)
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના સોલા ખાતે આવેલ હોલમાર્ક જ્વેલર્સના કર્મચારી અલ્પેશ પટેલ પોતાના એક્ટિવા પર 5 કિલો ચાંદી લઈને માણેકચોક આપવા જઈ રહ્યા હતા. જ્યારે તેઓ નગરી હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ છારા ગેંગના એક સાગરીતે તેમને રોક્યા અને તે અકસ્માત કેમ કર્યો છે તેમ કહીને ઝઘડો કરી વાતોમાં ફસાવ્યા હતા.
આ દરમિયાન અલ્પેશભાઈ કંઈ સમજે તે પહેલા જ પાછળથી અન્ય બાઇક પર આવેલા બે શખ્સો 12.48 લાખની કિંમતની 5 કિલો ચાંદી ભરેલી બેગ નજર ચૂકવીને ફરાર થઇ ગયા હતા. આ ઘટના સામે આવતાની સાથે જ એલિસબ્રિજ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી સીસીટીવી ફૂટેજ અને બન્ને બાઈકના નંબર આધારે અને આરોપીઓ જે રૂટ પર ફરાર થયા તે દિશામાં તપાસ હાથ ધરી હતી.
પોલીસે છારા ગેંગના બે સાગરીતોની કરી ધરપકડ
આ ચાંદી ચોરીની ઘટનાને એલિસબ્રિજ પોલીસે ગંભીરતાને જોઈને એલિસબ્રિજ પોલીસે અંદાજે 100થી 150 જેટલા સીસીટીવી ફૂટેજ ફંગોળ્યા હતા. સાથે જ ટેકનિકલ તપાસ અને ખાનગી બાતમીના આધારે એલિસબ્રિજ પોલીસે પ્રતીક ઉર્ફે અંધો પાનવેકર અને શંકુલ ભોગેકર નામના બે આરોપીને ધરપકડ કરવામાં આવી હતી. આ બન્ને આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા
એલિસબ્રિજ પોલીસે આ આરોપીઓ પાસેથી 1 કિલો ચાંદી અને 8 લાખ રૂપિયા રોકડા રિકવર કર્યા છે. ત્યારે આ ગેંગ કેટલા સભ્યો છે અને આ ગેંગના ગુના કેટલા છે તેને લઇ એલિસબ્રિજ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસ પાસે ચોંકાવનારા આંકડા સામે આવ્યા હતા. જેને લઈ એલિસબ્રિજ પોલીસે આ ગેંગની સામે ગુજસીટોકનો ગુનો નોંધ્યો છે.
ઝડપાયેલા આરોપી પ્રતીક ઉર્ફે અંધો પાનવેકર અને શંકુલ ભોગેકરની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આ ગેંગનો મુખ્ય માસ્ટરમાઇન્ડ અજય ગાગડેકર અને વિશાલ તનવાણી છે, જે હજુ પણ પોલીસ પકડથી દૂર છે અને અન્ય ગુનાને અંજામ આપી શકે તેવી ભીતિ છે. આ ગેંગ એટલી શાતીર છે કે, માત્ર નજર ચૂકવીને ચોરી કરવાના જ 7 જેટલા ગુના કબૂલ્યા છે.
આ ગેંગે 30 જેટલા ચોરી ગુનાને આપ્યો છે અંજામ
આ ગેંગ અગાઉ અમદાવાદના એલિસબ્રિજ, સરખેજ, કૃષ્ણનગર, નરોડા, ઓઢવ, શાહીબાગ, વાડજ, વસ્ત્રાપુર, સરદારનગર અને ભારતની રાજધાની દિલ્હી સુધી કુલ 30 જેટલા ચોરીના ગુનાને સફળતા પૂર્વક અંજામ આપી ચુકી છે. આ ગેંગના નેટવર્કને તોડવા માટે પોલીસે આખી ગેંગ પર ગુજસીટોકની કડક કલમોનો ઉમેરો કર્યો છે. તેમજ ફરાર આરોપીને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે. ત્યારે લાખો રૂપિયાની ચોરી કરીને પોલીસને થાપ આપી આ ગેંગ પર હવે ગુજસીટોકનો સકંજો કસાયો છે.