)
ઉદય રંજન/અમદાવાદ: જગતપુર વિસ્તારમાં પાન પાર્લર પર દંપતિ સિગારેટ લેવા ઉભુ રહ્યુ હતું ત્યારે યુવતીનો પુર્વ પ્રેમી ગાડીમાં ઘુસી ગયો હતો. બાદમાં તેણે પુર્વ પ્રેમિકા સામે જ તેના પતિ પર છરી વડે હુમલો કરીને આડેધડ ઘા ઝીંકી દીધા હતા. જે મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પૂર્વ પ્રેમી સાથે મિલકતને લઈ વિવાદમાં હુમલો થયો હોવાનું હાલ સામે આવી રહ્યુ છે.
પોલીસ ગિરફતમાં આવેલ આરોપીનું નામ સુભાષ પટેલ છે. સુભાષ પટેલ ઉપર આરોપ છે કે તેને તેની પૂર્વ પ્રેમિકાના પતિ ઉપર છરી વડે હુમલો કર્યો. આરોપ એવો પણ છે કે તેને પૂર્વ પ્રેમિકા ઉપર પણ હુમલો કરવાની કોશિશ કરી જોકે પતિને ઇજા થઈ હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ગત શનિવારે પતિ પત્ની ઘરે હાજર હતા ત્યારે બિલ્ડર કશ્યપ પટેલનો ફોન આવ્યો હતો. સાથોસાથ પૂર્વ પ્રેમી ઉપર પણ બિલ્ડરનો ફોન આવ્યો હતો કારણ કે આરોપીએ 18 લાખ રૂપિયા આપીને જગતપુર પાસે ફ્લેટ બુક કરાવેલ હતો. બિલ્ડરને મળ્યા બાદ બન્ને વચ્ચે કોઈ વિવાદ થયો અને જેને લઈ આરોપીએ પૂર્વ પ્રેમિકાના પતિ ઉપર હુમલો કર્યો હતો.
મળતી માહિતી પ્રમાણે આરોપી અને ફરિયાદી યુવતી 6 વર્ષથી એક બીજાને ઓળખે છે. આરોપીનો બેટરીનો વ્યવસાય હતો ત્યાં યુવતી નોકરી કરતી હતી. જોકે કોરોના સમયથી આરોપી સાબરકાંઠા રહેવા જતો રહ્યો હતો. આરોપીએ અને યુવતીએ એક ફ્લેટ બુક કરાવેલ અને જ્યાં હાલ યુવતીની માતા રહેતી હોવાનું સામે આવ્યું છે અને યુવતીએ ગત મહિને લગ્ન કરી લીધેલ જેને લઇ વિવાદ ઉભો થયો છે.
નોંધનીય છે કે આરોપી સુભાષ પટેલ અને ફરિયાદી યુવતી 2 મહિના પહેલા દારૂના કેસમાં ચાંદખેડામાં પકડાઈ ગયા હતા અને બન્ને ને પાસા પણ થઈ હતી. સવાલ એ ઉભો થયો છે કે ખરેખર હવે આ હુમલા પાછળનું કારણ છે? શું પ્રેમિકા લગ્ન કરી લીધા તેનું કારણ છે કે પછી મિલકતનું કારણ છે? હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.