)
અમદાવાદઃ અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થી દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યાનો મામલો દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે. આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચમાં સોંપવામાં આવી છે. બીજીતરફ શાળામાં જે બાળકો અભ્યાસ કરે છે તેના વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. આ ઘટના બાદ શાળા સંચાલકોની મુશ્કેલીમાં પણ વધારો થઈ શકે છે.
ધોરણ 8ના વિદ્યાર્થીએ કરી હત્યા
સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10મા અભ્યાસ કરતા વિદ્યાર્થીની ધારદાર હથિયારથી હત્યા કરી હતી. બંને વિદ્યાર્થીઓ વચ્ચે ઘણા સમયથી માથાકૂટ ચાલી રહી હતી. ત્યારબાદ ધોરણ 8ના વિદ્યાર્થીએ હત્યા કરી હતી. આ ઘટના બાદ શાળામાં લોકો દ્વારા જોરદાર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. હવે માહિતી સામે આવી રહી છે કે શાળાના સંચાલકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.
અમદાવાદ કોર્પોરેશને તપાસ શરૂ કરી
અમદાવાદ કોર્પોરેશને શાળાના દસ્તાવેજની ચકાસણી કરવાની કામગીરી શરૂ કરી છે. સેવન્થ ડે સ્કૂલને આ જગ્યા 99 વર્ષના ભાડપટ્ટા પર આપવામાં આવી છે. 10465 ચોરસમીટર ક્ષેત્રફળમાં આ શાળા ફેલાયેલી છે. વર્ષ 2001મા સ્ટેન્ડિંગ કમિટીમાં આ માટે ઠરાવ કરવામાં આવ્યો હતો. શાળાના સંચાલકોએ ડિપોઝિટ પેટે 20 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. 12 ઓક્ટોબર 2001ના શાળા સંચાલકોને કબજો સોંપવામાં આવ્યો હતો.
વિજ્યાર્થીના મોત બાદ હવે એએમસી શાળામાં પરવાનગી વગર કોઈ દબાણ કરાયા છે કે નહીં તેની તપાસ કરશે. આ સિવાય શાળામાં શેડ, ભોંયરૂ, ધાબા સહિત અન્ય તપાસ કરવામાં આવશે. જો કંઈ ગેરકાયદેસર હશે તો શાળા પર બુલડોઝર ફરી શકે છે.
વિદ્યાર્થીના મોતની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. આ વચ્ચે ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે મહત્વની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે પહેલા ખોખરા પોલીસ અને કેસ ગંભીર હોવાને કારણે તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામં આવી છે. આ તપાસમાં કાળજી રાખવાની હોવાથી ઈલેક્ટ્રોનિક પૂરાવા એકત્ર કરવામાં આવ્યા છે. ભરત પટેલે કહ્યુ કે મૃતક વિદ્યાર્થી દ્વારા પોલીસ કે અન્ય કોઈને જાણ કરવામાં વિલંબ કર્યો છે, જેનો એક અલગ ગુનો નોંધ્યો છે.
ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે કહ્યુ કે આ ઘટના અંદાજે બપોરે 12.30 કલાકથી 12.45 કલાક વચ્ચે બની છે. પ્રથમ જાણ એલજી હોસ્પિટલને કરવામાં આવી હતી, જેમાં 50 મિનિટનો સમય ગયો હતો. આ માટે 211, 239 કલમ હેઠળ ગુનો નોંધાયો છે. શાળાના પ્રિન્સિપાલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જો તપાસમાં તેમની કોઈ સંડોવણી સામે આવશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
ભરત પટેલે કહ્યુ કે મૃતક અને આરોપી વચ્ચે છેલ્લા ઘણા સમયથી માથાકૂટ ચાલી રહી હતી. મૃતક નયમ ઈજાગ્રસ્ત થયા બાદ શાળા પરિસરમાં બેઠો હતો ત્યારે સિક્યોરિટી ગાર્ડે પૂછ્યું હતું અને જાણ થઈ હતી. નાના-મોટા જગડા થયા તે મુખ્ય કારણ હતું. આરોપી હત્યા કર્યા બાદ સ્કૂલ વાનમાં ઘરો ગયો અને પછી ટ્યુશનમાં ગયો હતો. તેમણે કહ્યું કે તપાસમાં કોઈ કચાસ ન રહી જાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.