)
Khokhra School Student Murder: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 8ના એક વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની છરી મારીને હત્યા કરતાં ભારે હોબાળો મચી ગયો હતો. ઘટનામાં વિદ્યાર્થી ગંભીર ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક મણિનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. વિદ્યાર્થીના મોત બાદ આક્રોશિત સિંધી સમાજના લોકોએ મોટી સંખ્યામાં શાળાએ પહોંચી તોડફોડ કરી હતી. આરોપી વિદ્યાર્થી શાહઆલમનો રહેવાસી છે. આ ઘટના બાદ શાળામાં ભારે તણાવની સ્થિતિ સર્જાઈ હતી અને વાલીઓ, સ્થાનિક લોકો તથા બજરંગ દળના કાર્યકર્તાઓએ એકઠા થઈને તોડફોડ કરી હતી. પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી કે પોલીસે દરમિયાનગીરી કરીને હેડમાસ્ટરને લોકોના ટોળામાંથી બચાવવા પડ્યા હતા.
આ ઘટના અંગે વાલીઓએ ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમનો મુખ્ય આક્રોશ એ વાતનો હતો કે જ્યારે વિદ્યાર્થી પર હુમલો થયો ત્યારે શાળા તરફથી તેને તાત્કાલિક મદદ ન મળી. કેટલાક વાલીઓએ તો એવો પણ દાવો કર્યો કે આ હુમલો કરનાર વિદ્યાર્થી અગાઉ પણ છરી લઈને શાળામાં આવ્યો હતો, પરંતુ શાળા પ્રશાસને કોઈ કાર્યવાહી કરી ન હતી. વાલીઓએ શાળાના પ્રિન્સિપાલ પર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા હતા અને શાળામાંથી મુસ્લિમ વિદ્યાર્થીઓને બહાર કાઢવાની માગણી પણ ઉઠાવી હતી. જોકે, શાળાએ વાલીઓના તમામ આક્ષેપોને નકાર્યા હતા.
આ ઘટના સામાજિક ચિંતનનો વિષય: શિક્ષણ મંત્રી
રાજ્યના શિક્ષણ મંત્રીએ આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી હતી અને તેની તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે આ ઘટના સામાજિક ચિંતન અને મનનનો વિષય છે. નાની ઉંમરના વિદ્યાર્થી દ્વારા છરીથી હુમલો કરવો એ સમાજ માટે 'રેડ સિગ્નલ' છે. મંત્રીએ શાળાઓને આવા વિકૃત માનસિકતા ધરાવતા વિદ્યાર્થીઓ પર નજર રાખવાની અને બાળકોના નાના ઝઘડા મર્ડર સુધી ન પહોંચે તે માટે તકેદારી રાખવાની અપીલ કરી હતી.
હિંસા એ સામાન્ય ઘટના બની રહી છે: મનોવૈજ્ઞાનિક પ્રશાંત ભિમાણી
સિનિયર સાયકોલોજીસ્ટ પ્રશાંત ભિમાણીએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે ટીનેજર્સ અને પ્રી-ટીનેજર્સમાં હિંસાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. બાળકો માટે હિંસા હવે સામાન્ય બની રહી છે. આ પાછળ ઓટીટી પ્લેટફોર્મ પર આવતી હિંસક સિરીઝ, બાળકોમાં ઘટતી સહનશીલતા અને ઘરની અંદર થતી હિંસા પણ જવાબદાર છે. તેમણે પોઝિટિવ પેરેન્ટિંગ, શાળામાં વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ અને તેમના દફતરનું રેન્ડમ ચેકિંગ કરવા પર ભાર મૂક્યો. સાથે જ, નવી શિક્ષણ નીતિમાં રહેલી મનોવૈજ્ઞાનિક નીતિનો અમલ કરવા અને સરકારને યોગ્ય પોલિસી બનાવવાની પણ સલાહ આપી.
શાળા માત્ર ફી ઉઘરાવવાનું કામ ન કરે: કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આ ઘટનાને ગંભીર ગણાવતાં કહ્યું કે શાળાના બાળકો હથિયાર લઈને સ્કૂલ પહોંચે એ ચિંતાનો વિષય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વર્ગખંડો અને શિક્ષણ સંકુલો સલામત હોવા જરૂરી છે. દોશીએ ગાંધીના સત્ય અને અહિંસાના પાઠ ભણાવવા પર ભાર મૂક્યો અને કહ્યું કે આપણે ગાંધી વિચારથી દૂર થઈ રહ્યા છીએ. તેમણે ઓનલાઈન ગેમ્સ, એકલતા અને શાળાઓ દ્વારા માત્ર ફી ઉઘરાવવાના વલણને પણ આ સમસ્યા માટે જવાબદાર ગણાવ્યા.
પ્રિન્સિપલ અને શિક્ષકો મદદ માટે નીચે પણ ન ઉતર્યા: પ્રત્યક્ષદર્શી વિદ્યાર્થી
ઝી 24 કલાક સાથે વાત કરતાં ઘટનાના એક પ્રત્યક્ષદર્શી વિદ્યાર્થીએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે હુમલાની આખી ઘટના શાળાના પરિસરમાં જ બની હતી. તેનો દાવો છે કે શાળા પ્રશાસન પોતાની આબરૂ બચાવવા માટે સત્ય છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેણે કહ્યું કે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને પ્રિન્સિપાલ કે શિક્ષકોએ નહીં, પરંતુ તેના જ એક વિદ્યાર્થી મિત્રએ હોસ્પિટલ પહોંચાડ્યો હતો. આ પ્રત્યક્ષદર્શીએ એવો પણ આક્ષેપ કર્યો કે ઘટના સમયે પ્રિન્સિપાલ અને શિક્ષકો મદદ કરવા માટે નીચે પણ ઉતર્યા ન હતા.