભાણાએ મામાના અપહરણ અને લૂંટના પ્લાન માટે ઈનોવા લીધી અને ગુનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મામાનું અપહરણ કરીને સોના ચાંદીના દાગીના સહિત કુલ 53 લાખ લૂંટી લેનાર ભાણો જ હતો.
વટવામાં રહેતા અને જમીન દલાલીનું કામકાજ કરતા શખ્સનું અપહરણ કરીને રોકડા રૂપિયા અને સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂ.53 લાખની લૂંટ ચલાવીને મામાનું અપહરણ કરનારા ભાણેજ સહિત 6 આરોપીને રામોલ પોલીસે રાજસ્થાન પોલીસની મદદ લઈને ઝડપી પાડ્યો છે. તમામ 6 આરોપી ઓને રાજસ્થાનના કોટા શહેરમાંથી ઝડપી લેવાયા છે. તેમજ લૂંટમાં ગયેલા ૧૦૦ ટકા મુદામાલ રીકવર કરીને અપહરણ વિથ લૂંટના ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે.
ભાણિયાને મામાના રૂપિયાની જાણ થઈ હતી
જમીન દલાલ મામા પાસે અઢળક રૂપિયા આવ્યા હોવાની જાણકારી મળતા ભાણા રિશીએ તેના મિત્રો સાથે મળીને જમીન દલાલીનું કામકાજ કરતા મામાનું અપહરણ કરવા માટેની સોપારી વસ્ત્રાલના રીઢા ગુનેગાર સંગ્રામસિંગ સીકરવારને આપી હતી. સંગ્રામસિંગ લૂંટ વિથ અપહરણનો પ્લાન ઘડી નાખ્યો હતો. ગુનાને અંજામ આપવા માટે થઈને આરોપીઓએ ભાડેથી ઇનોવા ગાડી ખરીદી અને બાદમાં જમીન દલાલનું રામોલથી અપહરણ કરીને નાના ચિલોડા ખાતે લાવ્યા હતા. ત્યારબાદ ઘરે ફોન કરાવીને રોકડા રૂપિયા 26 લાખ અને 25 લાખના દાગીના મંગાવ્યા હતા. અને દોઢ કિલો ચાંદી આવી ગયા બાદ આરોપીઓએ જમીન દલાલને છોડી મુક્યો હતો.
આ અંગે 112 ઈમરજન્સીમાં ફોન કરતા રામોલ પોલીસ એક્ટિવ થઇ અને ફરિયાદ નોંધીને જુદી-જુદી ટીમો તપાસ અર્થે રવાના કરવામાં આવી હતી. અપહરણકર્તાઓની ચુંગલમાંથી છુટેલા જમીન દલાલે ગાડીનો નંબર પોલીસને આપ્યો હતો. તેના આધારે તપાસ કરતા પોલીસ ગાડીના માલિક સુધી પહોંચી, તો જાણવા મળ્યું કે ગાડી તો ભાડેથી આપવામાં આવી છે. બાદમાં પોલીસે ગાડી માલિક પાસેથી ગાડી ભાડે લેનારની વિગતો મેળવીને ટેકનીકલ સર્વેલન્સ અને લોકેશન જોતા રાજસ્થાનના કોટા શહેરનું આવ્યું હતું.
ત્યારે રામોલ પોલીસે તાત્કાલિક ગાડીના નંબર સહિતની વિગતો રાજસ્થાન પોલીસને આપી અને એક ટીમને રાજસ્થાન રવાના કરવામાં આવી અને લૂંટ વિથ અપહરણના ગુનામાં સંડોવાયેલા 6 આરોપીને ઝડપી લેવાયા છે. ઝડપાયેલા આરોપી ઓની મુદ્દામાલ અંગે પૂછપરછ કરતા હકીકત જાણવા મળી કે રિશી નામના આરોપી પાસે તમામ મુદ્દામાલ પડયો છે. રામોલ પોલીસની બીજી ટીમે આરોપી રિશીને ઝડપી લીધો અને તેની પાસેથી લૂંટી લેવાયેલા રોકડા રૂપિયા 26 લાખ, 25 લાખ રૂપિયાના સોનાના દાગીના તથા દોઢ કિલો ચાંદી તેની આશરે કિંમત રૂ.1.50 લાખ આંકવામાં આવી રહી છે. આ તમામ મુદ્દામાલ રામોલ પોલીસે કબજે કરીને સંગ્રામ સીકરવાર, શિવમ ઉર્ફે કાકુ, સુરજ ચૌહાણ, સેજુ, અમન ભદોરિયા અને રિશી કે જે ફરિયાદોનો ભાણો થાય છે આ તમામ 6 આરોપી ઓને પોલીસે ધરપકડ કરી છે.
આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, રિશી એ ફરિયાદીનો કૌટુંબિક ભાણો છે, જેના કારણે તેણે તેના મિત્ર સંગ્રામ સીકરવારને ટીપ આપી હતી અને ટીપ લીધા બાદ કુખ્યાત સંગ્રામ સીકરવાર ચાર દિવસ પહેલા જ અમદાવાદમાં આવી ગયો હતો અને લૂંટ અને અપહરણના ગુનાને અંજામ આપવા માટે ખાસ આવ્યો હતો. કેમ કે ધુળેટીના દિવસે રામોલમાં અસામાજિક તત્વોનો જે આતંકનો મામલો થયો હતો, તેમાં પણ સંગ્રામ સીકરવારની સંડોવણી હતી. ત્યાર બાદથી તે અમદાવાદ આવતો ના હતો.
સાથે જ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 6 આરોપીઓ પૈકીના કેટલાક આરોપીઓ સામે 10 થી વધુ ગુના પણ નોંધાઈ ચુક્યા છે, ત્યારે આરોપીના રિમાન્ડ મેળવીને રામોલ પોલીસે વધુ તપાસ શરુ કરી છે.