પૈસાદાર પરિવારની મહિલાએ દુકાનમાંથી ચોર્યું મોંઘુદાટ પાટણનું પટોળું, CCTV થી ફૂટ્યો ભાંડો

Patola Chori Crime : અમદાવાદની કાપડની દુકાનમાંથી પટોળાની ચોરીનો ભેદ ઉકેલાયો... સીસીટીવી તપાસના આધારે પોલીસ મહિલા ચોરના ઘરે પહોંચી 

પૈસાદાર પરિવારની મહિલાએ દુકાનમાંથી ચોર્યું મોંઘુદાટ પાટણનું પટોળું, CCTV થી ફૂટ્યો ભાંડો

Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : વિશ્વ પ્રખ્યાત પાટણના પટોળા તરફનું આકર્ષણ એ એક મહિલાને જેલ સુધી પહોંચાડી છે. સાયન્સ સિટી વિસ્તારમાં કાપડના શોરૂમના ઉદ્ઘાટનના દિવસે એક મહિલા ખરીદી કરવા માટે ગઇ હતી. જો કે પ્રથમ નજર એ જ આ ચોર મહિલાને બે પટોળા પસંદ આવ્યા હતા. પરંતુ તેની પૈસા રોકડા ન હોવા ના કારણે પટોળા તરફનું આકર્ષણ આ મહિલાને રોકી શક્યું નહીં અને મહીલાએ કાંઇ જ વિચાર્યા વગર નજર ચુકવી બે પટોળા સેરવી લીધા. શોરૂમના માલિકને જાણ થતાં જ તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.જ્યારે સોલા પોલીસે સીસીટીવીના આધારે ધનિક પરિવારની મહીલા ચોરની ધરપકડ કરી છે.

જ્યારે જ્યારે ઐતિહાસિક નગર એવા પાટણની વાત આવે ત્યારે પાટણના પટોળાનો ઉલ્લેખ પણ થતો હોય છે અને આ પાટણના પટોળા પણ અનેક વખત ફિલ્મ કે ફિલમના ગીતમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આવા જ પાટણના પટોળાની ચોરીની ઘટના સામે આવી છે. અમદાવાદની સારા ઘરની મહિલાએ દુકાનમાં બધાની નજર ચૂકવીને બે પટોળા ચોરી હતી. આ ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. 

જ્યારે પણ મહિલાઓ સામે પાટણના પટોળાનું નામ આવે ત્યારે મહિલાઓના નજર સમક્ષ પટોળું ફરવા લાગે છે. પાટણના પટોળા તરફ મહિલાઓનું ખાસ આકર્ષણ હોય છે. બજારમાં પણ લાખ્ખો રૂપિયાની કિંમતના પટોળા મળે છે. જે સામાન્ય વર્ગ માટે ખરીદવું પરવડે તેમ નથી. ત્યારે સાયન્સ સીટી રોડ પર આવેલા આ શો રૂમમાંથી નજર ચૂકવી મહિલાએ બે પટોળાની ચોરી કરી છે. જો કે સીસીટીવી કેમેરામાં કેદ થયેલ મહિલાની ચોરીની કરતુતનો પર્દાફાશ થયો છે અને સીસીટીવીના આધારે સોલા પોલીસે પટોળા મહિલા ચોરની ધરપકડ કરીને બે પટોળા કબ્જે કર્યા છે. 

આ વિશે વધુ માહિતી આપતા એ ડિવિઝનના એસીપી જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, 23 મી માર્ચના દિવસે સાયન્સ સીટી વિસ્તારમાં આવેલ વ્રજ વેલેંટીયામાં ધ્યાન ક્રિએશન નામના શો રૂમનું ઉદઘાટન રાખેલ હતું. જેમાં અનેક આમંત્રિત મહેમાનો આવ્યા હતા. જો કે શો રૂમના બિલિંગ કાઉન્ટરની પાસે દુકાનદારે રૂપિયા 90 હજારની કિંમતનું પાટણનું પટોળું અને 30 હજારની કિંમતનું રાજકોટનું પટોળું શો પીસમાં મુક્યા હતા. બપોરે 2 વાગ્યાની આસપાસ આ બંન્ને પટોળા ગાયબ હોવાની જાણ તેમને થઈ હતી. તેથી શો રૂમના માલિકે  સીસીટીવી તપાસ્યા હતા. જેમાં એક એક્ટિવા ચાલક મહિલા શો રૂમમાં આવીને સાડી જોવાની આડમાં નજર ચુકવીને પટોળા સેરવી લેતા જોવા મળી હતી. તેથી દુકાન માલિકે આ બાબતની જાણ સોલા પોલીસને કરી હતી અને સોલા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ મહિલાની ઓળખ મેળવી હતી. જેમાં તેનું નામ અને સરનામું મળી આવ્યું હતું. ત્યારે સોલા પોલીસે મહિલા ચોરના ઘરે જઈને મહિલાની ધરપકડ કરીને બે પટોળા કબ્જે કર્યા છે. 

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મહિલા પોશ ગણાતા એવા ઘાટલોડિયાના સુરધારા સર્કલ નજીક રહે છે. બનાવના દિવસે મહિલા ખરીદી કરવા માટે ગઇ હતી. જો કે તેને આ બંન્ને પટોળા ખુબ જ ગમી ગયા હતા. પરંતુ તેની કિંમત જોતા વધારે લાગી હતી. તેથી તેમણે શો રૂમના માલિકની નજર ચુકવીને બંન્ને પટોળા સેરવી લીધા હતા. ત્યારે સોલા પોલીસે આ મહિલા ચોરનો ભૂતકાળ પણ તપાસવાની શરૂઆત કરી છે કે ભૂતકાળમાં પણ આવા પ્રકારની કોઈ ચોરીના બનાવને અંજામ આપ્યો છે કે કેમ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news