)
Ahmedabad News : વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં DNA ટેસ્ટથી ૨૫૪ અને ચહેરાથી ૬ એમ કુલ ૨૬૦ મૃતકોની ઓળખ થઇ ચુકી છે, જે તમામ પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા છે. પરંતુ વિમાનના કાટમાળમાંથી બાદમા પણ કેટલાક માનવ અંગો મળી આવ્યા હતા. ત્યારે આજે તમામની અંતિમ ક્રિયા કરવામાં આવશે.
અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ મૃતકોના અવશેષો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. આ માટે સિવિલ હોસ્પિટલમાં મોટાપાયે DNA મેચ કરવાની કામગીરી કરાઈ હતી. આ વિશે હોસ્પિટલના તંત્ર દ્વારા પરિવારજનોને જાણ કરાઈ હતી. જેથી તેમના પરિવારજનોએ તેમના અંતિમ ક્રિયા કરવાની પરવાનગી આપી હતી. જેથી આજે સિવિલ હોસ્પિટલ દ્વારા અલગ અલગ ધર્મના 17 લોકોના અવશેષોની અંતિમ ક્રિયા તેમની ધાર્મિક વિધિ મુજબ કરવામાં આવશે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, તારીખ 12 જુન 2025 ના રોજ અમદાવાદમાં બનેલ વિમાન દુર્ઘટના તમામ પેસેન્જર અને ક્રૂ મેમ્બરના ડીએનએ મેચ થઈ ગયા છે અને આ તમામ 241 મૃતકોના પાર્થિવ દેહ સન્માનપૂર્વક તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.
મંત્રીએ આ સમગ્ર ઘટના બાદની કામગીરી અને સુપેરે વ્યવસ્થાપન કરનાર આરોગ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓ,FSL, AMCની ટીમ , સ્વયં સેવકો સહિતના તમામ લોકોનો આભાર માન્યો હતો. આ તમામ વિભાગોના સંકલનના પગલે ડીએનએ મેચ અને પાર્થિવ દેહ સોંપણીની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ ઝડપી થઈ શકી છે તેમ મંત્રીએ જણાવીને આ તમામ લોકોને અભિનંદન પણ પાઠવ્યા હતા.
વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ઓળખાયેલા ૨૬૦ મૃતકોમાં ૧૮૧ ભારતના નાગરિક, ૭ પોર્ટુગલના, ૫૨(બાવન) બ્રિટિશ નાગરિક, એક કેનેડિયન તેમજ ૧૯ નોન પેસેન્જરનો સમાવેશ થાય છે. 206 પાર્થિવ દેહમાંથી 31 હવાઇ માર્ગે (બાય એર) અને ૨૨૯ રોડ માર્ગે (બાય રોડ) મોકલવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યું કે, ૨૫૪ મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, જેમાંથી ૨૪૧ પેસેન્જર અને ૧૩ નોન પેસેન્જર છે. કુલ ૧૯ નોન પેસેન્જરના પાર્થિવ દેહ સોંપાયા જેમાં ૧૩ની ઓળખ DNA રિપોર્ટથી અને ૬ ની ઓળખ ચેહેરાથી કરાઈ છે.
સ્વજનોને સોંપવામાં આવેલા પાર્થિવ દેહોની વિગતો જોઇએ તો, ઉદયપુર ૭, વડોદરા ૨૪, ખેડા ૧૧, અમદાવાદ ૭૩, મહેસાણા ૭, બોટાદ ૧, જોધપુર ૧, અરવલ્લી ૨, આણંદ ૨૯, ભરૂચ ૭, સુરત ૧૨, પાલનપુર ૧, ગાંધીનગર ૭, મહારાષ્ટ્ર ૧૩, દીવ ૧૪, જુનાગઢ ૧, અમરેલી ૨, ગીર સોમનાથ ૫, મહીસાગર ૧, ભાવનગર ૩, લંડન ૧૩, પટના ૧, રાજકોટ ૩, રાજસ્થાન ૨, નડિયાદ ૧, બનાસકાંઠા ૨, જામનગર ૨, પાટણ ૪, દ્વારકા ૨ તેમજ સાબરકાંઠાના ૧, નાગાલેન્ડ ૧, મોડાસા ૧, કચ્છ ૧, ખંભાત ૨, મણિપુર ૧, કેરળ ૧ અને મધ્યપ્રદેશના ૧ એમ કૂલ ૨૬૦ પાર્થિવ દેહો સ્વજનોને સોંપવામાં આવ્યા હતા.