)
Ahmdabad Air Quality Index: ગુજરાતના મુખ્ય શહેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી હવાની ગુણવત્તા (Air Quality Index - AQI) ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. રાજકોટ, અમદાવાદ, સુરત અને ભરૂચ સહિતના મહાનગરોમાં AQI લેવલ 200 થી 300 પોઈન્ટની વચ્ચે નોંધાયું છે, જે "ખરાબ" કે "અત્યંત ખરાબ" શ્રેણીમાં આવે છે. આ ઝેરી હવાના કારણે શહેરીજનોના સ્વાસ્થ્ય પર મોટો ખતરો ઊભો થયો છે.
ઈથોપિયાના જ્વાળામુખીની સંભવિત અસર
નિષ્ણાતો દ્વારા આ અચાનક અને જંગી પ્રદૂષણ વધારા પાછળ એક આંતરરાષ્ટ્રીય પરિબળની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ઈથોપિયામાં થયેલો જ્વાળામુખી બ્લાસ્ટ. આ જ્વાળામુખીના ધુમાડા અને રજકણો વાતાવરણના પ્રવાહો દ્વારા ગુજરાત સુધી પહોંચ્યા હોવાની શક્યતા છે, જેના કારણે શહેરોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને AQI સ્તરમાં અસાધારણ વધારો થયો છે.
મહાનગરોમાં હવાની સ્થિતિ
સ્માર્ટ સિટી સુરત: AQI 250ને પાર
ઔદ્યોગિક નગરી સુરતની હવા અત્યારે સૌથી વધુ ઝેરીલી બની છે. AQI લેવલ: 250ને પાર પહોંચ્યો છે. ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા ધુમાડાના કારણે સચિન, ભેસ્તાન અને પાંડેસરા જેવા વિસ્તારોમાં AQI ખરાબ શ્રેણીમાં નોંધાયો છે. જ્વાળામુખીની અસર ઉપરાંત ઔદ્યોગિક એકમોમાંથી થતું ઉત્સર્જન પણ મુખ્ય પરિબળ છે.
રંગીલું રાજકોટ: 6 વિસ્તારોમાં AQI 250ને પાર
રાજકોટમાં પણ હવા પ્રદૂષણનો ગ્રાફ સતત ઊંચો જઈ રહ્યો છે, જેનાથી લોકોની ચિંતામાં વધારો થયો છે. શહેરના લગભગ 6 જેટલા વિસ્તારોમાં AQI 250ને પાર નોંધાયો છે. સોરઠિયાવાડી, RMC સેન્ટ્રલ ઝોન કચેરી વિસ્તાર અને જામ ટાવર વિસ્તારમાં AQI લેવલ ખરાબ શ્રેણીમાં છે.
અમદાવાદમાં દિલ્હી જેવો મોટો પ્રશ્ન
દેશની રાજધાની દિલ્હીની જેમ, અમદાવાદમાં પણ હવાના પ્રદૂષણનો મોટો પ્રશ્ન સામે આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદીઓ હાનિકારક હવા લઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. કુલ AQI: 188એ પહોંચ્યો છે.
અમદાવાદમાં AQI વધવાના મુખ્ય કારણો (શરદીય મોસમમાં સામાન્ય):
વટવા, ગીફ્ત અને નરોડા જેવા ઔદ્યોગિક વિસ્તારોમાંથી PM2.5 અને PM10નું વધુ પડતું ઉત્સર્જન. શહેરી વિસ્તારોમાં વધતી વાહનોની સંખ્યા અને ટ્રાફિક જામથી NO_2 અને COમાં વધારો. મેટ્રો અને રોડ વિસ્તારણ જેવા નિર્માણ પ્રોજેક્ટ્સથી PM10માં વધારો. ઠંડીના કારણે નબળી હવા પરિભ્રમણથી પ્રદૂષણનું એકત્રીકરણ.
ભરૂચ ઔદ્યોગિક વસાહતો પર વિશેષ ધ્યાન
ભરૂચ જિલ્લામાં તાપમાનનો પારો ગગડતાની સાથે જ હવા પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે, ખાસ કરીને ઔદ્યોગિક વસાહતની આસપાસ.
GPCB દ્વારા તકેદારીના સૂચનો:
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા લોકોને અને ઉદ્યોગોને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. લોકો માટે: તાપણું બને એટલું ઓછું કરવું અને પ્લાસ્ટિક ન સળગાવવું. ઉદ્યોગો માટે (અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા): 'બોઈલર અને થર્મોપેક સાથે લાગેલી મશીનરીની ચકાસણી કરવી'. વધતા હવાના પ્રદૂષણથી લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની સંભાવના છે, ત્યારે તમામ શહેરીજનોએ સાવચેત રહેવું અને શક્ય હોય તો સવારે અને સાંજે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ.