100 મોબાઈલ ફોન ખોલશે પ્લેન ક્રેશના રાજ, 231ના DNA મેચ પણ આ છે ખરાબ સમાચાર

Ahmedabad Plane Crash : અમદાવાદના પોલીસ કમિશનરનું કહેવું છે કે અકસ્માત સ્થળેથી 318 શરીરના ભાગો મળી આવ્યા છે. કાટમાળમાંથી લગભગ 100 મોબાઇલ ફોન પણ મળી આવ્યા છે. બધી બાબતોની તપાસ કરવામાં આવી રહી છે અને 2-3 દિવસમાં સાચો મૃત્યુઆંક બહાર આવી શકે છે.

100 મોબાઈલ ફોન ખોલશે પ્લેન ક્રેશના રાજ,  231ના DNA મેચ પણ આ છે ખરાબ સમાચાર

Ahmedabad Plane Crash : ગુજરાતના અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધી શકે છે. વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા અને ફક્ત એક જ મુસાફર બચી ગયો હતો. આવી સ્થિતિમાં, ઘટનાના દિવસે જ 241 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જે ઇમારત સાથે વિમાન અથડાયું હતું ત્યાં ઘણા લોકો હાજર હતા, જેમણે પોતાના જીવ ગુમાવ્યા છે. આ જ કારણ છે કે મૃત્યુઆંક વધ્યો છે. અમદાવાદના પોલીસ કમિશનરે કહ્યું છે કે 318 શરીરના ભાગો મળી આવ્યા છે. આવી સ્થિતિમાં, મૃત્યુઆંક પણ 300 ને પાર કરી શકે છે.

અમદાવાદ પોલીસ કમિશનરનું નિવેદન
અમદાવાદ પોલીસ કમિશનરે કહ્યું, "વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંકનો ચોક્કસ આંકડો 2-3 દિવસમાં જાણી શકાશે. તપાસ એજન્સીઓને અકસ્માત સ્થળેથી 318 શરીરના ભાગો મળી આવ્યા છે. આ ઉપરાંત, કાટમાળમાંથી લગભગ 100 મોબાઇલ ફોન મળી આવ્યા છે, જેની તપાસ ચાલી રહી છે. તપાસની શરૂઆતમાં ક્રેશ સ્થળ પર બધા ભાગો અને કાટમાળ ગોઠવીને સમગ્ર ઘટનાને ફરીથી રિક્રીએટ આવશે. બોઇંગ નિષ્ણાતોની મદદ પણ લેવામાં આવી રહી છે."

અત્યાર સુધીમાં કુલ 231 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે. જેમાંથી 210 મૃતદેહ પરિવારજનોને સોંપાયા છે. 10 પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે, 3 એર ક્લિયરન્સમાં હોવાથી ટૂંક સમયમાં પરિવારોને સોંપાશે, 8 પરિવારો બીજા સ્વજનના ડીએનએ મેચની રાહ જોઈ રહ્યાં છે. 210 મૃતકોમાં 155 ભારતના નાગરિક, 7 પોર્ટુગલના, 36 બ્રિટિશ નાગરિક, એક કેનેડિયન તેમજ 11 નોન પેસેન્જરનો સમાવેશ થાય છે.  

મીડિયા બ્રીફિંગમાં વધુ વિગતો આપતા ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, અત્યારસુધી  ઉદયપુર 7,  વડોદરા 21, ખેડા 11, અમદાવાદ 60, મહેસાણા 6, બોટાદ 1,  જોધપુર 1, અરવલ્લી 2, આણંદ 23, ભરૂચ 7, સુરત 11, પાલનપુર 1,  ગાંધીનગર 6,  મહારાષ્ટ્ર 2,  દીવ 14, જુનાગઢ 1, અમરેલી 2, ગીર સોમનાથ 5, મહીસાગર 1, ભાવનગર 1, લંડન 3, પટના 1, રાજકોટ 3, રાજસ્થાન 1,  મુંબઈ 9, નડિયાદ 1, જામનગર 2, પાટણ 2, દ્વારકા 2 તેમજ સાબરકાંઠાના 1, નાગાલેન્ડ 1, મોડાસા 1ના પાર્થિવ દેહો સ્વજનોને સોંપવામાં આવ્યા છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. પરિવારજનોને તેમના સ્વજનોના પાર્થિવ દેહો ઝડપથી સોંપવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલ અન્ય સંસ્થાઓ, સ્થાનિક વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકારના આરોગ્ય અને અન્ય વિભાગો તથા વિવિધ એજન્સી ખડેપગે કામગીરી કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news