)
Ahmedabad School Student Murder: અમદાવાદમાં દસમા ધોરણના વિદ્યાર્થીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. ગુસ્સે ભરાયેલા પરિવારના સભ્યોએ શાળામાં તોડફોડ કરી હતી. મંગળવારે વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં આજે તેનું મૃત્યુ થયું હતું.
આ ઘટના અમદાવાદના ખોખરામાં એક ખાનગી શાળામાં બની હતી. અહીં, મંગળવારે આઠમા ધોરણના વિદ્યાર્થીએ દસમા ધોરણના 15 વર્ષીય નયન પર છરી વડે હુમલો કર્યો હતો. નયનને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન નયનનું મોત થયા બાદ માતા-પિતા ગુસ્સે ભરાયા છે. મૃતક વિદ્યાર્થી સિંધી સમુદાયનો હતો, જ્યારે આરોપી વિદ્યાર્થી મુસ્લિમ હતો, જેના કારણે સાંપ્રદાયિક તણાવ ફેલાયો છે. ગુસ્સે ભરાયેલા ટોળાએ બુધવારે શાળામાં તોડફોડ કરી હતી. શાળાની મિલકતનો નાશ કરવામાં આવ્યો હતો અને બસો પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
આજે સવારથી જ સિંધી સમુદાયના લોકો મોટી સંખ્યામાં શાળામાં પહોંચી ગયા હતા. વિદ્યાર્થીના મૃત્યુથી રોષે ભરાયેલા વાલીઓ, હિન્દુ સંગઠનો અને ABVPના કાર્યકરોએ શાળામાં તોડફોડ કરી હતી. શાળાના કર્મચારીઓને પણ માર મારવામાં આવ્યો હતો. વાલીઓમાં ફેલાયેલા ગુસ્સાને ધ્યાનમાં રાખીને, શાળામાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે નયન પર હુમલો કરનાર નવમા ધોરણના વિદ્યાર્થીની અટકાયત કરી છે. પોલીસ કિશોર કાયદા હેઠળ કાર્યવાહી કરી રહી છે. આરોપી વિદ્યાર્થી ઉપરાંત, વાલીઓએ શાળાના આચાર્ય અને મેનેજમેન્ટ સામે ફરિયાદ નોંધાવવાની માંગ કરી છે.
આરોપી વિદ્યાર્થી મુસ્લિમ સમુદાયનો હોવાનું કહેવાય છે. વિરોધ કરી રહેલા એક વાલીએ જણાવ્યું કે બે વિદ્યાર્થીઓ વચ્ચે નોન-વેજને લઈને ઝઘડો થયો હતો. વિદ્યાર્થીના મૃત્યુ બાદ સિંધી સમુદાય, વાલીઓ, હિન્દુ સંગઠનો અને એબીવીપી શાળામાં પહોંચી ગયા હતા અને તોડફોડ કરી હતી. જેસીપી, ડીસીપી સહિતના પોલીસ અધિકારીઓ સ્થળ પર હાજર છે છતાં લોકોનો ગુસ્સો શાંત થઈ રહ્યો નથી.
સેક્ટર 2 જેસીપી જયપાલસિંહ રાઠોડએ જણાવ્યું હતું કે ખોખરા વિસ્તારમાં આવેલી સેવનથ ડે સ્કૂલ ખાતે વિદ્યાર્થી પર થયેલા હુમલાની ઘટનામાં સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મૃત્યુ થયું જેને લઈને મુખ્ય આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલી છે. આરોપીઓ વિરુદ્ધ ગુનો પણ દાખલ કરી દેવામાં આવ્યો છે. સિંધી સમાજના લોકો અને અન્ય લોકોની ભીડ એકત્રિત થઈ છે અને પોલીસ પણ હાલ ઘટના સ્થળે હાજર છે.
ઘટના સ્થળ પર હાજર સિંધી સમાજના લોકોને સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તેઓની માંગ છે કે જે પણ આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવે અને તેમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આગેવાનોને સમજાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે સ્કૂલને બંધ કરવામાં આવે જે શિક્ષણ વિભાગનો વિષય છે તેઓના અમે જાણ કરી છે કે જે પણ પ્રશ્ન હોય તે લેખિતમાં આપો જે તે વિભાગના અધિકારીઓને જાણ કરીને આગળની સંબંધિત કાર્યવાહી કરવામાં આવશે. મુસ્લીમ સમાજ ના બાળકો ને ન ભણવા ની માંગ ઊભી થઈ છે.
મણીનગરના ભાજપના ધારાસભ્ય અમુલ પટેલ જણાવ્યું હતું કે હું બે હાથ જોડીને લોકોને વિનંતી કરું છું કે ધીમે ધીમે અહીંયાથી લોકો વિખેરાઈ જાઓ અમે રાજ્ય સરકારમાં તમારી જે પણ રજૂઆત હશે તે તમામ રજૂઆત કરીશું અને અત્યારે હાલમાં પણ અમે રજૂઆત કરી દીધી છે. મૃતક દીકરાની અંતિમયાત્રા નીકળવાની બાકી છે જેથી તમામ લોકોને હું વિનંતી કરું છું કે અંતિમયાત્રામાં જોડાઈએ. વાલીઓની જે કોઈપણ રજૂઆત હશે તેને અમે રાજ્ય સરકારમાં કરીશું. ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમે તમારી વચ્ચે અહીંયા જ છીએ અને અમે અહીંયા જ હાજર રહીશું જ્યાં પણ તમને જરૂર હશે ત્યાં અમે હાજર રહેવા તૈયાર છીએ અત્યારે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે તમામ લોકો ધીમે ધીમે અહીંયા થી વિખેરાઈ જાય અને મૃતક દિકરાની અંતિમયાત્રામાં જોડાય.