)
Corona Cases 2025: ગુજરાતમાં હાલ કોરોના વાયરસના 7 એક્ટિવ કેસ હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ દેશમાં કોવિડના એક્ટિવ કેસ મામલે ગુજરાત છઠ્ઠા ક્રમે આવી પહોંચ્યં છે. તમને જણાવી દઈએ કે હોંગકોંગમાં છેલ્લા 10 અઠવાડિયામાં કોવિડના કેસ દર અઠવાડિયે 30 ગણાથી વધુ વધ્યા છે. પરંતુ આ ઉછાળો ફક્ત હોંગકોંગ પૂરતો મર્યાદિત નથી. સિંગાપોરમાં પણ એક અઠવાડિયામાં કેસોમાં લગભગ 30 ટકાનો વધારો થયો છે. ચીન અને થાઇલેન્ડમાંથી પણ કોવિડના કેસ વધવાના અહેવાલો સામે આવી રહ્યા છે.
મહત્વનું છે કે ગુજરાતમાં માંડ એક કેસ એક્ટિવ હતો, જેમાં છ કેસનો વધારો થયો છે, એ પછી ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા સાત ઉપર પહોંચી છે. આ તબક્કે ગુજરાતમાં અત્યારે કોરોનાના એક્ટિવ કેસ સાત જેટલા છે. સરકારી ચોપડે ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે ૧૧,૧૦૧ લોકોનાં સારવાર દરમિયાન મોત નોંધાયા છે.
ભારતમાં અત્યારે કોરોનાના એક્ટિવ કેસ ૨૫૭ આસપાસ છે, દેશમાં એક્ટિવ કેસ મામલે ગુજરાત અત્યારે છઠ્ઠા ક્રમે છે. એકંદરે ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા નહિવત પ્રમાણમાં છે. જોકે અન્ય દેશોમાં કોરોનાએ ફરી ઊથલો માર્યો છે ત્યારે આગામી દિવસોમાં સરકાર તકેદારીના પગલાં જાહેર કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
અમદાવાદ શહેરમાં સરકારી હોસ્પિટલોમાં અત્યારે કોવિડ અને સ્વાઈન ફલૂ જેવા લક્ષણો ધરાવતાં શંકાસ્પદ કેસો સામે આવી રહ્યા છે, જોકે મોટા ભાગના રિપોર્ટ નેગેટિવ આવી રહ્યા છે, જે એકંદરે રાહતની વાત છે. જેમની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય, હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય, ડાયાબિટિસ હોય તેવા દર્દીઓએ તકેદારી રાખવી જરૂરી છે.