Vijay rupani death : મ્યાનમારમાં જન્મેલા વિજય રૂપાણી 5 વર્ષ સુધી રહ્યા ગુજરાતના CM, આવી રહી તેમની રાજકીય સફર
Ahmedabad Plane Crash : અમદાવાદ એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં 200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભા સભ્ય વિજય રૂપાણી પણ વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા.
Trending Photos
Ahmedabad Plane Crash : ગુરુવારે અમદાવાદમાં એક ભયાનક વિમાન અકસ્માત થયો. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથકથી થોડે દૂર એર ઈન્ડિયાનું એક પેસેન્જર વિમાન ક્રેશ થયું. મળતી માહિતી મુજબ, વિમાન ઉડાન ભર્યાના થોડા સમય પછી આ અકસ્માત થયો. એર ઈન્ડિયાનું આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. આ વિમાનમાં ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 242 મુસાફરો હતા.
તો ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વિમાનમાં સવાર હતા. આ ઘટનામાં તેમનું પણ દુઃખદ અવસાન થયું. કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે આ વાતની પુષ્ટિ કરી છે. વિજય રૂપાણીએ ઓગસ્ટ 2016થી સપ્ટેમ્બર 2021 સુધી ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. ભારતીય રાજકારણમાં તેમની પોતાની અલગ ઓળખ રહી છે. ત્યારે આ લેખમાં વિજય રૂપાણીની રાજકીય સફર વિશે જાણીશું.
વિજય રૂપાણીનું બાળપણ
વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956ના રોજ મ્યાનમાર (તે સમયે બર્મા)ની રાજધાની રંગૂનમાં થયો હતો. એવું કહેવાય છે કે 1960માં તેમના પિતા રાજકોટ પાછા ફર્યા હતા. રૂપાણી જૈન વાણિયા સમુદાયના છે. તેમના પિતા એક ઉદ્યોગપતિ હતા. ગુજરાતમાં આવ્યા પછી, તેમનો અભ્યાસ અહીંથી શરૂ થયો. વિદ્યાર્થી જીવનમાં ABVPમાં જોડાયા.
રાજકીય સફર
એવું કહેવાય છે કે વિજય રૂપાણી તેમના વિદ્યાર્થી જીવન દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (AVBP)માં જોડાયા હતા. અહીંથી જ તેમણે વિદ્યાર્થી કાર્યકર્તા તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. 1971માં તેઓ જન સંઘમાં જોડાયા અને શરૂઆતથી જ ભાજપમાં રહ્યા.
તમને જણાવી દઈએ કે વિજય રૂપાણી એવા ખરા નેતાઓમાં જાણીતા છે જેઓ શરૂઆતથી જ કોઈ પક્ષમાં જોડાયા અને ક્યારેય પોતાની વિચારધારા બદલી નહીં. એવું કહેવાય છે કે રૂપાણી વિદ્યાર્થી જીવનથી જ જન સંઘ તરફ ઝુકાવ ધરાવતા હતા. બાદમાં વિજય રૂપાણી ધારાસભ્ય બન્યા, રાજ્યમાં મંત્રી રહ્યા, રાજ્યસભાના સાંસદ રહ્યા. ત્યારબાદ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ કાર્યભાર સંભાળ્યો.
પહેલી વાર ક્યારે ધારાસભ્ય બન્યા ?
તમને જણાવી દઈએ કે વર્ષ 2014માં તેમણે પહેલી વાર વિધાનસભા ચૂંટણી જીતી હતી. તમને જણાવી દઈએ કે રાજ્યપાલ બન્યા પછી વજુભાઈ વાળાએ પોતાની બેઠક છોડી દીધી હતી અને ત્યારબાદ પેટાચૂંટણી યોજાઈ હતી. આ પેટાચૂંટણીમાં ભાજપે રૂપાણીને ઉમેદવાર બનાવ્યા હતા. વિજય રૂપાણીએ તે પેટાચૂંટણી જીતી હતી. તેઓ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ગુજરાતના રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય હતા.
બાદમાં, જ્યારે નવેમ્બર 2014માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તેમના મંત્રીમંડળનો વિસ્તાર કર્યો, ત્યારે રૂપાણીને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું. તેમને પરિવહન, પાણી પુરવઠા, શ્રમ અને રોજગાર મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી. તો વિજય રૂપાણી ફેબ્રુઆરી 2016 થી ઓગસ્ટ 2016 સુધી ભાજપના પ્રદેશ પ્રમુખ પણ રહ્યા. બાદમાં 7 ઓગસ્ટ 2016ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને 2021 સુધી મુખ્યમંત્રી રહ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે