)
Dudhsagar Dairy Election: ઉત્તર ગુજરાતની પ્રખ્યાત દૂધસાગર ડેરીની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. ડેરીમાં સહકારી ક્ષેત્રે અન્યાય થતા ઠાકોર સમાજના નેતાઓએ બાંયો ચઢાવી છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના સ્નેહમિલનમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના નેતા બળદેવજી ઠાકોરે ડેરીના રાજકારણમાં ઠાકોર સમાજને થઈ રહેલા અન્યાય સામે લાલ આંખ કરી છે.
અમારા સમાજને પ્રતિનિધિત્વ મળે - અલ્પેશ ઠાકોર
દૂધસાગર ડેરીની ચૂંટણી પ્રક્રિયા અને તેમાં ચાલી રહેલી ગેરરીતિઓ અંગે અલ્પેશ ઠાકોરે કહ્યું કે, ડેરીની મંડળીઓમાં વહીવટદારો અલગ હોય છે અને મતાધિકાર બીજા વ્યક્તિઓ પાસે હોય છે, જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. અન્યાય ક્યારેય ન ચાલે અને અન્યાયની સામે હંમેશા બોલવું પડે. સહકારી ક્ષેત્ર ખૂબ વિશાળ છે અને તેમાં ઠાકોર સમાજની મોટી વસ્તી હોવા છતાં યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી. અમારી માંગ છે કે સામાજિક અને સહકારી ક્ષેત્રમાં સમાજને પૂરતું પ્રાધાન્ય અને પ્રતિનિધિત્વ મળવું જ જોઈએ.
અન્યાય નહિ ચાલે - અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ડેરીમાં જે મંડળી છે, તેમાં મતાધિકારનો બધાને હક છે. મને કલોલથી ફોન આવ્યો હતો કે, વહીવટદાર બીજા છે, અને મત આપવાનો અધિકાર બીજાને છે. આવી પણ ફરિયાદો આવી છે. આ દુર્ગભાગ્યપૂર્ણ બાબત છે. મહેસાણામાં અમારી આટલી મોટી સંખ્યા છે. અમારો સમાજ પણ મોટો છે. સહકારી ક્ષેત્રે અમારા સમાજને પ્રતિનિધિત્વ મળવું જોઈએ. સહકારી ક્ષેત્રે તમામ સમાજને પ્રતિધિનિધિત્વ મળવું જોઈએ. કોઈ પણ રીતે અન્યાય ન ચાલે, ન્યાય સામે બોલવું તો પડે, સહાકરી ક્ષેત્રમાં પણ અમને પૂરતું પ્રાધાન્ય મળવુ જોઈએ.
બળદેવજી ઠાકોરનો બળાપો
શંખલપુરમાં આયોજિત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના સ્નેહમિલનમાં કોંગ્રેસ નેતા બળદેવજી ઠાકોરે દૂધસાગર ડેરીની ચૂંટણી મુદ્દે કહ્યું કે, દૂધ ભરાવવામાં ઠાકોર સમાજના સૌથી વધુ છે. રૂપિયાની લાલચ આપવામાં આવી રહી છે. દર મંડળીએ ચાર-ચાર અને પાંચ -પાંચ લાખ આપી મનગમતા માણસોનો ઠરાવ કરાવે છે. બીજા માણસોના ફોર્મમાં સહી નહી કરવાનું દબાણ ઉભું કરાય છે. એક તરફી ડિરેક્ટરો થાય છે, એની સામે અમારો વાંધો છે. અમારા સમાજના ડિરેક્ટરો હોય તો દીકરા દીકરીઓને નોકરી મળી શકે.
ડેરીની ચૂંટણીમાં ગેરરીતિ મુદ્દે બળદેવજી ઠાકોરે કહ્યું કે, ડેરીની ચૂંટણીમાં મતો ખરીદવામાં આવ્યા છે. ડેરીના પ્રમુખ-મંડળીના મત ખરીદવામાં આવ્યા છે. ડેરીના મતદારો પ્રમુખ-મંત્રીના મત 5 લાખમાં ખરીદી ચૂંટણી બિનહરીફ કરવાનો પ્રયત્ન કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, સોમવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય ઉમેદવારો તેમના ટેકેદરો અને સહકારી આગેવાનોનો મહેસાણા બહુમાળી સંકુલમાં અને કલેક્ટર કચેરીના બીજા માળે ચૂંટણી અધિકારીની ઓફિસ બહાર જમાવડો જોવા મળ્યો હતો.
ચેરમેન અશોક ચૌધરી બિનહરીફ, પેનલ સમરસ થશે
દૂધસાગર ડેરીની 15 બેઠકો માટે જાહેર થયેલી ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે સોમવારે કુલ 66 ફોર્મ ભરાયાં હતાં. જેમાં મહેસાણા વિભાગમાંથી વર્તમાન ચેરમેન અશોક ચૌધરીનું એક માત્ર ફોર્મ ભરાતાં તેમની એક બેઠક બિનહરીફ થઈ હતી.