)
Aam Aadmi Party: આમ આદમી પાર્ટી (AAP)ના કોર્પોરેટરોએ પોલીસ પર ગંભીર દમનનો આરોપ લગાવ્યો છે. આક્ષેપ મુજબ, સુરતમાં હોસ્પિટલના ઉદ્ઘાટનમાં જઈ રહેલા 'આપ'ના કોર્પોરેટરોને પોલીસે માર મારીને અટકાયત કરી છે. આ ઘટનામાં વિપક્ષ નેતા પાયલ સાકરિયાને પણ પેટમાં માર વાગતા દુખાવો ઉપડ્યો છે અને હાલ તેઓ સારવાર હેઠળ છે.
શું બની હતી ઘટના?
આ ઘટનાને પગલે 'આપ'ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી છે અને પોલીસ અધિકારીઓને તાત્કાલિક બરતરફ કરવાની માગણી કરી છે. 'આપ' દ્વારા જણાવ્યા મુજબ, પોલીસ અધિકારીઓએ કોર્પોરેટરોને ઢોરમાર માર્યો હતો. આ ઘટનામાં વિપક્ષ નેતા પાયલ સાકરિયાને પેટમાં ગંભીર ઈજા પહોંચી છે. આ ઘટના બાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આગળની કાર્યવાહીની ચીમકી
આ મામલે 'આપ' દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસની માગણી કરવામાં આવી છે અને જવાબદાર પોલીસ અધિકારીઓ પર કડક પગલાં લેવા માટે રજૂઆત કરવામાં આવી છે. 'આપ' એ ચેતવણી પણ આપી છે કે જો આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે, તો પુણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવશે. આ ઘટનાને પગલે સુરતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
આ મામલો હવે રાજ્યના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે, અને જોવું રહ્યું કે સરકાર અને પોલીસ તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે.