)
Ahmedabad News : અમદાવાદના ભાટ વિસ્તારની ડેઇલી સ્ટે ઈનમાં યુવક અને યુવતીના એકસાથે આપઘાતથી ચકચાર મચી ગઈ છે. યુવક અને યુવતી પ્રેમી યુગલ હોવાનું ખૂલ્યું છે. જેમાં યુવકનું મોત નિપજ્યું છે. તો યુવતીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ છે. બંને એક જ સમાજના અને નાતે કાકા-ભત્રીજી થતા હોવાથી સમાજમાં તેમના લગ્ન શક્ય નહોતા, જેથી યુગલે મોત મીઠું કર્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગત રોજ અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં આવેલ ડેઈલી સ્ટે નામની હોટલમાં યુવક અને યુવતીએ ચેક ઈન કર્યું હતું. ચેક ઈન બાદ કપલે હાથની નસ કાપીને આપઘાત કર્યો હતો. જેના બાદ હોટલના સ્ટાફે પોલીસને જાણ કરી હતી. જેના બાદ પોલીસ દોડતી થઈ હતી.
કપલને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં યુવકનું મોત નિપજ્યું હતુ. તેમજ યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાથી તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. યુવતી ભાનમાં ન આવી હોવાથી ચોક્કસ કારણ જાણવા મળ્યું નહોતું. જેથી પોલીસે યુવતીના ભાનમાં આવવાની રાહ જોઈ રહી હતી.
આ અંગે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે, યુવક અને યુવતી અમદાવાદના શેલા વિસ્તારમાં રહે છે. બંને સંબંધમાં કાકા અને ભત્રીજી થાય છે. બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો. પરંતું એક જ સમાજના હોવાથી અને સંબંધે કાકા ભત્રીજી થતા હોવાથી બંનેના લગ્ન શક્ય ન હતા.
એક નહિ થઈ શકે તે જાણી લેતા તેઓએ મોત વ્હાલુ કરવાનું નક્કી કર્યું હતું. યુવક અને યુવતી ઘરેથી ભાગીને હોટલમાં રોકાયા હતા. જ્યાં 17 ડિસેમ્બરે બપોરના સમયે બંનેએ હાથ પર બ્લેડ મારીને નસ કાપી લીધી હતી.
હાલ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.