)
Gujarat Weather Forecast: ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં એક તીવ્ર હવામાન પ્રણાલી સક્રિય થઈ છે. જેના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદ અને ખરાબ વાતાવરણની શક્યતા છે. હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ આ સિસ્ટમ આગામી 24 કલાકમાં નબળી પડશે, પરંતુ 28 થી 30 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોને અસર કરશે. 1 ઓક્ટોબર સુધી ગુજરાતના કિનારે અરબી સમુદ્રમાં વાતાવરણ ખરાબ રહેવાની શક્યતા છે.
આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને, ભારતીય કોસ્ટ ગાર્ડ (ઓખા) દ્વારા માછીમારો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોસ્ટ ગાર્ડે માછીમારોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં દરિયો ખેડવા ન જાય. ઉપરાંત, હાલમાં દરિયામાં રહેલી તમામ બોટ અને જહાજોને તાત્કાલિક નજીકના બંદર પર પાછા ફરવાનો કડક આદેશ આપવામાં આવ્યો છે. જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. તંત્રએ લોકોને હવામાનની સતત માહિતી મેળવતા રહેવા અને સુરક્ષા સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે.
દ્વારકાના કલ્યાણપુર પંથકમાં જળબંબાકાર, મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ
દ્વારકા જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તાલુકાના લાંબા ગામે મુખ્ય માર્ગો પર વરસાદી પાણીનો પ્રવાહ વહેતા જનજીવન ખોરવાયું છે. અનરાધાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોનો મગફળીનો પાક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે.
જેના પગલે ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. પરિસ્થિતિ વણસે નહીં તે માટે હજી પણ આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક વહીવટી તંત્રને સાવચેતીના પગલાં લેવા તાકીદ કરવામાં આવી છે.